બાળકો, આજના ડિજિટલ અને `એઆઈ' યુગમાં સેમિકન્ડક્ટર ચિપ્સને વૈશ્વિક અર્થતંત્ર અને ટેક્નોલોજીનું નવું બળતણ અથવા ઓઈલ માનવામાં આવે છે. સ્માર્ટ ફોનથી લઈને સુપર કમ્પ્યૂટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીની તમામ આધુનિક પ્રણાલીઓ અત્યારના સમયમાં આ નાની સિલિકોન ચિપ્સ પર જ નિર્ભર છે. છેલ્લા પાંચ દાયકાથી સેમિકન્ડક્ટર જગતમાં સિલિકોનનું એકહથ્થુ શાસન રહ્યું છે, પરંતુ હવે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડેટા સેન્ટર્સની માંગ અભૂતપૂર્વ રીતે વધી રહી છે, ત્યારે સિલિકોન તેની ભૌતિક ક્ષમતાઓની મર્યાદા સુધી પહોંચી ગયું છે. આ પ્રકારની પરિસ્થિતિમાં એક નવી ક્રાંતિકારી ચિપ્સ ભારતના કુશળ વૈજ્ઞાનિકોના પ્રયાસોથી ઊભરી આવી છે, જેને `જીએએન' ગેલિયમ નાઇટ્રાઇડ કહેવામાં આવે છે. તો બાળકો, આજે આપણે આ બાબતને સમજીશું.   


`જીએએન' ચિપ્સનું મહત્ત્વ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઈ સામાન્ય સોફ્ટવેર નથી, તે એકસાથે એક સમયે અબજો પેરામીટર્સ અને જટિલ ગણતરીઓ પર કામ કરે છે. વિવિધ પ્રકારનાં `એઆઈ' મોડલ્સ જેમ કે, લાર્જ લેંગ્વેજ મોડલ, પ્રિડિક્ટિવ એનાલિટિક્સ મોડલ અને ડીપ લર્નિંગ મોડલને ટ્રેન કરવા અને ચલાવવા માટે વિશાળ ડેટા સેન્ટર્સની જરૂર પડે છે. આ ડેટા સેન્ટર્સમાં હજારોની સંખ્યામાં સર્વર્સ સતત રાત-દિવસ કાર્યરત હોય છે,   

ત્યારે અહીં બે મુખ્ય પડકારો હોય છે. પ્રથમ આ સર્વર્સ અતિશય વીજળી વાપરે છે અને દ્વિતીય, તેઓ ભયંકર ગરમી પેદા કરે છે, જેને ઠંડી કરવા માટે પણ અબજો લિટર પાણી અને એર કન્ડિશનિંગ પાછળ કરોડો યુનિટ વીજળીનો ધુમાડો થાય છે. જો આ ડેટા સેન્ટર્સમાં સિલિકોન ચિપ્સની જગ્યાએ `જીએએન' ચિપ્સ આધારિત પાવર સપ્લાય સિસ્ટમ ગોઠવવામાં આવે, તો ડેટા સેન્ટર્સની ઊર્જાનો વપરાશ વૈશ્વિક સ્તરે અડધો થઈ શકે છે. `એઆઈ'માં પ્રોસેસિંગ સ્પીડ વધારવા માટે ચિપ્સની વચ્ચે ડેટા ટ્રાન્સફર પણ અત્યંત ઝડપી હોવું જરૂરી છે, જેમાં `જીએએન'ની સ્વિચિંગ સ્પીડ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, જેને આપણે એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ   

ધારો કે એક જૂની માલવાહક ટ્રેન જે મહત્તમ 60 કિમી/કલાકની ઝડપે દોડી શકે છે અને વધુ વજન વહન કરવાથી તે ખૂબ જ ગરમ થઈ જાય છે. હવે જો તમારે લાખો ટન સામાન ખૂબ જ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનો હોય, તો જૂની માલવાહક ટ્રેન નિષ્ફળ જશે, ત્યારે તમને બુલેટ ટ્રેનની જરૂર પડશે, જે અતિશય ઝડપી હોય, ઓછી ઊર્જા વાપરે તેવી પણ હોવી જોઈએ અને સાથે ગરમ થયા વગર સતત ચાલી શકે તેવી હોવી જોઈએ. આમ, સેમિકન્ડક્ટરની દુનિયામાં સિલિકોન ચિપ્સ એ એક પ્રકારનું જૂનું વાહન છે અને `જીએએન' ચિપ્સ નવી બુલેટ ટ્રેન છે.   

`જીએએન' ચિપ્સનું મહત્ત્વ મુખ્ય ત્રણ મુદ્દાઓમાં

1. ઇન્ડિયા `એઆઈ' મિશન અને ડેટા સાર્વભૌમત્વ : ભારત સરકારે ઇન્ડિયા `એઆઈ' મિશન અંતર્ગત દેશમાં જ વિશાળ સુપર કમ્પ્યૂટિંગ અને `એઆઈ' ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવાની જાહેરાત કરી છે. ભારતના પોતાના `એઆઈ' ડેટા સેન્ટર્સ જો ગ્રીન અને કાર્યક્ષમ બનાવવાં હોય, તો દેશે શરૂઆતથી જ `જીએએન' ટેક્નોલોજી અપનાવવી પડશે. આનાથી આપણો વિદેશી ડેટા સેન્ટર્સ પરનો આધાર ઘટશે અને પર્યાવરણને પણ નુકસાન નહીં થાય.   

2. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં નવો અવકાશ :   

ભારત પરંપરાગત સિલિકોન ચિપ્સના ઉત્પાદનમાં તાઇવાન કે અમેરિકા જેવા દેશો કરતાં ઘણું પાછળ રહી ગયું છે. સિલિકોન ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવા માટે અબજો ડોલરના રોકાણ અને વર્ષોના સમયની જરૂર પડે છે, પરંતુ `જીએએન' ચિપ્સ એક નવી અને ઊભરતી ટેક્નોલોજી છે. ભારત સરકાર જો અત્યારથી જ ગેલિયમ નાઇટ્રાઇડના સંશોધન અને સ્થાનિક ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે, તો ભારત વૈશ્વિક સપ્લાય ચેઇનમાં લીડર બની શકે.   

3. ઇલેક્ટ્રિક વ્હિકલ્સ અને ગ્રીન એનર્જી ક્રાંતિ :   

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે, ત્યારે `જીએએન' ચિપ્સ ઇલેક્ટ્રિક કારના ઓન-બોર્ડ ચાર્જર અને બેટરી મેનેજમેન્ટ સિસ્ટમને નાની અને વધુ કાર્યક્ષમ બનાવે છે, જેથી કાર એક ચાર્જમાં વધુ માઇલેજ આપી શકે. આ ઉપરાંત સોલાર પાવર ઇન્વર્ટર પ્રણાલીમાં `જીએએન' ચિપ્સ વાપરવાથી સૂર્યઊર્જાનો બગાડ અટકે છે, જે ભારતના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકો માટે ખૂબ જ જરૂરી છે.   

                     

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: