જ્યારે પણ આપણે વિમાનમાં મુસાફરી કરીએ છીએ, ત્યારે લેન્ડિંગ અને ટેક-ઓફ કરતી વખતે એર હોસ્ટેસ દરેક મુસાફરને બારીના શટર ખોલી દેવાની ખાસ સૂચના આપે છે. આ નિયમ પાછળ હવાઈ સુરક્ષાનાં મહત્ત્વપૂર્ણ કારણો છુપાયેલાં છે. હવાઈ સફરમાં ટેક-ઓફ અને લેન્ડિંગના સમયને `ક્રિટિકલ ફેઝ'અથવા `પ્લસ-થ્રી, માઇનસ-એઇટ રૂલ' માનવામાં આવે છે. વિમાન અકસ્માતોનો ઈતિહાસ દર્શાવે છે કે વિમાનમાં થતી મોટાભાગની ઈમરજન્સી કે અકસ્માતોની ઘટનાઓ ફ્લાઇટ ઊપડે તેની પહેલી 3 મિનિટમાં અથવા લેન્ડ થાય તેની છેલ્લી 8 મિનિટમાં જ બનતી હોય છે, તેથી આ સમય દરમિયાન મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ બંનેએ સૌથી વધુ એલર્ટ રહેવું પડે છે. બારીઓ ખુલ્લી રાખવા પાછળનાં કારણો નીચે મુજબ છે.

પરિસ્થિતિજન્ય જાગૃતિ 

વિમાનની અંદર બેઠેલા કેબિન ક્રૂ દરેક જગ્યાએ એકસાથે નજર રાખી શકતા નથી. બારીના પડદા ખુલ્લા હોવાથી મુસાફરો અને ક્રૂ બંને અજાણતાં જ બહારની પરિસ્થિતિ પર નજર રાખી શકે છે. જો પ્લેનના એન્જિનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાય, પાંખમાંથી ધુમાડો કે આગ નીકળે અથવા બોલ્ટ ઢીલો પડી જાય, તો બારી પાસે બેઠેલો મુસાફર તરત જ તેને જોઈ શકે છે અને ક્રૂને જાણ કરી શકે છે. ભૂતકાળમાં આવી ઘણી ઘટનાઓ બની છે, જેમાં મુસાફરોની સમયસૂચકતાને કારણે મોટો અકસ્માત ટળ્યો હોય. 

આંખોનું રોશની સાથે અનુકૂલન 

લેન્ડિંગ અને ટેક-ઓફ વખતે વિમાનની બારીઓ ખુલ્લી રાખવામાં આવે છે. આ પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે મુસાફરો અને ક્રૂની આંખો બહારના કુદરતી પ્રકાશ સાથે ટેવાઈ જાય. જો ઈમરજન્સી સમયે વિમાનમાં અચાનક વીજળી ગુલ થઈ જાય કે ધુમાડો ભરાઈ જાય, તો માનવ આંખને અંધારા કે અજવાળા સાથે સેટ થવામાં 5થી 15 સેકન્ડનો સમય લાગે છે. બારીઓ ખુલ્લી હોવાથી આંખો પહેલેથી જ બહારના વાતાવરણ સાથે અનુકૂળ થઈ ગઈ હોય છે, જેથી મુસાફરો કોઈ પણ વિલંબ વગર રસ્તો જોઈને ઝડપથી બહાર નીકળી શકે છે. 

સલામત રસ્તો પસંદ કરવા 

જો કોઈ કારણસર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડે, તો મુસાફરોને બહાર કાઢવા માટે વિમાન પાસે માત્ર 90 સેકન્ડનો સમય હોય છે. ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલતા પહેલાં કેબિન ક્રૂએ બારીમાંથી બહાર જોવું પડે છે. જો પ્લેનની ડાબી બાજુ આગ લાગી હોય કે પ્લેનનો એ ભાગ પાણીમાં ડૂબેલો હોય, તો ક્રૂ બારીમાંથી જોઈને તરત નિર્ણય લઈ શકે છે કે ડાબી બાજુના દરવાજા બંધ રાખી જમણી બાજુના દરવાજાથી મુસાફરોને બહાર કાઢવા. 

રેસ્ક્યૂ ટીમ માટે સુવિધા 

દુર્ઘટનાના કિસ્સામાં બહારથી આવતી એરપોર્ટ રેસ્ક્યૂ ટીમ, ફાયર ફાઇટર્સ અને ઈમરજન્સી સ્ટાફ માટે ખુલ્લી બારીઓ મદદરૂપ બને છે. તેઓ પ્લેનની બારીઓમાંથી જોઈ શકે છે કે અંદરનો માહોલ કેવો છે. આનાથી બચાવ કાર્ય વધુ ઝડપી અને સચોટ બને છે.  


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો