આપણે જ્યારે પક્ષી શબ્દ સાંભળીએ અથવા પક્ષીની વાત કરીએ ત્યારે આપણા મનમાં આકાશમાં મુક્તપણે વિહરતાં અને પાંખો ફફડાવતા જીવોનું ચિત્ર ઊપસી આવે છે, પરંતુ કુદરતની સૃષ્ટિ રહસ્યોથી ભરેલી છે. આ વિશાળ બ્રહ્માંડમાં કેટલાંક એવાં પક્ષીઓ પણ છે, જે પક્ષી હોવા છતાં આકાશમાં ઊડી શકતાં નથી અને તેમાં સૌથી લોકપ્રિય અને વહાલું લાગતું જો કોઇ નામ હોય તો એ પેંગ્વિન છે. દક્ષિણ ગોળાર્ધના ઠંડા પ્રદેશોમાં જોવા મળતા પેંગ્વિન આકાશમાં ઊડવાને બદલે જમીન પર ચાલે છે અને બરફ પર સરકે છે, પરંતુ પક્ષી હોવા છતાં તેઓ આકાશમાં કેમ ઊડી શકતાં નથી? તેની પાછળ વૈજ્ઞાનિક અને ઉત્ક્રાંતિનું કારણ છુપાયેલું છે.
શરીરની અસાધારણ રચના
આકાશમાં ઊડતાં પક્ષીઓનાં હાડકાં અંદરથી પોલાં અને વજનમાં અત્યંત હલકાં હોય છે, જે તેમને હવામાં સરળતાથી તરવામાં મદદ કરે છે. આનાથી ઊંધું પેંગ્વિનનાં હાડકાં પોલાં હોતાં નથી, પરંતુ એકદમ મજબૂત અને નક્કર હોય છે. પરિણામે ભારે હાડકાં અને શરીરનું વધારે વજન તેમના માટે હવામાં ઊડવાનું અશક્ય બનાવી દે છે, તેથી તેઓ આકાશમાં ઊડી શકતાં નથી. જોકે, મજાની વાત એ છે કે, આ ભારે શરીર તેમને પાણીની અંદર ઊંડે સુધી ડાઇવ મારવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.
પાંખોનું ફ્લિપર્સમાં રૂપાંતર
ઊડતાં પક્ષીઓની પાંખો લવચીક અને પીંછાંથી ઢંકાયેલી હોય છે, જે હવાનો પ્રતિકાર કરીને તેમને ઊંચે લઈ જાય છે. ઉત્ક્રાંતિની પ્રક્રિયા દરમિયાન, પેંગ્વિનની પાંખો હવામાં ઊડવાને બદલે પાણીમાં તરવા માટે અનુકૂળ થઈ ગઈ. તેમની પાંખો ટૂંકી, ચપટી અને મજબૂત બની ગઈ, જેને ફ્લિપર્સકહેવામાં આવે છે. આ ફ્લિપર્સ હવામાં કામ નથી કરતા, પરંતુ પાણીની અંદર હોડીના હલેસા જેવું અદ્ભુત કામ કરે છે, તેથી પેંગ્વિન પાણીમાં સારી રીતે તરી શકે છે.
વૈજ્ઞાનિકોના મતે ફ્લિપર્સના કારણે પેંગ્વિને આકાશમાં ઊડવા કરતાં પાણીમાં તરવાની કળાને વધુ મહત્ત્વ આપ્યું છે, કારણ કે તેમનો મુખ્ય ખોરાક માછલીઓ અને દરિયાઈ જીવો છે. ખોરાકની શોધમાં તેમણે પાણીની અંદર લાંબો સમય પસાર કરવો પડે છે. પેંગ્વિન ભલે આકાશમાં ન ઊડી શકતાં હોય, પરંતુ તેમની તરવાની સ્પીડ અને ડાઇવિંગ ક્ષમતા એટલી અદ્ભુત હોય છે કે તેઓ પાણીની અંદર ખૂબ જ ઝડપથી ઊડીને શિકાર પકડી લે છે.
ઉત્ક્રાંતિનો સોનેરી નિયમ
કુદરતમાં ઊર્જાનો એક નિયમ છે. પેંગ્વિન માટે એક જ સમયે સારા ફ્લાયર એટલે કે ઊડનાર અને સારા ડાઇવર એટલે કે તરવૈયા બનવું અશક્ય હતું. જો તેઓ આકાશમાં ઊડવા માટે હલકા હોત, તો દરિયાના ઠંડા પાણીમાં ઊંડે સુધી જઈ શકત નહીં અને ભૂખથી મરી જાત, તેથી તેમણે જીવતા રહેવા માટે આકાશની સફર છોડીને સમુદ્રને અપનાવ્યું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો