વાદળોનો ગડગડાટ અને વીજળીનો ચમકારો આપણને ચોમાસામાં સંભળાય છે. આવું થાય ત્યારે સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે, આકાશમાં બે વાદળો એકબીજા સાથે અથડાય છે એટલે આ પ્રકારનો અવાજ થાય છે, પરંતુ હકીકતમાં તેની પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે.
આકાશમાં રહેલી વીજળી એ કુદરતી રીતે ઉત્પન્ન થતો એક વિશાળ વિદ્યુત પ્રવાહ છે. ચોમાસામાં જ્યારે ભેજ અને ગરમી બંને ભેગાં થાય છે, ત્યારે વાતાવરણમાં ક્યુમુલોનિમ્બસ નામનાં વાદળો બંધાય છે. આ વાદળોની અંદર જોરદાર રીતે હવાનો પ્રવાહ ઉપર-નીચે થાય છે. વાદળના નીચેના ભાગમાં પાણીનાં ટીપાં હોય છે અને જ્યાં તાપમાન શૂન્ય કરતાં ઓછું હોય છે એ ભાગમાં બરફના નાના નાના કણો એટલે કે કરા હોય છે. જ્યારે તીવ્ર હવાના કારણે પાણીનાં ટીપાં અને બરફના કણો એકબીજા સાથે જોરથી ઘસાય છે, ત્યારે તેમાં સ્થિર વીજળી ઉત્પન્ન થાય છે. આ ઘર્ષણને કારણે વાદળનો ઉપરનો ભાગ પોઝિટિવ ચાર્જ અને વાદળનો નીચેનો ભાગ નેગેટિવ ચાર્જ ધરાવતો થઇ જાય છે. આ નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ એકબીજાને મળવા માટે હવામાં કૂદકા મારે છે, તેના કારણે પ્રચંડ વીજળીનો ચમકારો થાય છે. ઘણીવાર આ વીજળી વાદળમાંથી જમીન તરફ પણ આવે છે, જેને આપણે વીજળી પડી એમ કહીએ છીએ.
વાદળોનો ગડગડાટ કેમ થાય છે?
જ્યારે જ્યારે આકાશમાં વીજળીનો ચમકારો થાય છે, ત્યારે તે હવામાં પસાર થાય છે, તે હવાને અતિશય ગરમ કરી નાંખે છે. પરિણામે આ વીજળીની આજુબાજુનું તાપમાન 30,000 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ થઇ જાય છે. આ તાપમાન સૂરજદાદાની સપાટીના તાપમાન કરતાં પણ પાંચ ઘણું વધારે હોય છે. આટલી પ્રચંડ ગરમીને કારણે વાતાવરણ જોરદાર આંચકો અનુભવે છે અને આ આંચકો ધ્વનિ તરંગોમાં ફેરવાઇ જાય છે અને તે અવાજ આપણને વાદળના ગડગડાટ સ્વરૂપે સંભળાય છે.
ચમકારો પહેલાં અને ગર્જના પછી કેમ?
આકાશમાં પહેલાં આપણને વીજળીનો ચમકારો દેખાય છે, તેની થોડી સેકન્ડ પછી ગડગડાટ સંભળાય છે. આવું થવા પાછળનું કારણ ધ્વનિ અને પ્રકાશની ઝડપ વચ્ચેનો તફાવત છે. પ્રકાશની ઝડપ આશરે 3,00,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે, જ્યારે હવામાં અવાજની ઝડપ માત્ર 343 મીટર પ્રતિ સેકન્ડ છે. પરિણામે આકાશમાં વીજળી અને ગર્જના એકસાથે ઉત્પન્ન થવા છતાં પ્રકાશની ઝડપને કારણે ચમકારો આપણી આંખ સુધી તરત પહોંચી જાય છે, જ્યારે અવાજને આપણાં સુધી પહોંચવામાં થોડી વાર લાગે છે.
ચોમાસામાં થતી વીજળી અને વાદળનો ગડગડાટ એ પૃથ્વીના વાતાવરણને સંતુલિત રાખવા માટેની એક કુદરતી અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ ઘટના ઘણી વખત જોખમી પણ બની શકે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો