આપણે ભીની માટી, રેતી કે ધૂળમાં ચાલીએ ત્યારે આપણાં પગલાં દેખાય છે, પરંતુ થોડા સમય બાદ એ પગલાં અન્ય લોકોની અવરજવરને કારણે અથવા તો પાણી, પવન કે ધૂળના કારણે ભૂંસાઇ જતાં હોય છે, પણ ચંદ્ર ઉપરનાં પગલાં લાંબા સમય સુધી ભૂંસાતાં નથી. ચંદ્ર એ પૃથ્વીનો સૌથી નજીકનો અને કુદરતી ઉપગ્રહ છે. હજારો વર્ષોથી આપણે ચંદ્ર વિશે જાણવા માટે સંશોધન કરતા આવ્યા છીએ અને આજે પણ કરી
રહ્યા છીએ.
વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને કારણે માનવી ચંદ્ર સુધી પહોંચવામાં સફળ રહ્યો છે. 1969માં અમેરિકાના અપોલો-11 મિશનમાં ગયેલા નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમની સાથે બઝ એલ્ડ્રિન પણ ચંદ્ર પર ગયો હતો. જ્યારે તેમણે ચંદ્ર પર ચાલવાનું શરૂ કર્યું ત્યારે તેમના બૂટનાં નિશાન ચંદ્રની ધૂળમાં સ્પષ્ટ રીતે છપાઇ ગયાં હતાં. નવાઇની વાત તો એ છે આ આટલાં વર્ષ પછી આજે પણ આ પગલાં ચંદ્ર ઉપર અસ્તિત્વ ધરાવે છે. એના ઉપરથી આપણને મનમાં પ્રશ્ન થાય કે 1969માં ચંદ્ર પર પાડવામાં આવેલાં પગલાં આજે 2026માં યથાવત્ છે. આવું કેમ? તો એની પાછળ રસપ્રદ વૈજ્ઞાનિક કારણો રહેલાં છે.
સૌથી મોટું કારણ એ છે કે ચંદ્ર ઉપર પૃથ્વી જેવું હવાનું આવરણ નથી. હવા ન હોવાથી ત્યાં પવન ફૂંકાતો નથી. પવન ન હોવાથી ધૂળ ઊડતી નથી. ચંદ્ર ઉપર નદીઓ કે સમુદ્ર નથી, તેથી ત્યાં વાદળો બંધાતાં નથી અને વરસાદ પણ પડતો નથી. પરિણામે પાણીના કારણે પગલાં ધોવાતાં નથી. બીજું, ચંદ્ર ઉપર માનવ વસ્તી વસવાટ કરતી નથી, તેથી લોકોની અવર જવરને કારણે પગલાં ભૂસાંય એવું શક્ય નથી.
ચંદ્ર પર ખૂબ બારીક અને સૂકી ધૂળનાં પડ છે. વૈજ્ઞાનિકો તેને રેગોલિથ કહે છે. લાખો વર્ષોથી નાના ઉલ્કાપિંડો ચંદ્ર સાથે અથડાતા રહ્યા છે. જેના કારણે ખડકો તૂટી તૂટી આ ધૂળમાં પરિવર્તિત થયા છે. જ્યારે અવકાશયાત્રીઓએ આ ધૂળ પર પગ મૂક્યો ત્યારે તેમના બૂટની ડિઝાઇન સહિતની છાપ ધૂળમાં સ્પષ્ટ રીતે પડી ગઈ. આ ધૂળમાં ભેજ ન હોવા છતાં તે ખૂબ જ સૂક્ષ્મ હોવાથી પગલાં સારી રીતે છપાઈ જાય છે.
ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીની તુલનામાં લગભગ છઠ્ઠા ભાગ જેટલું છે, તેથી ત્યાં ચાલવાની રીત અલગ હોય છે. છતાં અવકાશયાત્રીઓના ભારે સ્પેસસૂટ અને સાધનોના વજનને કારણે ધૂળમાં સ્પષ્ટ નિશાન પડ્યાં હતાં. આ નિશાન આજે પણ માનવ ઇતિહાસની યાદગાર નિશાની માનવામાં આવે છે. જોકે, ચંદ્ર પર પવન અને વરસાદ નથી, તેમ છતાં ચંદ્રની સપાટી સંપૂર્ણપણે સ્થિર નથી. નાના ઉલ્કાપિંડો સતત ચંદ્ર સાથે અથડાતા રહે છે. આવાં અથડામણોથી ધૂળમાં ફેરફાર થાય છે, પરંતુ આ પ્રક્રિયા અત્યંત ધીમી છે, તેથી વૈજ્ઞાનિકો માને છે કે ચંદ્ર પર પડેલાં પગલાં હજારો નહીં, પરંતુ લાખો વર્ષ સુધી ટકી શકે છે.
ચંદ્ર પર રહેલાં આ પગલાં માત્ર ધૂળમાં પડેલી છાપ નથી, પરંતુ માનવજાતની મહેનત, જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો