આપણા દેશમાં ક્યારેક મુશળધાર વરસાદ પડે છે તો ક્યારેક કડકડતી ઠંડી પડે છે, તો વળી ક્યારેક આકરી ગરમી. આમ, આખા વર્ષ દરમિયાન શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ઋતુઓ બદલાયા કરે છે. વાતાવરણમાં આવતા આ ક્રમિક ફેરફારને ઋતુચક્ર કહેવામાં આવે છે. આપણને મનમાં પ્રશ્ન થાય કે આ ઋતુઓમાં આપોઆપ પરિવર્તન કેવી રીતે આવતું હશે. ઋતુઓમાં પરિવર્તન આવવા પાછળનું મુખ્ય કારણ પૃથ્વીની ભૌગોલિક ગતિ અને તેની સ્થિતિ છે.
પૃથ્વીનું ધરી પર નમવું
આપણી પૃથ્વી પોતાની ધરી ઉપર એક બે નહીં પરંતુ 23.50 ડિગ્રી જેટલી નમેલી રહે છે. પૃથ્વી આ નમેલી સ્થિતિમાં જ સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે. આ નમનને કારણે વર્ષ દરમિયાન પૃથ્વીના જુદા જુદા ભાગો પર સૂર્યનો પ્રકાશ એકસરખો પડતો નથી. જે ભાગ સૂર્ય તરફ નમેલો હોય ત્યાં સીધાં કિરણો પડે છે અને જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં ત્રાંસાં કિરણો પડે છે.
સૂર્યની આસપાસ પૃથ્વીનું પરિક્રમણ
પૃથ્વી પોતાની ધરી પર ફરવાની સાથે સાથે સૂર્યની આસપાસ એક લંબગોળ કક્ષામાં ચક્કર લગાવે છે. આ આખી પરિક્રમા પૂર્ણ કરતાં પૃથ્વીને 365 દિવસ અને આશરે 6 કલાકનો સમય લાગે છે. આ પરિક્રમા દરમિયાન પૃથ્વીની સૂર્ય સાપેક્ષ સ્થિતિ સતત બદલાતી રહે છે.
ઋતુઓનું ગણિત
આપણી પૃથ્વી વિષુવવૃત્ત દ્વારા બે ભાગમાં વહેંચાયેલી છે. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. ઉત્તર ગોળાર્ધ જેમાં ભારત આવેલું છે અને દક્ષિણ ગોળાર્ધ જેમાં ઓસ્ટ્રેલિયા આવેલું છે. પૃથ્વીના નમનને કારણે બંને ગોળાર્ધમાં તદ્દન વિપરીત ઋતુઓ હોય છે.
જ્યારે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ નમેલો હોય છે, ત્યારે ત્યાં સૂર્યનાં કિરણો એકદમ સીધાં પડે છે. સીધાં કિરણોને કારણે ગરમી વધારે લાગે છે અને દિવસો લાંબા તથા રાત ટૂંકી બને છે. આ સ્થિતિને કારણે ઉત્તર ગોળાર્ધમાં એટલે કે ભારતમાં ઉનાળાની ઋતુ હોય છે. પરિક્રમા કરતાં કરતાં જ્યારે પૃથ્વી સૂર્યની બીજી તરફ પહોંચે છે, ત્યારે ઉત્તર ગોળાર્ધ સૂર્યથી વિરુદ્ધ દિશામાં નમી જાય છે. આ સમયે ત્યાં સૂર્યનાં કિરણો ખૂબ ત્રાંસાં પડે છે, જેથી ગરમી ઓછી મળે છે અને દિવસો ટૂંકા તથા રાત લાંબી થાય છે. પરિણામે ત્યાં શિયાળાની ઋતુનો પ્રારંભ થાય છે. આ જ સમયે દક્ષિણ ગોળાર્ધ સૂર્યની નજીક હોવાથી ત્યાં ઉનાળો હોય છે. ભારતમાં ચોમાસુ એ તાપમાનના તફાવત અને પવનોની દિશા બદલાવાને કારણે આવે છે. ઉનાળામાં જમીન વધુ ગરમ થતાં ત્યાં હવાનું હળવું દબાણ સર્જાય છે, જેથી સમુદ્ર પરથી ભેજવાળા પવનો જમીન તરફ ખેંચાઈ આવે છે અને વરસાદ લાવે છે.
જો પૃથ્વી પોતાની ધરી પર નમેલી ન હોત, તો પૃથ્વી પર ક્યારેય ઋતુઓ બદલાત જ નહીં. દરેક જગ્યાએ આખું વર્ષ એકસરખું જ વાતાવરણ રહેત.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો