આપણા શરીરની રચના અદ્ભૂત રીતે કરવામાં આવી છે. એમાં મગજની વાત કરીએ તો એ સૌથી વધુ જટિલ ભાગ છે. આપણે રાત્રે જ્યારે સૂઇ જઇએ છીએ ત્યારે આપણું શરીર આરામ કરે છે, પરંતુ મગજ કાલ્પનિક અને અદ્ભુત દુનિયામાં સક્રિય રહે છે. આ કાલ્પનિક દુનિયા એટલે સપનાં. આપણને સવાલ થાય કે ઊંઘમાં સપનાં કેમ આવે છે. તો એની પાછળ પણ વિજ્ઞાન અને મનોવિજ્ઞાન છુપાયેલું છે. એના વિશે જાણીએ...
REM સ્લીપ અને મગજની સક્રિયતા
વૈજ્ઞાનિક સંશોધનો મુજબ આપણી ઊંઘ મુખ્યત્વે બે તબક્કામાં વહેંચાયેલી હોય છે. નોન-રેમ અને રેમ (રેપિડ ઇ મૂવમેન્ટ). મોટાભાગનાં સ્પષ્ટ અને રોમાંચક સપનાં રેમ સ્લીપ દરમિયાન જ આવે છે. આ તબક્કામાં આંખોના ડોળા ઝડપથી હલે છે અને મગજ એટલું સક્રિય હોય છે જેટલું આપણે જાગતા હોઇએ ત્યારે હોય છે. રસપ્રદ વાત એ છે કે આ સમયે મગજ શરીરના સ્નાયુઓને કામચલાઉ રીતે રિલેક્સ કરી દે છે, જેથી આપણે સપનામાં થતી હિલચાલને વાસ્તવિક રીતે કરવા ન લાગીએ.
યાદોનું વર્ગીકરણ
આપણું મગજ સુપર કમ્પ્યૂટરની જેમ કામ કરે છે. દિવસ દરમિયાન આપણે અસંખ્ય વસ્તુઓ જોઇએ છીએ. વિચારો કરીએ છીએ અને વિગતો ભેગી કરીએ છીએ. રાત્રે સૂતી વખતે મગજ આ બધી માહિતીનું વર્ગીકરણ કરે છે. જેને મેમરી કન્સોલિડેશન કહેવામાં આવે છે. મગજ નક્કી કરે છે કે કઇ યાદોને ભવિષ્ય માટે સાચવી રાખવી અને કઇ બિનજરૂરી બાબતોને ભૂલી જવી. આ પ્રોસેસિંગ કરતી વખતે જુદા જુદા વિચારો અને અનુભવો એકબીજા સાથે જોડાય છે. જેના લીધે આપણને સપનાં દેખાય છે.
ભાવનાત્મક સંતુલન
આપણી લાગણીઓ સાથે સપનાંઓ સીધાં જોડાયેલાં હોય છે. મગજનો એમિગ્ડલા નામનો ભાગ ડર, પ્રેમ, ચિંતા અને ખુશી જેવી લાગણીઓ સંભાળે છે. દિવસ દરમિયાન અનુભવાયેલ ભય, તણાવ કે દબાયેલી ઇચ્છાઓ સપના સ્વરૂપે બહાર આવે છે. જાણીતા મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડના મતે, સપનાં એ આપણા અચેતન મનનો અરીસો છે. તે માનસિક દબાણ દૂર કરીને આપણું ભાવનાત્મક સંતુલન જાળવવામાં મદદ કરે છે.
સર્જનાત્મકતા અને સમસ્યાનો ઉકેલ
સપનાને કોઇ સીમાડા નડતા નથી, તેને દુનિયામાં તર્ક કે નિયમોનું બંધન હોતું નથી. આ જ કારણે મગજ અશક્ય લાગતા વિચારોને પણ જોડી શકે છે. ઇતિહાસમાં વૈજ્ઞાનિકો, કલાકારો અને સંગીતકારોને પોતાની ઘણી જટિલ સમસ્યાઓના ઉકેલ કે નવી શોધના વિચારો સપનામાંથી મળ્યા હોવાના દાખલા છે.
સપનાં આવવાં એ કોઇ ખરાબ બાબત નથી, એ મગજની કોઈ ખામી નથી, પણ એક અત્યંત જરૂરી માનસિક પ્રક્રિયા છે. તે આપણા મગજને તાજગી આપે છે, યાદશક્તિ મજબૂત કરે છે અને ભાવનાત્મક રીતે આપણને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેથી એનાથી ડરવાની જરૂર નથી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો