દિવસ દરમિયાન બે-ત્રણ વખત તો આપણે અરીસાનો ઉપયોગ કરીએ જ છીએ. જ્યારે આપણે અરીસા સામે ઊભા રહીએ છીએ, ત્યારે આપણું માથું ઉપર અને પગ નીચે, એટલે કે આપણો ચહેરો એકદમ સીધો દેખાય છે, પરંતુ જો આપણે કોઈ કાગળ પર આપણું નામ લખીને અરીસા સામે ધરીએ, તો તે લખાણ તદ્દન ઊંધું વંચાય છે. પ્રશ્ન એ થાય કે અરીસો ચહેરો સીધો બતાવે છે તો લખાણને જ કેમ ઊંધું કરે છે? આની પાછળ કોઇ જાદુ નથી, પરંતુ ભૌતિક વિજ્ઞાનનો એક સરળ નિયમ કામ કરે છે, જેને `પાર્શ્વ વ્યુત્ક્રમણ' કહેવાય છે. આ રસપ્રદ ઘટના પાછળ વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે.
ડાબું-જમણું બદલાવવાનો નિયમ
અરીસો સમથળ હોય છે, તેથી તે વસ્તુને ઉપરથી નીચે તરફ ઊંધી કરતો નથી, પરંતુ તે માત્ર આગળથી પાછળની દિશાને ઉલટાવે છે. જ્યારે તમે અરીસા સામે તમારો જમણો હાથ ઊંચો કરો છો, ત્યારે અરીસામાં દેખાતા પ્રતિબિંબનો ડાબો હાથ ઊંચો થતો હોય તેવો અહેસાસ થાય છે. અરીસો આપણી ડાબી બાજુને જમણી બાજુ તરીકે અને જમણી બાજુને ડાબી બાજુ તરીકે દર્શાવે છે. આપણો ચહેરો ડાબી અને જમણી બંને બાજુએથી લગભગ એકસરખો દેખાય છે. આપણી ડાબી આંખ અરીસામાં જમણી તરફ દેખાય તો પણ આપણને ચહેરો સીધો જ લાગે છે, કારણ કે તેમાં કોઈ મોટો તફાવત વર્તાતો નથી.
લખાણમાં અક્ષરોની દિશા
ચહેરાથી વિપરીત, ભાષાના અક્ષરો જેમ કે, અંગ્રેજીનો B, P, R અથવા ગુજરાતીના અક્ષરો ડાબી અને જમણી બાજુએથી એકસરખા હોતા નથી. જ્યારે આપણે અરીસા સામે લખાણ રાખીએ છીએ, ત્યારે અરીસો તેના નિયમ મુજબ લખાણની ડાબી બાજુને જમણી તરફ અને જમણી બાજુને ડાબી તરફ ઉલટાવી દે છે. અક્ષરોની આ ડાબી-જમણી બાજુ બદલાવાને કારણે આખું લખાણ આપણને ઊંધું દેખાય છે. જો તમે `A', `M' કે `O' જેવા અક્ષરો અરીસામાં જોશો, તો તે સીધા જ દેખાશે, કારણ કે તેમની ડાબી અને જમણી બાજુ સરખી હોય છે.
આ ઘટના પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ પણ છે. જ્યારે આપણે કાગળ પર કશુંક લખીએ છીએ, ત્યારે આપણી નજર કાગળ તરફ હોય છે. અરીસામાં તે લખાણ બતાવવા માટે આપણે કાગળને 180 ડિગ્રી ફેરવવો પડે છે. આમ, અરીસા સામે ધરતી વખતે આપણે પોતે જ લખાણની ડાબી અને જમણી બાજુ ઉલટાવી દઈએ છીએ. અરીસો માત્ર આપણે ફેરવેલી એ જ દિશાને આપણી સામે પરાવર્તિત કરીને બતાવે છે.
ટૂંકમાં, અરીસો આપમેળે લખાણને ઊંધું કરતો નથી, તે માત્ર પ્રકાશના પરાવર્તનના નિયમ મુજબ દિશાનું પ્રતિબિંબ રચે છે. આપણો ચહેરો ડાબે-જમણેથી સરખો હોવાથી સીધો ભાસે છે, જ્યારે અક્ષરો અસમ પ્રમાણમાં હોવાથી આપણને ઊંધા દેખાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો