આકાશમાં દેખાતા ચાંદામામાને જોઇને નવાઇ લાગે કે, એમનો આકાર રોજ કેમ બદલાતો હશે? ચંદ્રની કળાઓમાં આવતું દૈનિક પરિવર્તન એ ખગોળશાસ્ત્રની સૌથી અદ્ભુત અને મનોહર ઘટનાઓમાંથી એક છે. પૂનમના દિવસે આકાશમાં થાળી જેવો ગોળ ચમકતો ચંદ્ર, ધીમે ધીમે ઘટતો જાય છે અને અમાસ આવતાં સાવ ગાયબ થઈ જાય છે. ત્યારબાદ ફરીથી તે પાતળી કમાનથી શરૂ થઈને પૂનમ સુધી પહોંચે છે. પૃથ્વી પરથી દેખાતા આ દૃશ્ય પાછળનું વૈજ્ઞાનિક કારણ સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની સાપેક્ષ ગતિ છે.
ચંદ્રની કળા બદલાવાનાં વૈજ્ઞાનિક કારણો
ચંદ્ર એ તારો નથી, પરંતુ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. તેની પાસે સ્વયંનો પ્રકાશ નથી. તે માત્ર સૂર્યમાંથી આવતા પ્રકાશને પરાવર્તિત કરે છે. બીજું, સૂર્યનો પ્રકાશ દરેક સમયે ચંદ્રના અડધા ભાગ પર જ પડે છે. ચંદ્રનો જે ભાગ સૂર્યની સામે હોય છે ત્યાં દિવસ હોય છે અને પાછળના ભાગમાં અંધારું હોય છે.
ચંદ્ર પૃથ્વીની આસપાસ સતત ભ્રમણકક્ષામાં ફરે છે. આ એક પરિક્રમણ પૂરું કરવામાં તેને આશરે 27.3 દિવસ લાગે છે, પરંતુ પૃથ્વી પણ સૂર્યની આસપાસ ફરતી હોવાથી એક અમાસથી બીજી અમાસ સુધીનું એક ચક્ર પૂર્ણ થતાં 29.5 દિવસ લાગે છે. જેમ જેમ ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, તેમ તેમ પૃથ્વી પરથી આપણને તેના પ્રકાશિત થયેલા ભાગનો કેટલોક હિસ્સો દેખાય છે. તેનો ખૂણો સતત બદલાય છે. આ બદલાતા દૃશ્યકોણને કારણે જ આપણને પૃથ્વી પરથી ચંદ્રનો આકાર રોજ બદલાતો લાગે છે.
ચંદ્રનું ચક્ર અને તેની 8 કળાઓ
ચંદ્રના આ 29.5 દિવસના ચક્રને બે મુખ્ય ભાગમાં વહેંચવામાં આવે છે. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ.
શુક્લ પક્ષઃ અમાસથી પૂનમ તરફ
જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની બરાબર વચ્ચે આવે છે, ત્યારે ચંદ્રનો અંધારો ભાગ પૃથ્વી તરફ હોય છે. આ સ્થિતિમાં પૃથ્વી પરથી ચંદ્ર બિલકુલ દેખાતો નથી. તેને અમાસ કહે છે. અમાસ પછી જેમ જેમ ચંદ્ર આગળ વધે છે, ત્યારે પૃથ્વી પરથી તેના પ્રકાશિત ભાગની એક પાતળી ધનુષ્ય આકારની કોર દેખાવાની શરૂઆત થાય છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ તેની સફરનો ચોથો ભાગ પૂરો કરે છે. આ સમયે પૃથ્વી પરથી ચંદ્રનો બરાબર અડધો ભાગ પ્રકાશિત દેખાય છે. એ પછી ચંદ્રનો પ્રકાશિત ભાગ અડધા કરતાં વધુ 50%થી 99% દેખાવા લાગે છે અને તે પૂનમ તરફ આગળ વધે છે. જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે પરંતુ એક સીધી રેખામાં નહીં, ત્યારે સૂર્યનો આખો પ્રકાશ ચંદ્રના પૃથ્વી તરફના ભાગ પર પડે છે. આથી આપણને સંપૂર્ણ ગોળ અને તેજસ્વી ચંદ્ર દેખાય છે.
કૃષ્ણ પક્ષઃ પૂનમથી અમાસ તરફ
પૂનમ પૂરી થતાં જ ચંદ્રનો પ્રકાશિત ભાગ ધીમે ધીમે ઘટવા લાગે છે. પૃથ્વી પરથી તે ફરી અડધા કરતાં વધુ પણ પૂનમ કરતાં ઓછો દેખાય છે. ચંદ્ર તેના ચક્રના ત્રણ ચોથાંશ ભાગ પર પહોંચે છે. આ સમયે પણ પૃથ્વી પરથી તેનો અડધો ભાગ જ દેખાય છે, પરંતુ આ ભાગ શુક્લ પક્ષની આઠમ કરતાં વિરુદ્ધ દિશાનો હોય છે. અમાસ નજીક આવતાં ચંદ્ર ફરીથી એક પાતળી કમાન જેવો બની જાય છે. તે પછી ફરીથી અમાસ આવે છે અને આ ચક્ર આ રીતે સતત ચાલતું રહે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો