પક્ષીઓને ઇલેક્ટ્રિક વાયર ઉપર બેઠેલાં આપણે ઘણી વખત જોયાં છે. ઇલેક્ટ્રિક વાયર પર બેસવા છતાં પક્ષીઓને ઇલેક્ટ્રિક શોક કે ઇલેક્ટ્રિક કરંટ કેમ નથી લાગતો? અને આપણે ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવીએ છીએ તો આપણને કરંટ લાગે છે. એનું કારણ શું હશે? તો તેની પાછળના વિજ્ઞાનને જાણીએ
વિદ્યુત પરિપથનો સિદ્ધાંત
વિદ્યુત પ્રવાહ એ વાસ્તવમાં ઇલેક્ટ્રોન્સનો પ્રવાહ છે. ઇલેક્ટ્રોન્સ ત્યારે જ ગતિ કરી શકે જ્યારે તેમને એક જગ્યાએથી નીકળીને બીજી જગ્યાએ પહોંચવા માટે સંપૂર્ણ બંધ માર્ગ મળે. પક્ષી જ્યારે હવામાં ઊડીને માત્ર એક જ વાયર પર બેસે છે, ત્યારે તેનો સંપર્ક માત્ર એ એક જ વાયર સાથે હોય છે. તેનો કોઇ પણ ભાગ જમીન, વીજળીના થાંભલા કે અન્ય કોઇ વાયર સાથે જોડાયેલો હોતો નથી. પરિણામે પરિપથ ખુલ્લો રહે છે અને ઇલેક્ટ્રોન્સને પક્ષીના શરીરમાંથી થઇને આગળ જવાનો કોઇ માર્ગ મળતો નથી. આપણી વાત કરીએ તો આપણે જમીન પર ઊભા હોઇએ છીએ અથવા કોઇ એવી સીડી, ટેબલ કે ઇમારત સાથે અડેલા હોઇએ છીએ, જે જમીન સાથે જોડાયેલી હોય. જ્યારે કોઇ વ્યક્તિ વાયરને સ્પર્શ કરે છે, ત્યારે વાયર વ્યક્તિનું શરીર અને જમીન સુધીનો ઓપન પરિપથ તરત જ ક્લોઝ્ડ પરિપથ બની જાય છે. આથી વીજળી માણસના શરીરમાંથી ધસીને જમીનમાં પ્રવેશ કરે છે.
વોલ્ટેજ તફાવત અને પોટેન્શિયલ
ભૌતિકશાસ્ત્રનો એક પાયાનો નિયમ છે કે વિદ્યુત પ્રવાહ કે પાણી હંમેશાં ઊંચા સ્તરથી નીચા સ્તર તરફ જ વહે છે. વિદ્યુતના સંદર્ભમાં આ સ્તરને વોલ્ટેજ કહેવામાં આવે છે. વાયરના જે ભાગ પર પક્ષીનો ડાબો પગ છે અને જે ભાગ પર જમણો પગ છે, તે બંને વચ્ચેનું અંતર માંડ એકથી બે ઇંચ હોય છે. આટલા નાના અંતરમાં વાયરના વોલ્ટેજમાં કોઇ તફાવત હોતો નથી. વોલ્ટેજ તફાવત શૂન્ય હોવાથી વિદ્યુત પ્રવાહ પક્ષીના શરીરમાંથી પસાર થતો નથી, પરંતુ જો પક્ષી ભૂલથી એકસાથે બે અલગ અલગ વાયરને અડી જાય અથવા વાયર અને વીજળીના થાંભલા બંનેને એકસાથે સ્પર્શ કરે, તો વોલ્ટેજ તફાવત ઊભો થાય છે અને પક્ષીને પણ તરત જ કરંટ લાગી જાય છે.
વિદ્યુત અવરોધ
કોઇ પણ પદાર્થમાંથી વીજળી વહેતી વખતે તેને કેટલો અવરોધ નડે છે એને રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ હંમેશાં સૌથી ઓછો અવરોધ ધરાવતો રસ્તો પસંદ કરે છે. તાંબા કે એલ્યુમિનિયમના વીજળીના વાયરનો અવરોધ પક્ષીના શરીરના અવરોધ કરતાં ખૂબ જ ઓછો હોય છે, તેથી વીજળી પક્ષીના શરીરમાંથી પસાર થવાની મુશ્કેલી લેવાને બદલે વાયરના સરળ રસ્તેથી આગળ વહી જાય છે.
જો માણસ પણ હવામાં લટકીને, જમીન કે કોઇ પણ અન્ય વસ્તુને સ્પર્શ કર્યા વગર માત્ર એક જ વાયરને અડે, તો તેને પણ કરંટ લાગશે નહીં.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
