આપણી આસપાસના વાતાવરણમાં વાહનો ઉપરાંત અન્ય અનેક પ્રકારનો કોલોહલ સાંભળવા મળે છે, પરંતુ બાળકો, તમને જાણીને નવાઇ લાગશે કે અનેક તારાઓ, ગ્રહો વગેરેથી ઘેરાયેલા આકાશમાં નીરવ શાંતિ હોય છે, એટલે કે ત્યાં બિલકુલ અવાજ સાંભળવા મળતો નથી. બ્રહ્માંડમાં ગમે તેટલી મોટી હલચલ થાય, પણ ત્યાં હંમેશાં એક અ્દ્ભુત અને ડરામણી શાંતિ છવાયેલી રહે છે. આખરે આવું કેમ થાય છે? અવકાશમાં અવાજ કેમ ગાયબ થઈ જાય છે? ચાલો તેને વિજ્ઞાનના નિયમો દ્વારા વિગતવાર સમજીએ.  


સૌથી પહેલાં આપણે એ સમજવું પડે કે પૃથ્વી પર આપણને અવાજ કેવી રીતે સંભળાય છે. વિજ્ઞાન અનુસાર અવાજ એ એક પ્રકારની ઊર્જા છે, જે મોજાંના સ્વરૂપમાં પ્રવાસ કરે છે. જ્યારે કોઈ વસ્તુ ધ્રૂજે છે, ત્યારે અવાજ પેદા થાય છે, પરંતુ આ અવાજનાં મોજાંને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે કોઈને કોઈ `માધ્યમ'ની જરૂર પડે છે. આ માધ્યમ હવા, પાણી, કે કોઈ ઘન પદાર્થ જેમ કે લોખંડ કે લાકડું હોઈ શકે છે. પૃથ્વી પર આપણી ચારેય તરફ હવાનું આવરણ એટલે કે વાતાવરણ છે. જ્યારે આપણે બોલીએ છીએ, ત્યારે આપણા ગળાના સ્વરતંતુઓ હવામાં રહેલા અણુઓ અને રજકણોને ધ્રુજાવે છે. આ અણુઓ પોતાની બાજુના અણુઓ સાથે અથડાય છે અને એક સાંકળ બનાવે છે. આ રીતે અવાજનાં મોજાં હવામાં મુસાફરી કરીને સામેવાળી વ્યક્તિના કાનના પડદા સુધી પહોંચે છે અને આપણને અવાજ સંભળાય છે. 

અવકાશમાં અવાજ કેમ નથી સંભળાતો? 

હવે વાત કરીએ અવકાશની. પૃથ્વીની બહાર નીકળતાં જ પૃથ્વી જેવું કોઈ વાતાવરણ રહેતું નથી. અવકાશમાં ગ્રહો અને તારાઓ વચ્ચે વિશાળ ખાલી જગ્યા છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં `શૂન્યાવકાશ'કહેવામાં આવે છે. શૂન્યાવકાશનો અર્થ એવો થાય કે ત્યાં હવા નથી, કોઈ વાયુઓ નથી અને ધ્રુજારી અનુભવી શકે તેવા કોઈ કણો કે અણુઓ પણ નથી. જ્યારે અવકાશમાં કોઈ ઘટના ઘટે છે અથવા કોઈ બોલે છે, ત્યારે અવાજનાં મોજાં તો ઉત્પન્ન થાય છે, પરંતુ તે મોજાંને આગળ ધકેલવા માટે ત્યાં કોઈ માધ્યમ હાજર હોતું નથી. માધ્યમના અભાવે અવાજનાં મોજાં આગળ વધી શકતાં નથી અને ત્યાં જ અટકી જાય છે, તેથી જ અવકાશમાં ગમે તેટલો મોટો અવાજ કરવામાં આવે તો પણ તે કાન સુધી પહોંચી શકતો નથી. પ્રકાશ અને અવાજ વચ્ચેનો તફાવત 

અહીં એક રસપ્રદ સવાલ એ થાય કે જો અવકાશમાં અવાજ મુસાફરી નથી કરી શકતો, તો સૂર્યપ્રકાશ કે તારાઓનો પ્રકાશ આપણા સુધી કેવી રીતે પહોંચે છે? આનું કારણ એ છે કે પ્રકાશ એ વિદ્યુતચુંબકીય તરંગો છે. પ્રકાશનાં મોજાંને મુસાફરી કરવા માટે કોઈ પણ પ્રકારના ભૌતિક માધ્યમ કે હવાની જરૂર હોતી નથી. તે શૂન્યાવકાશમાં પણ કરોડો કિલોમીટરની ઝડપે ગતિ કરી શકે છે. 

આ જ કારણે આપણને સૂર્યપ્રકાશ દેખાય છે, પરંતુ સૂર્ય પર સતત થતા કરોડો હાઈડ્રોજન બોમ્બ જેવા વિસ્ફોટોનો અવાજ પૃથ્વી સુધી ક્યારેય પહોંચતો નથી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: