કુસ્તી રમવાની શરૂઆત આજકાલથી થઇ નથી. આ રમત તો પૂર્વ મિસરથી રમાતી આવી છે. કુસ્તીનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં પણ કરવામાં આવ્યો છે. રામાયણમાં રાજા વાલી અને સુગ્રીવ વચ્ચે તથા મહાભારત સમયમાં ભીમ અને દુર્યોધન વચ્ચે કુસ્તી એટલે કે દ્વંદ્વયુદ્ધ થયું હતું એનો ઉલ્લેખ જોવા મળે છે. આમ, કુસ્તી ઘણી પ્રાચીન રમત છે. વિશ્વમાં ઘણા બધા દેશોમાં કુસ્તી રમાડવામાં આવે છે. આ રમતને ઓલિમ્પિકમાં પણ સામેલ કરવામાં આવી છે.   

આ ગેમનો સમય બાળકોની ઉંમરને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. દરેક રમત રમવાના કેટલાક નિયમો હોય છે એમ કુસ્તીમાં પણ નીતિનિયમો છે. જેમ કે, ગળું દબાવવું, ગરદન પકડવી, વાળ ખેંચવા, ગુપ્તાંગો ઉપર પ્રહાર કરવો, પોશાક ખેંચવો, હાથ દ્વારા પગની આંગળી મરોડવી અથવા જાણીજોઇને એવું કંઇક કરવું જેથી સામેના ખેલાડીનું મૃત્યુ અથવા અંગ તૂટવાની શક્યતા હોય તો ફાઉલ માનવામાં આવે છે. કુસ્તીની રમતમાં કોઇ નિયમ વિરુદ્ધ જાય છે તો તેને પહેલાં ચેતવણી આપવામાં આવે છે. ચેતવણી આપ્યા પછી પણ કોઇ ખેલાડી નિયમનું ઉલ્લંઘન કરે તો કોશન આપવામાં આવે છે. કોશન આપ્યા પછી પણ ખેલાડી ન માને તો રેફરીનો નિર્ણય અંતિમ માનવામાં આવે છે. કુસ્તી રમવાનું શરૂ થાય એના થોડા કલાકો પહેલાં ખેલાડીઓની ડૉક્ટરી તપાસ કરવામાં આવે છે. ખેલાડી ફિટ હોય તો જ સ્પર્ધામાં ભાગ લઇ શકે છે. કુસ્તીમાં કોઈ પણ ખેલાડી એવી કોઇ પણ વસ્તુ પહેરી શકતી નથી જેનાથી સામેના ખેલાડીને નુકસાન થઈ શકે.