જિંદગીના ગુલદસ્તામાં મૈત્રી એ સૌથી ખૂબસૂરત ફૂલ છે, જેની સુગંધ સુખ-દુઃખમાં હંમેશાં રહે છે. જેના ઘરે ફોન કર્યા વિના જઇ શકાય, જેને અડધી રાતે બોલાવી શકાય, ગાળો દઈ શકાય, મૂર્ખ બનાવી શકાય એ સાચો મિત્ર અને એ નસીબદારને મળે.

બાકી જ્યાં સ્વાર્થની ધરી પર દુનિયા ફરતી હોય ત્યાં દોસ્તી પણ સમય સાથે હાલકડોલક થતી રહે છે. એક્ચ્યુઅલી, આપણે દોસ્તીની વ્યાખ્યાને એકદમ સામાન્ય કરી દીધી. કોઇની સાથે થોડું ફાવે, શોખ મળે, પરસ્પરની જરૂરિયાતને કારણે હળવા-મળવાનું બને કે ગામગપાટા મારવાની મજા આવે એને આપણે દોસ્તનું લેબલ આપી દઈએ અને જ્યારે એ દોસ્તની ફ્રેમમાંથી બહાર નીકળીને કશુંક આડુંઅવળું કરે એટલે આપણે ગાવા માંડીએ કે,

"દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા,

જિંદગી હમે તેરા એતબાર ના રહા.''

હા, જીવનની કરુણતા છે કે મોટાભાગે દુશ્મન ન કરે એવાં કામ દોસ્ત કરે છે. સંબંધ દોસ્તીનો પણ કામ દુશ્મનીનું. બસ, જે સંબંધનું નામ મૈત્રીનું છે છતાં એ શત્રુની ભૂમિકા ભજવે એ ફ્રેનીમી. ફ્રેન્ડ + એનીમી યાને મિત્ર + શત્રુ.

ફ્રેનીમી એટલે એવી વ્યક્તિ જે દોસ્ત પણ છે અને દુશ્મન પણ છે. એનામાં મિત્રતા અને શત્રુતા બંનેના ગુણો મોજૂદ છે. ઉપરથી દોસ્તી પરંતુ અંદરથી પ્રતિસ્પર્ધા, ઇર્ષ્યા કે અવિશ્વાસ છલકાતાં હોય. ફ્રેનીમી એ હોય છે `A Person who is or Pretends to be a Friend but who is also in same ways an enemy or rival.' આપણે ત્યાં કહેવત છે કે જે થાળીમાં ખાધું હોય એમાં છેદ ન કરાય અથવા જેના ઘરનું નમક ખાધું હોય એનું ખરાબ ન કરાય. તો પછી સાથે ફરનાર મિત્રો કેમ ફ્રેનીમીની ભૂમિકામાં આવે છે? તો એનો જવાબ એ છે કે સાયકોલોજી મુજબ માણસ સંબંધને પૂરેપૂરો તોડીને જોખમ લેવા નથી માગતો, તેથી એ દોસ્તી તો રાખે જ છે, પરંતુ સમય આવ્યે ચતુરાઇપૂર્વક એનો ગેરલાભ પણ ઉઠાવી લે. તેઓ દૂધ-દહીંમાં બંનેમાં પગ રાખે. પોતાના લાભને સુરક્ષિત રાખે છે. બીજું, ઘણીવાર સામાજિક કે વ્યાવસાયિક રીતે મિત્રતા થઈ જાય, પણ પાછળથી એ મિત્રતા અનકમ્ફર્ટેબલ લાગે. એના માટે ઇર્ષ્યા કે દ્વેષ જન્મે, પરંતુ અન્ય લોકોમાં પોતાનું ખરાબ ન દેખાય એટલે સંબંધ જાળવી રાખે. અંદરથી મિત્ર માટે સતત નેગેટિવિટી વિકસતી રહે. જે સમય આવ્યે મિત્રની પીઠમાં ખંજર બનીને ભોંકાય.

આવા લોકો ઘણીવાર કલ્પનામાં ન આવે એ રીતે મદદ કરે છે. ઘણો સમય સાથે વિતાવે છે, પરંતુ ક્યારેક ક્યારેક ઇર્ષ્યા, સ્વાર્થ, પ્રતિસ્પર્ધા વગેરેને કારણે નુકસાન પણ પહોંચાડે છે. એ મિત્ર માટે સમસ્યા ઊભી કરે છે. સામી વ્યક્તિ એના બેવડા ધોરણને કારણે એનો ઇરાદો સમજી શકતી નથી.

દાખલા તરીકે અમન અને અમર બંને કોલેજના મિત્રો છે. સાથે ભણવું- હરવું-ફરવું અને કલાકો સુધી ગપ્પાં મારવાં. એકબીજાના ઘરે પણ હકથી જવું-આવવું. બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ દેખાય. એક વખત યુનિવર્સિટીની પ્રોજેક્ટ કોમ્પિટિશનમાં બંનેએ પાર્ટિસિપેટ કર્યું. બંનેનાં ગ્રૂપ અલગ હતાં. અમને અમરને મિત્ર સમજીને પોતાના પ્રોજેક્ટની બધી ઇન્ફોર્મેશન શેર કરી. અમરને થયું કે અમન જીતી જશે એટલે એણે અમનના સબ્જેક્ટ જેવો જ સબ્જેક્ટ સિલેક્ટ કરી અમનની બધી ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને જીત મેળવી. અમનને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એને એવો આઘાત લાગ્યો કે હવે એણે બધા જ મિત્રો સાથે અંતર બનાવી લીધું. અમન-અમર જેવી ઘટનાઓ બિઝનેસ અને જોબમાં પણ બને છે. જ્યાં દોસ્તી અને માણસ કરતાં પોતાના સ્વાર્થનું વધુ મહત્ત્વ હોય છે. આવા મિત્રો પગમાં ખૂંપેલી કણી જેવા હોય છે. જે ન ઝડપથી નીકળે અને ન પીડા આપવાનું છોડે.

કેટલાક લોકોની દોસ્તીની નિયત પહેલેથી જ ખોટી હોય. મિત્ર જ્યારે પોતાના કરતાં વધુ સક્ષમ-સફળ હોય ત્યારે મનમાં ઇર્ષ્યા-પ્રતિસ્પર્ધા અને એને પછાડવાની ભાવના અનેક લોકોના અજાગૃત મનમાં હોય. પણ ફ્રેનીમીનો જાગ્રત મનમાં જ મિત્ર વિરુદ્ધ કાવાદાવા ઘડતો રહે છે, પરંતુ બહારથી એ હિતેચ્છુ હોવાનો ઢોંગ કરે છે. બીજા લોકોની સામે પોતે બેસ્ટ ફ્રેન્ડ હોવાનો દેખાવ કરશે, પરંતુ મનમાં મિત્રને કઇ રીતે નુકસાન થાય એના પ્લાન કરશે. જેમ કે રીવા અને દીયા બંને સારી મિત્ર, પરંતુ રીવા રૂપાળી અને સ્માર્ટ, એનો સ્વભાવ પણ સારો. ઓફિસમાં બધા એને માનપાન આપે જે દીયાથી સહન ન થાય. એટલે એણે તેઓના પરિણીત બોસ જોડે રીવાનું ચક્કર છે એવી અફવા ઉડાડી અને રીવા હોશિયારીને કારણે નહીં, પણ બોસ સાથેના અફેરને કારણે આગળ વધી છે. સ્ટાફના અન્ય લોકો પણ એની સાથે ખરાબ રીતે વર્તવા માંડ્યા. રીવાએ છેવટે કંટાળીને જોબ છોડી દીધી.

ફ્રેનીમીને સમજવા આટલું યાદ રાખવું.

સંબંધોમાં સ્પષ્ટતા અને અનિશ્ચિતતા હોય.

વિશ્વાસની કમી હોય.

વ્યક્તિનો વ્યવહાર વિરોધાભાસી હોય.

ઇર્ષ્યા-પ્રતિસ્પર્ધા હોય.

તમારી ગેરહાજરીમાં તમારી નિંદા કરતો હોય.

તમારા વિશે કોઇ ખરાબ બોલે તો એને મજા આવતી હોય.

જ્યારે તમારા માટે સ્ટેન્ડ લેવાનું હોય ત્યારે છટકી જાય. જરૂરિયાતના સમયે ખસી જાય કે બહાનાં કાઢે.

વિના કારણે નમ્રતા બતાવે.

આવા મિત્રો આપણા મનમાં તણાવ ઊભો કરી અન્ય મિત્રો પરનો વિશ્વાસ પણ તોડે છે, સાથે ખુદનો આત્મવિશ્વાસ પણ તોડે છે. મતલબ કે ફ્રેનીમી એટલે,

"એક રિશ્તા ઐસા ભી, જો સુલઝે ના કભી,

દોસ્તી કી ચાદર ઓઢે, દુશ્મન હૈ કભી,

લબોં પર મીઠી બાતેં, આંખોં મેં છૂપા દ્વેષ,

સાથ ભી ચલતા હૈ ઔર દેતા હૈ ક્લેશ.''