વર્ષ 3032. પૃથ્વી પર હવે પોતાનામાં મસ્ત રહેતા લોકો જ હતા. પ્રેમ, દોસ્તી, વિશ્વાસ જેવા શબ્દો ઝેટા બાઈટથી વધારે મોટી હાર્ટ ડિસ્કમાં શોધે નહોતા જડતા.

થોડા દિવસોથી એક માણસાઈ નામનો વાઇરસ ત્રાટક્યો હતો. સો વર્ષ જીવેલા વડીલોને આછું આછું યાદ છે કે આવું કંઈક પહેલાં હતું.

આજે સવારે વિશ્વ લાગણી નિયંત્રણ કેન્દ્રે તાત્કાલિક જાહેરાત કરી કે, `નાગરિકો, ધ્યાન આપો! આજથી વર્ષો પહેલાં કોઈ માણસાઈ નામનો વાઇરસ હતો જે ફરીથી જાગ્રત થયો છે. આ માણસાઈ એક ભયાનક બગ છે. જે તમારા શરીરની સિસ્ટમમાં અચાનક જ પ્રગટ થાય છે ને પછી માણસ અજીબ હરકતો કરવા માંડે છે. જો અચાનક કોઈ માણસ કોઈનું દુઃખ જોઈને તેને મદદ કરવા દોડતો દેખાય, તો સમજવું કે એ આ વાઇરસનો શિકાર છે.

આ વાઇરસનાં લક્ષણો અવગણવા જેવાં નથી. જેમ કે, કોઈને રડતા જોઈને તમારી આંખમાં પાણી આવવું. જરૂરિયાતમંદ વ્યક્તિને જોઇને ખિસ્સા તરફ આપોઆપ હાથ જતો રહેવો, કોઈની તકલીફ સાંભળીને એને કોઈ પણ ભોગે મદદ કરવાની તલપ જાગવી, કોઈની ભૂલ બદલ એનો બદલો લેવાની જગ્યાએ માફ કરવાનું મન થવું અને બાજુમાંથી પસાર થતી ગાય કે કૂતરાને લાત મારવાનું મન ન થવું.

આમાંથી કોઈ પણ પ્રકારના બદલાવ તમે તમારામાં કે ઘરના કોઈ પણ લોકોમાં અનુભવો તો નજીકના માણસાઈ નિયંત્રણ કેન્દ્ર પર તાત્કાલિક સંપર્ક કરો. અમારા સાયન્ટિસ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આ માણસાઈનો એન્ટિડોટ બનાવવામાં લાગી ગયા છે. પ્રેસિડેન્ટશ્રી તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે જેવા કોઈ માણસમાં માણસાઈના ગુણ દેખાય તાત્કાલિક એનાથી દૂર જતા રહેવું. તેને એકલો પાડી દેવો. અમારી ખુફિયા એજન્સીનું માનવું છે કે આ વાઇરસ ભારત નામના દેશમાંથી ફેલાયો છે, જે આજે પેન્ડેમિક બનીને દુનિયાભરમાં ત્રાટક્યો છે. સામાન્ય જનતાને વિનંતી છે કે ચિંતા ન કરો સોશિયલ ડિસ્ટન્સ રાખજો. કોઈની સામે જોઇને ભૂલથી પણ હસવું નહીં. પ્રેમ અને સરળતા જો પોતાનામાં અનુભવાય તો તાત્કાલિક તેનો નાશ કરશો. દિવસમાં ત્રણ વાર કારણ વગર ઝઘડા કરતા રહો અથવા નિર્દોષને નુકસાન કરતા રહો.

જ્યાં સુધી એન્ટિડોટ નથી શોધતા ત્યાં સુધી `લુચ્ચાઈસિટામોલ' અને `સ્વાર્થોમાઇસીન'ના ડોઝ વારે વારે લેવા.

યાદ રાખો, `માણસાઈથી જીવન સુધરી શકે છે. એટલે જ સતર્ક રહો.'