વિશ્વની પ્રમુખ ભાષાઓમાં ગુજરાતીનો ક્રમ 26મો છે એની તમને ખબર છે. જે વાતની તમને ખબર નથી તે એ કે માતૃભાષામાં પણ ઉચ્ચ શિક્ષણ લઈ શકાય એવું વાતાવરણ, એવી પરિસ્થિતિ જે ગઈ કાલ સુધી નહોતી તે હવે સર્જાઈ રહી છે. દિલ્હી હજુ દૂર છે, પણ એમ તો નીલ આર્મસ્ટ્રોંગે પગ મૂક્યો તે પહેલાં ચાંદ પણ ક્યાં નજીક હતો.
માતૃભાષાનું ખૂબ મહત્ત્વ છે એવું યુનોએ તો વર્ષો પહેલાં નક્કી કરેલું અને એનાં વર્ષો પહેલાં યુનેસ્કોએ નક્કી કર્યું હતું, પણ ભારતમાં આ વિશેની જાગૃતિ હમણાં હમણાં આવી. છેલ્લા દસકામાં આ વિશે સરકાર સભાન બની. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય તરફથી દરેક રાજ્યની દરેક શાળા સુધી સંદેશાઓ પહોંચે છે કે માતૃભાષાના વિકાસ માટે ભરપૂર પ્રયત્નો કરવામાં મદદ કરે. અગાઉ આવી અવેરનેસ લાવવાની જવાબદારી કોઈએ નહોતી લીધી.
સૌ કોઈ જાણે છે કે ચીન અને જાપાનમાં જે ડૉક્ટરો, એન્જિનિયરો અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા પ્રોફેશનલ્સ તૈયાર થાય છે તે સૌ પોતપોતાની માતૃભાષામાં ભણીને ઉચ્ચ વિદ્યા પામે છે. હા, આજની તારીખે પણ રશિયામાં ડૉક્ટરીનું ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓ રશિયન ભાષા શીખીને એ જ ભાષામાં મેડિસિનના ક્ષેત્રનો અભ્યાસ કરવાનો હોય છે એ પણ જાણીતી વાત છે.
ભારતમાં અગાઉનો કાળ કાળા અંગ્રેજોના શાસનનો કાળ હતો. સાંસ્કૃતિક પોલિસીઓએ આ દેશની સંસ્કૃતિનું કચ્ચરઘાણ વાળવામાં કશું બાકી રાખ્યું નહોતું. શિક્ષણ આમાંનું એક મોટું ક્ષેત્ર હતું. અંગ્રેજોએ દાખલ કરેલી, સરકારી નોકરિયાતો પેદા કરવામાં અનુકૂળતા રહે એવી શિક્ષણ નીતિ આપણે ચાલુ રાખી. વિદ્યાર્થીનું દિમાગ ખીલે એવા ભણતરને બદલે એની બેઉ આંખે ડાબલા બાંધી દઈને એને ભણાવવામાં આવ્યું. આજે પણ નેવું ટકા શિક્ષણ એ જ દિશાનું હોય છે. હવે શિક્ષણ ક્ષેત્રે જે નક્કર ફેરફારો થઈ રહ્યા છે તે અગાઉના રાજમાં ખાઈપીને તગડામગડા થયેલા શિક્ષણકારોને નથી જ ગમવાના. શિક્ષણમાં માતૃભાષાનું મહત્ત્વ છેલ્લાં સાઠેક વર્ષમાં ભારતમાં એ હદ સુધી ઓછું થતું ગયું કે માતૃભાષામાં ભણેલા લોકો વર્નાક્યુલર મીડિયમમાં ભણ્યા છે એવું કહેવાતું થયું. વર્નાક્યુલરનો અર્થ ખબર છે તમને? વર્નાક્યુલર મીડિયમ એટલે માતૃભાષાનું માધ્યમ એવું માનો છોને તમે? ખોટા છો. વર્નાક્યુલર શબ્દની અર્થચ્છાયા એ ખરી પણ તે એક હલકો શબ્દ છે. પિતાને બાપ કહેવા જેવો.
ચીન, જાપાન, રશિયાની જેમ ભારતમાં પણ ઉચ્ચ શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ કે નહીં તે ઘણો મોટો વિષય છે અને એની પણ ચર્ચા કરીશું. સૌપ્રથમ તો માતૃભાષાનો એકડો વિદ્યાર્થીઓના શિક્ષણમાંથી સાવ ભૂંસાઈ જવા આવ્યો છે તેના વિશે વાત કરીએ અને ફોકસમાં ગુજરાતી ભાષાને રાખીએ. મરાઠીવાળાઓને પણ આ જ ચિંતા છે અને મને ખાતરી છે કે કન્નડવાળા, બંગાળીવાળા વગેરે દરેકને આ જ ચિંતા હોવાની. મરાઠી અને તમિલથી માંડી હિન્દી અને ગુજરાતી સુધીની દરેક ભાષાનું જતન, સંવર્ધન થવું જોઈએ.
શું કામ?
`ધ ઇંગ્લિશ મીડિયમ મિથ' નામના સંક્રાંત સાનુના એક પુસ્તકમાં બે બહુ સરસ કોષ્ટક આપ્યાં છે. કોષ્ટક એટલે કોઠા-ટેબલ્સ! પહેલું ટેબલ છે દુનિયાના વીસ સૌથી શ્રીમંત દેશોનું. પ્રથમ ક્રમાંકે સ્વિટ્ઝર્લૅન્ડ છે. બીજા નંબરે ડેન્માર્ક. એ પછી જાપાન. ચોથું યુનાઈટેડ સ્ટેટ્સ. પછી સ્વીડન, જર્મની, ઑસ્ટ્રિયા, નેધરલૅન્ડ્સ, ફિન્લેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ, યુનાઈટેડ કિંગ્ડમ, ઑસ્ટ્રેલિયા, ઈટલી, કૅનેડા, ઈઝરાયેલ, સ્પેન, ગ્રીસ, પોર્ટુગલ અને વીસમા ક્રમે સાઉથ કોરિયા. આ દરેક દેશના નામની બાજુમાં તે દેશની માથાદીઠ આવક આપી છે, જે વાર્ષિક 38,380 ડૉલર્સથી લઈને 8,490 ડૉલર્સ સુધીની છે. એના પછીના ખાનામાં તે દેશની સ્થાનિક ભાષા કઈ છે તે જણાવ્યું છે. જેમ કે, સ્વિટ્ઝર્લૅન્ડની ત્રણ છે - જર્મન, ફ્રેન્ચ અને ઈટાલિયન, ડૅન્માર્કની ડૅનિશ, જાપાનની જાપાનીઝ, યુનાઈટેડ સ્ટેટસની ઇંગ્લિશ, સ્વીડનની સ્વીડિશ, જર્મનીની જર્મન, ઑસ્ટ્રિયાની પણ જર્મન, નેધરલેન્ડ્સની ડચ, ફિન્લેન્ડની ફિનિશ, બેલ્જિયમની ડચ અને ફ્રેન્ચ, ફ્રાન્સની તો અફકોર્સ ફ્રેન્ચ જ હોય. એ જ રીતે યુનાઈટેડ કિંગ્ડમ અને ઑસ્ટ્રેલિયાની ઇંગ્લિશ, ઈટલીની ઈટાલિયન, કૅનેડાની ઇંગ્લિશ અને ફ્રેન્ચ, ઈઝરાયેલની હિબ્રૂ, સ્પેનની સ્પેનિશ, ગ્રીસની ગ્રીક, પોર્ટુગલની પોર્ટુગીઝ અને દક્ષિણ કોરિયાની કોરિયન.
હવે સાહેબો, કોષ્ટકના છેલ્લા ખાનાને વાંચો. એ ખાનું છે દરેક દેશની સત્તાવાર ભાષાનું. આ દરેકેદરેક દેશની સત્તાવાર ભાષા એ જ છે જે એની સ્થાનિક ભાષા હોય. અર્થાત્ જર્મનીની લોકભાષા જર્મન તો ત્યાંની ઑફિશિયલ લેંગ્વેજ પણ જર્મન. આવું જ આ વીસેવીસ ટૉપના શ્રીમંત દેશોની બાબતમાં.
હવે આર્થિક રીતે દુનિયાના સૌથી ગરીબ એવા વીસ દેશોની બાબતમાં શું છે તે જુઓ. કૉન્ગો, ઈથિયોપિયા, બુરુન્ડીથી માંડીને યુગાન્ડા સુધીના વીસ દેશોની વાર્ષિક માથાદીઠ આવક 100 ડૉલરથી માંડીને 320 ડૉલર સુધીની છે. આ દરેક દેશની સ્થાનિક ભાષા કે જનભાષા કાં તો સ્વાહિલી છે કે કાં નેપાલી છે કાં આપણને ઉચ્ચાર કરતાંય ન આવડે કે જેનું નામ પણ આપણા માટે અજાણ્યું હોય એવી છે. આની સામે તે દેશોની સત્તાવાર ભાષા કઈ છે? નેપાળના અને ઈથિયોપિયાના અપવાદને બાદ કરો તો ફ્રેન્ચ, અંગ્રેજી અથવા પોર્ટુગીઝ.
ક્યુ.ઈ.ડી. માતૃભાષાનું મહત્ત્વ આર્થિક સમૃદ્ધિ માટે કેટલું છે તે સાબિત થઈ ગયું? હા.
જે બાળકને તમારે ગણિત શીખવાડવું છે કે વિજ્ઞાન કે ઈતિહાસ, ભૂગોળનું જ્ઞાન આપવું છે તે બાળકને આ બધી જ વિદ્યા એની માતૃભાષામાં આપવામાં આવે તો એ તરત જ ગ્રહણ કરી લે છે. માતૃભાષામાં ભણતર મેળવીને તેજસ્વી વિદ્યાર્થીઓમાં જેની ગણના થતી હોય, એ વિદ્યાર્થીને સડનલી અંગ્રેજી ભાષામાં એ જ વિષયો જેમાં એને ખૂબ રસ પડતો હોય તે જ વિષયો શીખવવામાં આવે ત્યારે એ કેવો ડઘાઈ જાય અને પોતાને સાવ બાઘા જેવો માનવા માંડે એનો મને જાતઅનુભવ છે.
દસ વર્ષ સુધી ગુજરાતી માધ્યમમાં ભણીને જલસા કર્યા પછી અગિયારમા ધોરણમાં બધું અંગ્રેજીમાં ભણવાનું આવે ત્યારે એકાએક તમારી વિદ્યા કોઈએ ચોરી લીધી હોય એવી લઘુતાગ્રંથિ ઊભી થાય.
અંગ્રેજીનું મહત્ત્વ કોઈ અન્ડરમાઈન નથી કરતું. ગુજરાતી બોલતી-લખતી વખતે એમાં બીજી ભાષાના શબ્દોનો પ્રયોગ ન થાય એવું મેં ક્યારેય નથી માન્યું. છેક 1992માં લખેલા મારા એક લેખનું મથાળું હતું `જય શ્રીકૃષ્ણ, ડાર્લિંગ'. એ લેખમાં મેં 1986માં લખેલું મારું એક વાક્ય ક્વોટ કર્યું હતું: `શું ગુજરાતી લખાણમાં અંગ્રેજી શબ્દો આવે તો ચાલે? નો, નેવર!'. બિટ્વીન ધ લાઇન્સ વાંચવાની આદત હોય તો સમજી જશો કે 40 વર્ષથી હું શું કહી રહ્યો છું.
અંગ્રેજી સામે કોઈ વેરભાવના નથી, કોઈ દાઝ નથી, પણ ગુજરાતી ભાષા માટે ફૉર ધૅટ મૅટર કોઈ પણ વ્યક્તિની માતૃભાષા માટેનો આદર જરૂરી છે. ગુજરાતીનો ભોગ લઈને અંગ્રેજી શીખવવામાં આવે એની સામે વિરોધ છે. સાચું પૂછો તો અંગ્રેજીનો ભોગ લઈને ગુજરાતી પ્રમોટ કરવામાં પણ હું નથી માનતો. ગુજરાતી પ્રમોટ થવી જોઈએ એમાં કોઈ બેમત નથી. મુંબઈમાં તો ખાસ. ભવિષ્યમાં મુંબઈ જેવી પરિસ્થિતિ ગુજરાતમાં પણ ન સર્જાય એ માટે ગુજરાતમાં પણ જોરશોરથી પ્રમોટ થવી જોઈએ.
કઈ રીતે આ કામ થઈ શકે? સત્તાવાર એટલે કે સરકારના સ્તરે અને અંગત એટલે કે પરિવારના સ્તરે - આ બેઉ સ્તરે આ કામ થઈ શકે. સરકારના સ્તરે કંઈક થાય એવી અગાઉ આશા નહોતી, હવે છે અને એટલે વ્યક્તિગત સ્તરે પણ ઘણી બધી બાબતો થઈ શકશે એવી આશા જાગી છે. વિષય ઘણો વ્યાપક છે. માટે વધુ આવતા અઠવાડિયે.
સાયલન્સ પ્લીઝ!
મને વિચારો મારી માતૃભાષામાં જ આવે છે - હિન્દીમાં
- અનુપમ ખેર
