પિતૃદોષ એ એક જ્યોતિષીય અવસ્થા છે, જે વ્યક્તિની કુંડળીમાં પિતૃઓની અસંતુષ્ટતા અથવા તેમના પ્રત્યેની જવાબદારીઓનું પાલન ન કરવાને કારણે ઉદ્ભવે છે. સામાન્ય ભાષામાં જ્યારે આપણા પૂર્વજોની આત્માને શાંતિ ન મળે અથવા તેમના અંતિમ સંસ્કાર યોગ્ય રીતે ન થયા હોય, ત્યારે તેનો પ્રભાવ આપણી કુંડળી પર પડે છે. આ દોષ કોઈ શાપ નથી, પરંતુ આપણા પૂર્વજોનું આપણા પર રહેલું ઋણ છે, જેની પૂર્તિ કરવી જરૂરી છે. પિતૃદોષને કારણે વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની અડચણો અને દુઃખ આવી શકે છે.
પિતૃદોષનાં કારણો અને લક્ષણો
પિતૃદોષ મુખ્યત્વે કુંડળીમાં સૂર્ય અને ચંદ્ર જેવા ગ્રહોની રાહુ કે કેતુ સાથેની યુતિ(જોડાણ)થી બને છે. ખાસ કરીને જ્યારે સૂર્ય અને રાહુ એક જ ઘરમાં હોય, ત્યારે પિતૃદોષની પ્રબળ અસર જોવા મળે છે. આ ઉપરાંત ગુરુ અને રાહુની યુતિ પણ પિતૃદોષનું એક કારણ બની શકે છે.
પિતૃદોષનાં મુખ્ય લક્ષણો
સફળતામાં અવરોધ : વ્યક્તિને મહેનત કરવા છતાં નોકરી અથવા વ્યવસાયમાં સફળતા મળતી નથી.
આર્થિક સમસ્યાઓ : અચાનક ધનહાનિ થવી અથવા આર્થિક સ્થિતિમાં સુધારો ન થવો.
પારિવારિક જીવનમાં અશાંતિ : ઘરમાં વારંવાર લડાઈ-ઝઘડા અને વિખવાદ થવા.
લગ્નમાં વિલંબ : સમયસર લગ્ન ન થવાં અથવા લગ્નજીવનમાં સમસ્યાઓ આવવી.
સંતાન સંબંધિત સમસ્યાઓ : સંતાનપ્રાપ્તિમાં અવરોધ આવવો અથવા સંતાન વારંવાર બીમાર પડવું.
સ્વાસ્થ્ય સમસ્યાઓ : પરિવારના સભ્યોનું વારંવાર બીમાર પડવું.
અનિચ્છનીય ઘટનાઓ : વાહન દુર્ઘટનાઓ, અકસ્માતો અથવા અન્ય અચાનક મુશ્કેલીઓ આવવી.
આ લક્ષણો જ્યારે વારંવાર જોવા મળે ત્યારે પિતૃદોષની શક્યતા રહે છે. જોકે, માત્ર આ લક્ષણો પરથી નિષ્કર્ષ કાઢવાને બદલે કુંડળીનો અભ્યાસ કરવો હિતાવહ છે.
પિતૃદોષના જ્યોતિષીય ઉપાયો
પિતૃદોષના નિવારણ માટે જ્યોતિષશાસ્ત્રમાં અનેક સરળ અને પ્રભાવી ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો પિતૃઓના આત્માને શાંતિ પ્રદાન કરે છે અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
શ્રાદ્ધ અને તર્પણ : પિતૃદોષનો સૌથી મુખ્ય અને અસરકારક ઉપાય છે. પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણની વિધિ કરવી. આ સમયગાળામાં પિતૃઓની તિથિ અનુસાર વિધિ કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે. તલ, ચોખા અને જવ સાથે પિંડદાન કરવું પણ લાભદાયક છે.
પિતૃદોષ શાંતિપૂજા : કોઈ કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા પિતૃદોષ શાંતિપૂજા કરાવવી. આ પૂજામાં ખાસ મંત્રો અને યજ્ઞ દ્વારા પિતૃઓને શાંત કરવામાં આવે છે.
ગયામાં પિંડદાન : ભારતમાં બિહાર રાજ્યમાં આવેલું ગયા એક એવું તીર્થસ્થાન છે જ્યાં પિતૃઓનું શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી તેમને સીધી મુક્તિ મળે છે.
પીપળાના વૃક્ષની પૂજા : પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ મનાય છે. શનિવાર અથવા અમાસના દિવસે પીપળાના વૃક્ષ નીચે પાણી રેડવું અને દીવો પ્રગટાવવો. આ ઉપાયથી પિતૃદોષની અસર ઓછી થાય છે.
દાન : કોઈ પણ અમાસના દિવસે જરૂરિયાતમંદોને અનાજ, વસ્ત્ર અથવા ભોજનનું દાન કરવું. કાગડા, ગાય અને કૂતરાંઓને ભોજન આપવું પણ પિતૃઓને પ્રસન્ન કરે છે.
મંત્રજાપ : નિયમિત રીતે ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો. આ મંત્રો આધ્યાત્મિક શક્તિમાં વધારો કરે છે અને નકારાત્મક ઊર્જા દૂર કરે છે.