આજના આધુનિક અને ભાગદોડભર્યા યુગમાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની પાસે પૂરતો પૈસો હોય. ક્યારેક સખત મહેનત કરવા છતાં પણ આર્થિક તંગી પીછો નથી છોડતી, તો ક્યારેક અણધાર્યા ખર્ચાઓ આવીને ઊભા રહી જાય છે. આવા સમયે ભારતીય જ્યોતિષશાસ્ત્રની એક અનન્ય અને રહસ્યમય શાખા `લાલ કિતાબ'ના ઉપાયો આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. ખાસ કરીને `આકસ્મિક ધનપ્રાપ્તિ' એટલે કે અચાનક અટકેલાં નાણાં પાછાં મળવાં, લોટરી-શેરબજારમાં લાભ થવો અથવા વ્યાપારમાં મોટો ફાયદો થવા માટે લાલ કિતાબમાં અદ્ભુત નુસખા બતાવવામાં આવ્યા છે. જાણીએ આવા જ કેટલાક ચમત્કારી ઉપાયો વિશે.


લાલ કિતાબના ઉપાયો પાછળનું વિજ્ઞાન

લાલ કિતાબમાં ગ્રહોના દુષ્પ્રભાવને દૂર કરવા માટે જટિલ પૂજા-પાઠ કે મોંઘાં રત્નો પહેરવાની સલાહ આપવામાં આવતી નથી. તેના બદલે આપણા રોજિંદા જીવનની વસ્તુઓ, પશુ-પક્ષીઓની સેવા અને ઘરની દિશાઓમાં ફેરફાર કરીને ગ્રહોને અનુકૂળ બનાવવામાં આવે છે. લાલ કિતાબ અનુસાર, રાહુ, કેતુ અને શનિ જેવા ગ્રહો જ્યારે શુભ ફળ આપે છે, ત્યારે વ્યક્તિને અચાનક અને અપાર ધનનો લાભ થાય છે.

આકસ્મિક ધનલાભ માટેના ઉપાયો

જો તમે પણ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હો અથવા લાંબા સમયથી અટકેલાં નાણાં મેળવવા ઈચ્છો છો, તો નીચે આપેલા ઉપાયોમાંથી કોઈ પણ એક કે બે ઉપાય શ્રદ્ધાપૂર્વક કરી શકો છો.

પીપળાના પાનનો ચમત્કારી ઉપાય

શનિવારે આ ઉપાય કરવો ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. શનિવારે સવારે વહેલા ઊઠી, સ્નાન કરીને એક પીપળાનું પાન તોડી લાવો (ધ્યાન રાખવું કે પાન ક્યાંયથી ફાટેલું ન હોવું જોઈએ). તેને ગંગાજળથી સાફ કરી, તેના પર હળદર અથવા ચંદનથી `શ્રીં' લખો. ત્યારબાદ આ પાનને ઘરના પૂજા સ્થાનમાં રાખો. દર શનિવારે જૂનું પાન બદલીને નવું પાન મૂકો અને જૂના પાનને વહેતા પાણીમાં પધરાવી દો. આ ઉપાયથી લક્ષ્મીજી કાયમ માટે પ્રસન્ન થાય છે.  

તિજોરી હંમેશાં ભરેલી રાખવા માટે

ઘરમાં પૈસા ટકતા ન હોય અથવા આવકના સ્રોત બંધ થઈ ગયા હોય, તો શુક્રવારના દિવસે એક લાલ રેશમી કપડું લો. તેમાં કપૂરના થોડા ટુકડા અને પાંચ કમળકાકડી (કમળનાં બીજ) રાખીને પોટલી વાળી લો. આ પોટલીને ઘરના મંદિરમાં રાખી લક્ષ્મીજીની આરતી કરો અને ત્યારબાદ તેને તિજોરી કે ધન રાખવાના સ્થાને મૂકી દો. આનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને આકસ્મિક ધનલાભના યોગ બને છે.

મુખ્ય દરવાજા પર તેલનો દીવો

ઘરનો મુખ્ય દરવાજો રાહુ અને લક્ષ્મીના આગમનનું સ્થાન છે. દર શનિવારે સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ સરસવના તેલનો દીવો પ્રગટાવો. દીવો ઓલવાઈ ગયા પછી બચેલું તેલ જો કોઈ કાળા કૂતરાને રોટલી પર લગાવીને ખવડાવવામાં આવે, તો રાહુ-કેતુના દોષ શાંત થાય છે અને અચાનક ધનપ્રાપ્તિ થાય છે.

પક્ષીઓને ચણ અને કૂતરાને રોટલી

લાલ કિતાબમાં પશુ-પક્ષીઓની સેવાને સૌથી મોટું પુણ્ય અને ગ્રહની શાંતિનો ઉપાય માનવામાં આવ્યો છે.

રાહુની શાંતિ માટે : દરરોજ સવારે પક્ષીઓને સાત પ્રકારનું અનાજ ચણ તરીકે નાખો.

કેતુ અને શનિની શાંતિ માટે : દરરોજ રાત્રે બનેલી છેલ્લી રોટલી પર થોડું સરસવનું તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવો. જો કાળો કૂતરો ન મળે, તો કોઈ પણ કૂતરાને ખવડાવી શકાય. આ ઉપાયથી ભાગ્યના બંધ દરવાજા ખૂલી જાય છે.

આર્થિક તંગી અને દેવામાંથી મુક્તિ મેળવવા

સમસ્યા અનુસાર આ નાના ઉપાયો અજમાવો.

અટકેલાં નાણાં પાછાં મેળવવા તાંબાના લોટામાં પાણી ભરી, તેમાં ચપટી કંકુ અને લાલ મરચાનાં 11 બીજ નાખી સૂર્યદેવને અર્ધ્ય આપવો. આ ઉપાય દરરોજ સવારે કરવો.

વ્યાપારમાં અચાનક નુકસાન થતું હોય તો શનિવારે માટીના વાસણમાં આખા અડદ ભરીને તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરવા. આ ઉપાય શનિવારે મધ્યાહ્ન સમયે કરવો.

અણધાર્યા ખર્ચાઓ રોકવા માટે પોતાના ગજવામાં અથવા પર્સમાં હંમેશાં ચાંદીનો એક નાનો ચોરસ ટુકડો રાખવો. આ ઉપાય સોમવાર અથવા શુક્રવારે કરવો.

નોકરીમાં પ્રમોશન/આવક વધારવા માટે 21 દિવસ સુધી સતત બદામ કે નાળિયેર વહેતા પાણીમાં પધરાવવું. આ ઉપાય મંગળવાર કે શનિવારે કરવો.

ઉપાયો કરતી વખતે આટલી સાવચેતીઓ રાખો  

ગુપ્તતા જાળવો : લાલ કિતાબનો કોઈ પણ ટોટકો કે ઉપાય કરતી વખતે તેની ચર્ચા કોઈની પણ સાથે ન કરો. ઉપાય સંપૂર્ણપણે ગુપ્ત રાખવાથી જ તેનું પૂરતું ફળ મળે છે.  

એક સમયે એક જ ઉપાય : એકસાથે ઘણા ઉપાયો કરવાથી બચવું. સૌપ્રથમ એક ઉપાય શરૂ કરો અને તેને નિયત દિવસો (સામાન્ય રીતે 43 દિવસ) સુધી સળંગ કરો.  

નકારાત્મક વિચારોથી દૂર રહો : ઉપાય કરતી વખતે મનમાં શંકા કે અશ્રદ્ધા ન હોવી જોઈએ. `આનાથી શું થશે?' એવો ભાવ રાખવાને બદલે સકારાત્મક વિચાર રાખવો.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: