તારકભાઈ એ પોતાની યુવાન પુત્રી ઝીલમીલ ને કોલેજ ના છેલ્લા વર્ષમાં સારા માર્ક સાથે પાસ થઈ જતા અભિનંદન આપ્યા અને કહ્યું, બેટા, તે ખુબજ મહેનત કરી અને સારા મેરીટ સાથે ઉતીર્ણ થઈ, હવે તારો ભાઈ સૂરજ પણ આવી જ રીતે સારા મેરીટ સાથે ઉત્તીર્ણ થઈ ગયેલ અને મહેનત કરી આપબળે સારી સરકારી નોકરી પણ મેળવી લીધી માટે હવે તું તેને આગળ શું કરવું તે પૂછીને તૈયારી શરૂ કરી દે.' ઝીલમીલ બોલી, હા,પપ્પા, પણ પહેલા હું એ આઇને પૂછી લઉં પછી ભાઈ ને વાત કરીશ.' તારકભાઈ કશું બોલ્યા નહીં.
થોડા દિવસ બાદ બહારની વાનગી ખાવાથી કંઈક ખરાબ અસર થતા ઝીલમીલની તબિયત બગડી. મમ્મી ચાંદનીબેને કહ્યું, બેટા, આપણા અંગત એવા ફેમિલી ડૉક્ટર મહેતા અંકલને બતાવી જો તે યોગ્ય દવા તારી તાસીર મુજબની આપશે અને તને સારું થઈ જશે. ઝીલમીલ બોલી, હા, મમ્મી, પહેલા હું એ આઇને પૂછી લઉં પછી ડૉક્ટરની સલાહ લઉં. ચાંદનીબેન ચૂપ બની જોઈ રહ્યા પણ કશું બોલ્યા નહીં.
થોડા સમય બાદ એક જગ્યાએથી એક અંગત અને વ્યવહારુ સગા દ્વારા ઝીલમીલ માટે એક યુવાન છોકરાની વાત ચાલી, તારકભાઈએ તે વખતે ઝીલમીલ ને કહ્યુ, જો બેટા છોકરો સારો છે, મેં તને પણ તેનો બાયોડેટા આપેલ હતો અને વચ્ચે આપણા અંગત એવા સગા પણ છે છતાં તારે પણ તેને કઈ પૂછવાનું હોય તો પૂછી જો.'
ઝીલમીલ તરત જ બોલી, હા, પપ્પા, મેં છોકરા ની પ્રોફાઇલ એ આઇને મોકલી છે તે મને કહશે પછી વિચારશુ. તારકભાઈ અચરજ સાથે જોઈ રહ્યા પણ કશું બોલ્યા નહીં.
પણ ચાંદનીબેન થી હવે રહેવાયું નહીં અને બોલ્યા, બેટા, આ શું માંડ્યું છે? જ્યારે કહો ત્યારે એ આઇને! અમે તારા અનુભવી અને શિક્ષિત માતાપિતા છીએ આપણા સગા વાહલા અને સ્નેહીજનો છે આપણો આવડો પરિવાર છે છતાં તું એ આઇને જ બધું પૂછ્યા કરીશ?
સમજાતુ નથી આ વળી શું બલા છે? ના, કઈ અઘરું કે અમને પણ ખબર ના પડે તેવું હોય તો બરાબર છે પણ બધુજ તે ને પૂછવાનું? આ મોબાઈલ અને ઇન્ટરનેટથી માણસ માણસથી દૂર તો થઈ ગયો અને હવે આ એ આઇને આવતા ક્યારેક કોઈ જાતની સલાહ કે માર્ગદર્શન કે સાંત્વના રૂબરૂ કે ફોન દ્વારા મેળવતો તે પણ બંધ થઈ ગયું! શું માણસ સાવ એકાંકી અને એકલવાયો બનીને માત્ર પોતાની જ બનાવેલી દુનિયામાં જીવી શકશે? ભગવાન આવા દિવસો જોવા પડે તે પહેલા અમને ઉપાડી લે તો સારું! ચાંદનીબેન ની આંખોમાં આંસુ આવી ગયા તે વધુ બોલી ના શક્યા.
ઝીલમીલ મમ્મી ના દિલથી નીકળતા શબ્દોને મૌન બની સાંભળતી રહી, હવે તેને એવું કહેવાની હિંમત ના ચાલી કે હા મમ્મી હું આ સવાલ પણ એ આઇને પૂછી લઈશ!
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો