લિનન અને પ્યોર કોટન ફેબ્રિકે પોતાનું એક ખાસ અને કાયમી સ્થાન જાળવી રાખ્યું છે. આજની યુવતીઓમાં આ બંને મટીરિયલ ખૂબ ઝડપથી લોકપ્રિય બની રહ્યાં છે. ફેશન અને કમ્ફર્ટનું આ ઉત્તમ સંયોજન ખાસ કરીને વર્કિંગ વુમન, કોલેજ જતી યુવતીઓ અને કેઝ્યુઅલ લુક પસંદ કરતી છોકરીઓ માટે પહેલી પસંદ છે. કોટન અને લિનન બંને કુદરતી રેસામાંથી બને છે. તે ખૂબ જ હળવાં, સક્ષમ અને ત્વચા માટે એકદમ અનુકૂળ હોય છે. આ કાપડ પસીનાને ઝડપથી શોષી લે છે અને હવાને શરીર સુધી પહોંચાડે છે, જેનાથી ગરમી કે ઉકળાટમાં પણ તાજગી અનુભવાય છે. આ ફેબ્રિક્સ વધુ પડતી ચમક વગર જ એક ક્લાસી, સોબર અને રોયલ લુક આપે છે.   

પ્યોર કોટન અને લિનન લાંબા સમય સુધી ચાલે છે. દર વખતે વોશ કર્યા પછી લિનન મટીરિયલ વધુ સોફ્ટ અને આરામદાયક બનતું જાય છે. પર્યાવરણ પ્રત્યે જાગરૂક આજના યુવાનો માટે સિન્થેટિક ફેબ્રિક્સના બદલે નેચરલ અને ઓર્ગેનિક મટીરિયલ પહેરવું એ ચોઇસ છે.   

આજના સમયમાં બજારમાં આ ફેબ્રિક્સમાં ઘણી વેરાઇટીઓ જોવા મળે છે, જે ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન સુધીના દરેક લુક માટે પરફેક્ટ છે.   

 આઇકોનિક સ્ટ્રેટ કટ કુરતીઓ, એ-લાઈન ટ્યુનિક્સ અને શોર્ટ કુરતીઓ ડેઇલીવેર અને ઓફિસ માટે ખૂબ જ ડિમાન્ડમાં છે. અજરક, બાગરુ, કલમકારી અને બાંધણી જેવી પરંપરાગત પ્રિન્ટવાળાં પ્યોર કોટન આઉટફિટ્સ સદાબહાર ફેવરિટ છે. પ્લેન કે બોલ્ડ બોર્ડર ધરાવતી લિનન સાડીઓ પ્રોફેશનલ અને રોયલ લુક માટે યુવતીઓની પસંદ છે. 

 સિંગલ કલર અથવા સબટલ પ્રિન્ટવાળા લિનન શર્ટ અને વાઇડ-લેગ પેન્ટના કો-ઓર્ડ સેટ હાલમાં ટ્રેન્ડમાં છે. જીન્સ અથવા શોર્ટ્સ સાથે પ્યોર કોટન કે લિનનના ઢીલા શર્ટ્સ કેઝ્યુઅલ આઉટિંગ માટે ખૂબ સ્ટાઇલિશ લાગે છે. સમર વેકેશન અને કમ્ફર્ટેબલ લુક માટે કોટન મિડી અને મેક્સી ડ્રેસીસ ક્યૂટ અને એલિગન્ટ દેખાય છે. કોટન અથવા લિનનમાંથી બનેલા એંકલ લેન્થ પેન્ટ્સ અને પલાઝો કોઈ પણ કુરતી કે શર્ટ સાથે સરળતાથી મેચ થઈ જાય છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો