મોટાભાગની વ્યક્તિ સારું એજ્યુકેશન મેળવી, કોર્પોરેટ જગતનો ભાગ બની, સુખ-સુવિધાઓથી સભર લાઇફસ્ટાઇલ જીવવાનાં સપનાં જોતી હોય છે. એમાં કંઇ ખોટું પણ નથી, પરંતુ જો કોઇ વ્યક્તિ કોર્પોરેટની અદ્યતન સુવિધાઓથી સભર દુનિયા છોડીને જંગલો ખૂંદવાનું નક્કી કરે ત્યારે લોકો તેને પાગલ કહેશે, પરંતુ એ જ ગાંડપણ જ્યારે ઇતિહાસ બની જાય ત્યારે આખો દેશ ગર્વ અનુભવશે. આવી જ એક અદ્ભુત અને પ્રેરણાદાયી સ્ટોરી ભારતના અલ્ટ્રા રનર અશ્વિની ગણપથિ ભટની છે.


અશ્વિની એશિયા ટ્રેલ માસ્ટર-એટીએમ ગ્રાન્ડમાસ્ટર ક્વેસ્ટ જેવી અતિ મુશ્કેલ ચેમ્પિયનશિપ પૂર્ણ કરીને સિદ્ધિ મેળવનારી ભારતની સૌપ્રથમ મહિલા બન્યાં છે. અત્યાર સુધીમાં 700 કરતાં વધારે કિલોમીટરના પર્વતોનું ચઢાણ, પ્રતિકૂળ હવામાન અને અજાણ્યાં જંગલોને ખૂંદીને તેમણે સાબિત કર્યું છે કે ભારતીય મહિલાઓ ધારે એ કરી શકે છે.

અશ્વિની મૂળ કર્ણાટકની પ્રકૃતિના સાંનિધ્યથી ભરપૂર એવા કુર્ગ વિસ્તારનાં વતની છે. કુર્ગના સુંદર પહાડો અને ટેકરાઓ વચ્ચે ઉછરેલાં હોવાને કારણે નાનપણથી જ પ્રકૃતિ અને આઉટડોર સ્પોર્ટ્સ પ્રત્યે તેમનો લગાવ સહજ હતો. હાલમાં તેઓ બેંગલુરુના બસવનગુડી વિસ્તારમાં રહે છે. શાળા અને કોલેજના દિવસો દરમિયાન તેઓ હોકી રમતાં હતાં. સોફ્ટવેર એન્જિનિયરનો અભ્યાસ કર્યા બાદ તેમણે આઇટી સેક્ટરમાં ઝંપલાવ્યું. જોકે, કમ્પ્યૂટર સ્ક્રીનની સામે કલાકો સુધી બેસી રહેવા છતાં તેમનું મન હંમેશાં મુક્ત આકાશ અને દોડવાના ટ્રેક તરફ દોડતું હતું. તેમ છતાં મનને મનાવીને નવ વર્ષ સુધી જોબ કરી.

2015માં તેમણે રનિંગ પ્રત્યેના પોતાના જુસ્સાને કારણે કોર્પોરેટ ફિલ્ડને અલવિદા કહી દીધું. પછી ફિટનેસના ક્ષેત્રમાં ફુલ ટાઇમ કરિયર બનાવવાનું નક્કી કર્યું. કોર્પોરેટ જગતને છોડવું અને પરસેવો પાડીને મહેનત માંગી લે એવી ફિલ્ડમાં કામ કરવું એ બાબત બોલવા અને લખવા જેટલી સહેલી નથી, એનાથી અનેકગણી અઘરી છે. શરૂઆતમાં અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો, પરંતુ અશ્વિની પોતાના ઇરાદાને વળગી રહ્યાં. શરૂઆતમાં તેમણે ફિટનેસ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. રનિંગની ટ્રેનિંગ દરમિયાન તેમને સમજાયું કે તેમની પાસે માત્ર સ્પીડ જ નહીં, પરંતુ લાંબા અંતર સુધી ટકી રહેવાની અદ્ભુત શારીરિક અને માનસિક ક્ષમતા છે. અનેક વર્ષોની મહેનત અને તપશ્ચર્યા બાદ અશ્વિની વ્યાવસાયિક અલ્ટ્રા રનર બનવાની સાથે સાથે બેંગલુરુમાં સફળ એન્ડ્યુરન્સ કોચ તરીકે કાર્યરત છે તથા અન્ય લોકોને ફિટનેસ માટે પ્રેરિત કરે છે.

ટ્રેલ રનિંગ એ સામાન્ય મેરેથોન જેવી નથી હોતી, જે પાકા ડામરના રસ્તા પર દોડાય. આમાં પહાડો, કાદવ-કીચડ, પથરાળ રસ્તાઓ અને ગાઢ જંગલો વચ્ચે દોડવાનું હોય છે. ગ્રાન્ડમાસ્ટર બનવા માટે રનરે એશિયાના જુદા જુદા દેશોમાં આયોજિત થતી ATM માન્યતા પ્રાપ્ત અલ્ટ્રા-ટ્રેલ રેસમાં ભાગ લેવો પડે છે. સળંગ કે અલગ-અલગ વર્ષોમાં થઈને ઓછામાં ઓછી છ અલ્ટ્રા રેસ 70 કિમી કે તેથી વધુ અંતરની ચોક્કસ સમયમાં પૂર્ણ કરવી પડે છે. આમાં હજારો મીટરનું વર્ટિકલ ચઢાણ અને ઉતરાણ કરવાનું હોય છે. અશ્વિનીએ મલેશિયા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને જાપાન જેવા દેશોની અત્યંત ખતરનાક રેસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને આ પ્રતિષ્ઠિત `ગ્રાન્ડમાસ્ટર'નું બિરુદ મેળવ્યું છે. આ દ્વારા તેમણે ભારતનું નામ રોશન કર્યું છે.

 અલ્ટ્રા-મેરેથોનર માટે એનર્જી જાળવી રાખવી સૌથી મહત્ત્વની હોય છે, જેના માટે મોટાભાગના આંતરરાષ્ટ્રીય એથ્લેટ્સ નોન-વેજ ડાયટ પર નિર્ભર રહે છે, પરંતુ અશ્વિની સંપૂર્ણપણે શાકાહારી છે. મલેશિયા કે જાપાન જેવા દેશોમાં જ્યાં શુદ્ધ શાકાહારી ખોરાક મળવો મુશ્કેલ હોય છે, ત્યાં અશ્વિની પોતાની રેસ દરમિયાન પીઠ પરના બેકપેકમાં પોતાનો શાકાહારી ખોરાક જેમ કે ડ્રાયફ્રૂટ્સ, એનર્જી બાર અને ઓટ્સ લઇને જતી હતી. તેમની આ લાક્ષણિકતા દર્શાવે છે કે મજબૂત ઈચ્છાશક્તિ હોય તો કોઇ પણ વસ્તુ ક્યારેય નડતરરૂપ બનતી નથી.

અશ્વિની પોતાની સફળતાનું શ્રેય પરિવારને આપે છે, કારણ કે 40 વર્ષની ઉંમરે અને 14 વર્ષના લગ્નજીવન બાદ આ સ્તરની આંતરરાષ્ટ્રીય રમત રમવી એ પરિવારના સપોર્ટ વિના શક્ય નથી. અશ્વિની કહે છે કે, પિતાએ મને નાનપણથી જ ટ્રેકિંગ અને સાહસના પાઠ શીખવ્યા હતા. જ્યારે પતિ સંદીપે મને મોટીવેટ કરવાનું કામ કર્યું. રેસ દરમિયાન જ્યારે માનસિક રીતે થાકી જતી ત્યારે સંદીપ મારા જુસ્સાને ટકાવી રાખવાનું કામ કરતા. અશ્વિની કહે છે કે, અલ્ટ્રા-રનિંગ દરમિયાન રાત્રિના ગાઢ અંધકારમાં હેડલેમ્પના સહારે જંગલો પાર કર્યાં છે. ક્યારેક ઈજાઓ થતી તો ક્યારેક સ્નાયુઓ ખેંચાઇ જતા હતા. ઘણી વખત તો હિંમત તૂટી જવાની અણી ઉપર હોય એવી સ્થિતિ પણ સર્જાઇ છે. તેઓ કહે છે કે, ઉંમર, વ્યવસાય કે રૂઢિચુસ્ત સામાજિક માળખું તમને તમારાં સપનાં પૂરા કરતા રોકી શકતું નથી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: