સાંજે પોતાના બંગલાના ગાર્ડનમાં રવિરાજના હાથમાં હાથ નાખી તેની સાથે વોક કરી રહેલી રવિનાએ કહ્યું, રાજ, મને એક એવો સવાલ થાય છે કે શું કરું? પહેલાં તો તને પૂછી જોઉં કે તારો ઓપિનિયન શું છે?


 રવિરાજે ચાલ ધીમી કરી તેના હાથ પર હાથ ફેરવતાં કહ્યું, મારો શું ઓપિનિયન હશે તે તને ખબર જ હોય! આપણા એક મન છે એટલે કહું છું.

 એમ? તો તું જ કહે હું શું પૂછવા માગું છું? રવિનાએ જરા આંખ નચાવતાં નટખટ બનીને પૂછ્યું.

 70 વર્ષની વયે પણ હજી 50ની વયના જણાતાં સિમેટ્રિકલ શરીર સૌષ્ઠવ ધરાવતા રવિરાજે સ્મિત ફરકાવતાં ફરકાવતાં તેની સામે જોઈને કહ્યું, એ જ કે પ્રેમ બીજીવાર થઈ શકે કે નહીં? આપણને બીજી વ્યક્તિ પ્રત્યે પ્રેમની લાગણી થઈ શકે ખરી?

 ઓહ માય ગોડ! રવિરાજ, તારી આ જ બુદ્ધિપ્રતિભા પર તો હું તારા પર મરું છું. તેં મારા મનની જ વાત કહી દીધી. હું તને આ પ્રશ્ન જ પૂછવા માંગતી હતી. ગાર્ડનમાં હીંચકા પર બેસીને રવિનાને પોતાની બાજુમાં બેસાડી તેના ખભા પર હાથ મૂકી રવિરાજે હળવાશથી કહ્યું, રવિના, તું બિનફેરે મારી ત્રીજી પત્ની છે! પહેલી બેમાંથી પ્રથમ નીનાને મારા પ્રત્યે ખૂબ પ્રેમ હતો, પરંતુ તે હતી એક્ટ્રેસ. એને મેં બધી છૂટ આપી હતી. છતાં તે સંતાનના મુદ્દે મતભેદ થતાં અલગ થઈને જીવી રહી છે. એ સમયગાળામાં જ મારી પોતાની નવી સેક્રેટરી મિલી મને ગમી ગઈ. મેં જ એને પ્રપોઝ કરતાં એ ખુશીથી ઝૂમી ઊઠી. એને ફરવાનો બહુ શોખ હતો. અમે દેશવિદેશમાં એટલું બધું ફર્યાં કે છેવટે થાકી ગયાં, પરંતુ અમને સંતાનસુખ પ્રાપ્ત ન થતાં મેં આઈવીએફની વાત કરી તો તે માની નહીં. એ અચાનક જ મારી સાથે નાની નાની બાબતમાં ઝઘડવા માંડી. હું બહુ મોટી કંપનીનો માલિક-ચેરમેન હોવાથી બહાર જવાનું થતું હોવાથી તેને સાથે લઈ જતો, પરંતુ તેણે આવવાનું બંધ કરી દેતાં મેં તેને નજીક બેસાડી કહ્યું, મિલી, તારું દિલ ભરાઈ ગયું છે. મને તારા પ્રત્યે પ્રેમ છે એટલે તારી સાથે બીજા પતિઓ જેમ નહીં વર્તું. હું તને રાજીખુશીથી મારાથી જુદી થવા છૂટ આપું છું અને તને મારી પ્રોપર્ટીમાંથી સારો એવો હિસ્સો આપીશ કે જેથી જિંદગીભર એશોઆરામથી જીવી શકીશ. તારી આ ઈચ્છા તેં મારી સાથે મેરેજ કર્યા ત્યારથી જ હું જાણું છું. હું પ્રેમભૂખ્યો હોવાથી મેં તારી આ મહેચ્છાને ગણકારી નથી, કારણ કે તને મારા પ્રત્યે લાગણી તો છે જ. સંતાનનો મુદ્દો મારી નબળાઈ હોય એવું પણ નથી, પણ તારા માટે છે જ.

 આખરે એ અલગ થઈને એકલી એક બાળકીને દત્તક લઈને આરામથી જીવે છે. તને આશ્ચર્ય થશે કે મેં તે બંને સાથે ખરેખર મેરેજ કર્યા ન હતા. એ લિવ ઈન રિલેશનશિપ લાઈફ હતી. છતાં મેં તે બંનેને જોઈએ તે આપ્યું. તારી સાથે પણ મેં મેરેજ નથી કર્યા. આપણે એમ જ પતિ-પત્ની જેમ રહેવા માંડ્યાં એનું કારણ તારો લવ છે. તું મારાથી અડધી વયની છે. ઘણા તો કહેતા હશે કે આ કેવો માણસ છે કે પોતાની પુત્રીની વયની યુવતીને પત્ની બનાવી છે. તેઓને પ્રેમ અને વાસના એક જ લાગતા હોવાથી એવું વિચારતા હોય. મને કોઈ શું વિચારે છે તેની સાથે કંઈ લેવાદેવા નથી. તું અને હું સરકારની કંપનીના સિમ્પોઝિયમ, બિઝનેસ ટૂર વગેરેમાં મળ્યાં હતાં. તને મારા પ્રત્યે આકર્ષણ થયું અને તું મને બિઝનેસની વિવિધ બાબતો અંગે જાણકારી મેળવવાના બહાને મળતી રહી. મોટા મોટા ઉદ્યોગપતિઓ એક્સપર્ટ્સ પણ મારા જ્ઞાનથી પ્રભાવિત છે. મારી પ્રતિભાએ તને મને પ્રેમ કરવા પ્રેરી એમ કહી શકાય. આપણે લગભગ બાર વર્ષથી સાથે છીએ. તું એટલી બધી સુંદર નથી, પણ એટલી સોહામણી છે કે હું તારો દીવાનો બની ગયો. તારો નિર્દોષ સ્વભાવ તારી મોટી મૂડી છે. તું ખરેખર મને ગમે છે, તને પ્રેમ કરું છું એટલે જ ઈચ્છું છું કે તું મુક્ત બની જીવ. મારે તારા પર કોઈ બંધન નથી નાંખવું. પતિ તરીકેના ખોટા અધિકારો નથી જોઈતા. હું ઈચ્છું તેમ નહીં, પણ તું ઈચ્છે તેમ જીવ! બાય ધ વે તને એક વાત સ્પષ્ટ કરી દઉં કે આ 70 વર્ષની વયે પણ હું પિતા બની શકવા સમર્થ છું, પરંતુ હું પ્રથમ બંને પત્નીઓ કે તારા પર પણ એ બોઝ નાંખવા માગતો નથી. ત્રણેને મેં પૂરતું સેક્સસુખ આપ્યું છે. હકીકતમાં મિલીમાં જ ખોટ હતી. તે પોતે એ જાણતી હતી. એને મુક્ત જીવન જીવવું હતું. તેણે બાદમાં દત્તક પુત્રી કેમ લીધી? બીજા કોઈને પરણીને માતા બની શકી હોત! તને પણ હું માતા બનાવી શકું એમ છું, પણ તારી અને મારી વયનો ફરક જોઈ મને ખ્યાલ હતો જ કે એક સમય એવો આવશે જ કે જ્યારે મારી રવિનાને કોઈ બીજા પુરુષ પ્રત્યે પણ લાગણી-પ્રેમ થશે અને તે જો તેની સાથે જવા ઈચ્છશે તો પોતે ના પાડવાનો નથી, તો બાળકનું શું? રવિના, આ મારી જિંદગી તારી પાસે ખુલ્લી કિતાબ જેવી તને દર્શાવી દીધી છે. તું બીજા પુરુષને પ્રેમ કરી શકે છે, મને છોડી શકે છે. તને જોઈએ તે બધું ખુશીથી આપવા હું તૈયાર છું. હું બીજી યુવતીઓને પ્રેમ કરી શક્યો હોઉં તો તું પણ કરી જ શકે! આ તો માનવ મનનું રહસ્ય છે. બંધ આંખે આ બધું બોલી રહેલા રવિરાજે આંખ ખોલી જોયું તો રવિનાની આંખમાંથી દડ દડ આંસુ વહી રહ્યાં હતાં. તેણે તેની છાતી પર માથું મૂકી કહ્યું, રાજ, હું તો તારી પરીક્ષા કરી રહી હતી. તું ખરેખર અજબ ગજબ માણસ છે. તને પ્રેમ કરવો, તારો પ્રેમ મેળવવો એ સદ્ભાગ્ય છે. હું તને છોડીને આ જિંદગીમાં તો નહીં, પણ સાત ભવમાં પણ નહીં જાઉં.


  • Follow us on: