ત્રણ મહિના વીતવા છતાં કલ્પનો કોઈ અત્તોપત્તો ના લાગતા મુસ્કાન મૂંઝાઈ ગઈ. “હવે કલ્પ નથી તો શું થયું? હું છું ને? આપણે મિત્રો છીએ જ એટલે કોઈ સવાલ નથી,” એમ કહેનારા કુશાનની વાત માની લેવામાં જ સાર હોવાનું લાગ્યું. એને સૌથી મોટી સમસ્યા હતી તેના પેટમાં પોષાઈ રહેલા કલ્પના અંશની! એને એક સમયે તો એબોર્શન કરાવી લેવાનો વિચાર આવ્યો હતો, પરંતુ હવે કલ્પ નથી તો તેની યાદને સાચવીને જીવી જવાશે એમ મનને મનાવી એણે એ વિચારને મનમાંથી કાઢી નાખ્યો હતો. પરંતુ કુશાનને કહેવું કે નહીં? એ પ્રશ્ન સતાવી રહ્યો હતો.

કોલેજમાં કલ્પનો એ ખાસ મિત્ર હોવાથી તેનો પણ મિત્ર હતો. એ તેની પાછળ પાગલ હતો. એ તેને પોતાના તરફ વાળવા સતત પ્રયાસો કરતો રહેતો. રિચ ફેમિલીનો હોવાથી છૂટથી નાણાં વાપરતો અને નાની-મોટી પાર્ટીઓ યોજતો. તેના અને કલ્પના બર્થડે હોય ત્યારે એ પોતે પાર્ટી આપતો અને સાથે ગિફ્ટ તો હોય જ! ભારે વાતોડિયો હોવાથી એને મોઢામોઢ કહેવું પડતું કે હવે જરા મૂંગો રહે! એને ખરાબ લાગતું જ નહીં. કલ્પ આવ્યો ના હોય ત્યારે એ જાણે એનો લવર હોય એમ જ વર્તતો. ફ્રેન્ડ સર્કલમાં પણ એને મારી સાથે લવ અફેર હોવાની વાતો ચલાવતો. એકવાર તો તેની હાજરીમાં જ કલ્પે તેને ખખડાવીને કહ્યું હતું કે, "આ રહી મુસ્કાન, એને જ પૂછી જો એ તને પ્રેમ કરે છે ખરી? જો કરતી હોય તો હું એને છોડી દઈશ, પણ ના હોય તો હવે બહાર એવી વાતો ના ચલાવતો. આપણે મિત્રો છીએ એ ના ભૂલતો.” બસ, ત્યારથી એ જાહેરમાં અન્ય ગ્રૂપોમાં ક્યારેય તેની લવ હોવાની ડંફાસ ના મારતો, પરંતુ તેને ઇમ્પ્રેસ કરવાની કોઈ તક ના ચૂકતો. તેને હેલ્પફૂલ થવાનો પ્રયાસ કરતો. એ કલ્પનો ખૂબ ખ્યાલ રાખતો અને તેને બહુ માન આપતો.

ગ્રેજ્યુએશનના લાસ્ટ યરની પરીક્ષા બાદ તેઓનું આખું ફ્રેન્ડ સર્કલ ઉત્તર ભારતના પ્રવાસે ગયું હતું. તેઓએ અનેક સ્થળોએ ફરીને આનંદ માણ્યો હતો. એ પ્રવાસ દરમિયાન જ તે અને કલ્પે એક રાતે સંયમની બધી પાળો તોડી જાણે સુહાગરાત હોય એમ સેક્સ માણ્યું હતું. બંનેએ મેરેજ કરવાનો નિર્ણય કર્યો હોવાથી ચિંતા ન હતી. એ પ્રવાસ તેમના માટે હનીમૂન ટૂર બની રહ્યો, પરંતુ પ્રવાસના છેલ્લા દિવસે બધા રાતે ગંગાજીની આરતીમાં ગયા હતા, તે રાતે કેટલાક મિત્રોને શું સૂઝ્યું કે ગર્લ્સને ઉતારા પર મૂકીને નદી તટે ફરવા નીકળ્યા. એ દરમિયાન કલ્પ શરીર પર ગંગાજળ છાંટવા નદીમાં ખોબામાં પાણી ભરવા ગયો એવો જ પાણીમાં ગરક થઈ ગયો. બધાએ ભારે હોહા કરી ત્યાંના તંત્રને જાણ કરી અને તરવૈયાઓએ તે સ્થળે અને આસપાસ શોધવા ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ ક્યાંય પતો લાગ્યો નહીં. એ સમયે નદીમાં ઉપરવાસમાં વરસાદને કારણે પાણી પણ ખૂબ હતું.

કુશાન અને અન્ય મિત્રોએ આવીને રડતાં-રડતાં તેને વાત કરતા તે લગભગ બેહોશ જ થઈ ગઈ હતી. બાદમાં ભાનમાં આવ્યા પછી ખૂબ રડી. બધાએ તેને આશ્વાસન આપવા પ્રયાસ કર્યો હતો.

 સવારે બધા જ ગંગા તટે ગયા અને ફરી શોધખોળ કરી, પણ તેનો કોઈ અર્થ ન હતો. આસપાસ પણ શોધખોળ કરી અને નદી તટના અન્ય વિસ્તારોમાં જાણ કરી કે ક્યાંય મૃતદેહ મળે તો તે લેવા જવાય, પરંતુ વધુ ત્રણેક દિવસ રોકાવા છતાં તે ના જ મળ્યો. આખરે ભારે હૃદયે બધા પરત ફર્યા.

તે દિવસથી કુશાન મુસ્કાનના ઘરે જઈને તેને સાંત્વના આપતો. શરૂઆતમાં મુસ્કાન તેને જરાય આવકારતી નહીં, પરંતુ તેઓ હરિદ્વારમાં અધિકારીઓના ફોન નંબર મેળવી દરરોજ તેઓને મૃતદેહ અંગે પૂછપરછ કરતા રહેતા. દરમિયાન મુસ્કાનને પોતે સગર્ભા હોવાનો ખ્યાલ આવતા મૂંઝાઈ ગઈ. શરૂઆત જ હોવાથી એબોર્શનનો વિચાર ચાલ્યો, પણ મન ના માન્યું. એના કલ્પની યાદગીરી તરીકે તેણે બાળકને જન્મ આપવા વિચાર કરી લીધો હતો, એટલે તેણે કુશાનને જ સહાય કરવા વિચાર્યું અને એક દિવસ તેને બાજુમાં બેસાડી કહ્યું, "કુશાન, તું મને લવ કરે છે તે વાત હું જાણું જ છું. અત્યાર સુધી કલ્પ હતો એટલે કોઈ સવાલ જ ન હતો, પરંતુ હવે...” એટલું બોલતા જ તે ધ્રુસ્કે ચઢી.

કુશાને તેને આશ્વાસન આપતાં કહ્યું, "મુસ્કાન, તારી ઇચ્છા હોય તો હું મેરેજ કરવા તૈયાર છું.” "હા, પણ મારા પેટમાં કલ્પનો અંશ પાંગરી રહ્યો છે. એ મારા પ્રેમની નિશાની હોવાથી હું એને છોડવા નથી માંગતી. હું એને જન્મ આપવા ઇચ્છું છું એટલે તારી સાથે મેરેજ કરું તો એ શક્ય ના બને.” એટલું કહી એ ફરી રડવા માંડતા કુશાને તેની પીઠ મસલતા કહ્યું, "મુસ્કાન, કલ્પ મારો તો ખાસ મિત્ર હતો એટલે મને કોઈ વાંધો નથી. આપણે બંને સાથે મળીને એનું જતન કરીશું... બસ!” કુશાનના એ શબ્દો સાંભળતા જ મુસ્કાને એને પોતાના બાહુપાશમાં સમાવી લીધો. પછી થોડા દિવસમાં જ બંનેએ કોર્ટમાં લવમેરેજ નોંધાવી દીધા! બંનેના પરિવારોને કોઈ વાંધો ન હોવાથી બધા જ ખુશખુશાલ હતા. કુશાને રાતે સુહાગરાતની વાત કરતા મુસ્કાને તેને હરિદ્વાર જઈને કલ્પની યાદમાં હનીમૂન મનાવવાનો આઇડિયા આપ્યો. કલ્પે (કુશાને) આનંદ વ્યક્ત કરી હા પાડતા બંને ટ્રેન મારફત હરિદ્વાર પહોંચ્યા અને જે હોટલમાં તેઓ અગાઉ રહ્યા હતા ત્યાં જ ઉતર્યા.

તે રાતે ખૂબ ઉત્તેજિત થયેલા કુશાને મુસ્કાનને બાહુપાશમાં લેતા કહ્યું,"આજે મારી ઇચ્છા પૂરી થશે. આ માટે તો મેં કલ્પને ગંગાના ધસમસતા પ્રવાહમાં ધકેલી દીધો હતો!”

તેના એ શબ્દો સાંભળતા જ મુસ્કાન ચોંકી ઊઠી, પરંતુ એણે પોતાની જાતને કાબૂમાં રાખી કહ્યું, "શું વાત કરે છે કુશાન? તને મારા પ્રત્યે એટલો બધો લવ હશે એની મને ખબર જ ન હતી. નહીં તો હું જ કલ્પને છોડી તારી પાસે આવી ગઈ હોત. તું મને અત્યારે જ એ જગ્યા બતાવ. તે દિવસે પણ રાત હતી અને સમય પણ આ જ હશે.”

કુશાને શરૂઆતમાં ના પાડતા મુસ્કાને તો હનીમૂન નહીં મનાવું એવું કહેતા એ માની ગયો. ગંગા તટે એ જ ઘાટ પાસે બંને ગયા. પછી મુસ્કાને પાણીમાં પગ બોળવા કહેતા કુશાન તેનો હાથ પકડીને નીચે લઈ ગયો અને ત્યાંથી નજીકની એક જગ્યાએ લઈ જઈ બોલ્યો, "અહીંથી મેં કલ્પને ધક્કો મારી દીધો હતો.”

એના શબ્દો પૂરા થતાં જ મુસ્કાને એને જોરથી ધક્કો મારતા એ નદીમાં ગબડ્યો અને ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો! મુસ્કાને ગંગાજળ ખોબામાં લઈ કહ્યું, "કલ્પ, આ છે તને મારી અંજલિ. હવે હું એકલી તારા અંશનું જતન કરીને પાળીશ. તારો બદલો મેં લીધો એનો મને સંતોષ છે.”

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો