દિવાળી એટલે પ્રકાશ, આનંદ અને ઉત્સાહનો તહેવાર. આ તહેવાર દરમિયાન ઘરની સજાવટથી લઈને કપડાંની પસંદગી સુધી દરેક બાબતમાં રંગો પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. મહિલાઓ દિવાળી માટે આઉટફિટ પસંદ કરતી વખતે રંગોની પસંદગી પર ખાસ ધ્યાન આપે છે. રંગોની યોગ્ય પસંદગી પરંપરાગત પોશાકને પણ આધુનિક અને આકર્ષક લુક આપી શકે છે. સાડી, અનારકલી, શરારા, સ્કર્ટ-ટોપ કે ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં રંગોની પસંદગી આખા દેખાવને ખાસ
બનાવે છે.
મરૂન અને વાઇન રંગની ભવ્યતા
મરૂન અને વાઇન જેવા ઘેરા રંગો દિવાળીના ઉત્સવી વાતાવરણમાં સુંદર લાગે છે. આ રંગોમાં સિલ્કની સાડી, એમ્બ્રોઇડરીવાળો શરારા અથવા લાંબો કુર્તો પસંદ કરી શકાય. ગોલ્ડન ઝરીવર્ક અને કોન્ટ્રાસ્ટ દુપટ્ટા સાથે આ રંગોનો દેખાવ વધુ આકર્ષક બને છે.
ગ્રીન અને ગોલ્ડનનો રોયલ લુક
દિવાળીના આઉટફિટમાં ગ્રીન અને ગોલ્ડન રંગનું કોમ્બિનેશન હંમેશાં આકર્ષક લાગે છે. એમરલ્ડ ગ્રીન સાડી, ગોલ્ડન બોર્ડરવાળો અનારકલી સૂટ અથવા ગ્રીન ઇન્ડો-વેસ્ટર્ન સેટ સાથે ગોલ્ડન ઘરેણાં પહેરી શકાય. આ કોમ્બિનેશન પરંપરાગત હોવા છતાં શાહી અંદાજ આપે છે. ટીન એજર અને કોલેજ ગોઇંગ યુવતીઓ ગ્રીનના લાઇટ શેડ્સ પહેરવાનું પસંદ કરે છે, જેમકે પિસ્તા ગ્રીન વગેરે.
ક્રીમ, બેજ અને ગોલ્ડ
જે મહિલાઓને સિમ્પલ અને એલિગન્ટ લુક પસંદ હોય તેમના માટે ક્રીમ, બેજ અને ગોલ્ડ સારા વિકલ્પ છે. આ રંગોમાં કો-ઓર્ડ સેટ, ઓર્ગેન્ઝા સાડી કે ફ્યુઝન આઉટફિટ પસંદ કરી શકાય. મિનિમલ જ્વેલરી સાથે આ રંગો સુંદર લાગે છે.
પિંક અને મેજેન્ટાનો રંગીન અંદાજ
પિંક અને મેજેન્ટા રંગો ઉત્સાહભર્યો અને ફ્રેશ લુક આપે છે. મેજેન્ટા શરારા, પિંક અનારકલી કે ફ્લોરલ સ્કર્ટ-ટોપ દિવાળી પાર્ટી માટે યોગ્ય પસંદગી બની શકે છે. પિંક અને મેજેન્ટા રંગો દરેક વ્યક્તિ ઉપર નિખરે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો