ભારતીય પરંપરાગત આહારમાં ગોળ અને ચણાનું મિશ્રણ સદીઓથી ઊર્જા અને પોષણનો સ્રોત રહ્યું છે. ખાસ કરીને શિયાળામાં અથવા સવારના નાસ્તા તરીકે આ બંને વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયી છે.
આયર્નનું પાવરહાઉસ
ગોળ એ આયર્નનો ઉત્તમ સ્રોત છે. જ્યારે તેની સાથે ચણા (ખાસ કરીને શેકેલા ચણા કે દાળિયા) ઉમેરવામાં આવે છે, ત્યારે આ મિશ્રણ શરીર માટે એક શક્તિશાળી ટોનિક બની જાય છે. આયર્ન લાલ રક્તકણોના ઉત્પાદનમાં મદદ કરે છે, જે એનીમિયાને દૂર કરવામાં અસરકારક છે. આયર્ન શરીરમાં ઓક્સિજનના પરિવહન માટે જરૂરી છે, જેનાથી થાક દૂર થાય છે અને દિવસભર ઊર્જા જળવાઈ રહે છે.
પાચનતંત્ર માટે લાભદાયક
ગોળ કુદરતી રીતે પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. ભોજન પછી થોડો ગોળ ખાવાથી પાચક ઉત્સેચકો ઉત્તેજિત થાય છે, જે ખોરાકના પાચનમાં ઝડપ લાવે છે. ચણામાં ભરપૂર માત્રામાં ડાયેટરી ફાઇબર હોય છે, જે આંતરડાંની ગતિને નિયમિત રાખે છે અને કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
પ્રોટીન અને સ્નાયુની મજબૂતી
ચણા પ્રોટીનનો ઉત્તમ વનસ્પતિ આધારિત સ્રોત છે. પ્રોટીન શરીરના કોષો, સ્નાયુઓના નિર્માણ અને સમારકામ માટે અનિવાર્ય છે. ગોળ-ચણાનું સેવન વર્કઆઉટ પછી અથવા બાળકોના વિકાસ માટે ખૂબ ફાયદાકારક છે. ચણા અને ગોળ પ્રોટીન અને ફાઇબરનું મિશ્રણ છે. તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેનાથી વારંવાર નાસ્તો કરવાની આદત ઘટે છે અને વજન નિયંત્રણમાં મદદ મળે છે.
અન્ય સ્વાસ્થ્ય લાભો
ચણામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવી ખનિજો હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. ગોળમાં રહેલી ખનિજો શરીરને કુદરતી રીતે શુદ્ધ કરવામાં મદદ કરે છે એટલે ડિટોક્સિફિકેશન કરવાનું કામ કરે છે. ગોળમાં એન્ટિઑક્સિડન્ટો અને ખનિજો (ઝિંક અને સેલેનિયમ) રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે, જેથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.










