હા, ખરેખર, પણ તું પ્રોફેસર બની ગયો અને હું હજી લેક્ચરર જ છું. તેં છોકરીઓને ટીકીને ટીકીને જોતાં જોતાં સારી પ્રગતિ કરી. બાય ધ વે, તને જોઈને મને બહુ જ ખુશી થઈ છે.. અહીં કોઈક મારું તો છે એવી લાગણી થાય છે! પલ્લવીએ કહ્યું.
એ તો નિયમ મુજબ પ્રોફેસર બન્યો, તું પણ બની જઈશ. કામ તો સરખું જ છે. સ્ટુડન્ટ્સને ભણાવવાનું. પલ્લવ પ્રધાને કહ્યું.
પલ્લવ, અહીં સ્ટાફ રૂમમાં ચા-કોફી સર્વ થાય છે ખરી? મારી બહુ જ ઇચ્છા છે. પલ્લવીએ ઊભા થઈને જગમાંથી પાણી લઈને પીતાં પીતાં કહ્યું.
ઓહ! શું વાત છે? મારી જેમ તનેય ચાની આદત લાગે છે. હમણાં જ મંગાવી લઉં. કહી પ્રો. પલ્લવે બેલ મારતાં પ્યૂન આવતાં તેણે આખા સ્ટાફ માટે ચા-કોફીનો ઓર્ડર કરવા કહ્યું.
હા યાર, મને તો ઘરે પણ બહુવાર ચા પીવા જોઇએ એટલે સામટી બનાવી રાખું અને ગરમ કરીને પીધા કરું. પલ્લવીએ કહ્યું.
થોડીવારમાં ચા આવતાં તે પીને પલ્લવી રાજ પિરિયડ લેવા ગઈ. પ્રો. પલ્લવ પ્રધાનને આજે બહુ ઓછા પિરિયડ હતા. એ સંસ્કૃતનો પ્રોફેસર હતો. તે કવિ કાલિદાસનું કુમારસંભવ વાંચવા માંડ્યો અને વિદ્યાર્થીઓને કઈ રીતે સમજાવવું તે વિચારવા માંડ્યો. દર વખતે એ વિદ્યાર્થીઓને સમજવું સરળ પડે તે રીતે તૈયારી કરતો. પિરિયડ પૂરો થતાં પલ્લવી આવીને બોલી, સ્ટુડન્ટ્સ બહુ સારા છે. કોઈ છોકરા-છોકરીઓ સામે તાકી તાકીને જોતાં નથી! કહી ખડખડાટ હસી પડી.
એ પલ્લવી, મને ટોણા ન માર. જો હવે આપણે જરા ઊંચી પોઝિશન પર છીએ, પણ તારે સાંભળવું હોય તો કહું છું સાંભળ. હજી હું તને તાકી તાકીને જ જોઈશ. જાણે મેં કંઈ ગુનો કર્યો હોય એ રીતે તેં મને જે રીતે ખખડાવ્યો હતો તે હું હજી નથી ભૂલ્યો.
ઓહ! તને હજી યાદ છે કહેતાં પલ્લવીને તેનો ક્લાસરૂમ યાદ આવ્યો! આ પલ્લવ છોકરો તેની સામે વારંવાર જોયા કરતો. એની નજર ટકરાતી એટલે બીજે જોવા માંડ્યો. આવું રોજ થતાં એણે એક દિવસ એને ટપારતાં કહ્યું હતું કે, આમ આંખો ફાડી ફાડીને શું જોયા કરે છે? જરા સ્ટડીમાં ધ્યાન આપ.
પલ્લવે સોરી સોરી કહી કહ્યું હતું, હું તો આમ જ આમતેમ જોતો હતો. હું બધું સમજું છું સમજ્યો. કહી પોતે જતી રહી હતી, પરંતુ એને પલ્લવ ખૂબ ગમવા માંડ્યો હતો. એ પલ્લવને જોયા કરતી, પરંતુ તેણે તેને ખખડાવ્યો પછી એણે કદી તેના તરફ જોયું ન હતું. ત્યારબાદ છેક આજે તે બંને મળી રહ્યાં હતાં, પરંતુ કેવી આત્મીયતાથી એણે પલ્લવ સામે જોઈ કહ્યું, પલ્લવ, ત્યારબાદ તેં કેમ મારી સામે જોવાનું બંધ કરી દીધું હતું.
પલ્લવી, ખરું કહું તો તારા એ શબ્દોથી મને બહુ લાગી આવ્યું હતું. તેં ક્યાં ખોટું કહ્યું હતું? મારે સ્ટડીમાં જ ધ્યાન આપવું જોઈએને એટલે મેં ત્યારથી આ જ સુધી કોઈ યુવતીને ટીકી ટીકીને જોઈ નથી, પણ તને તો જોઈશ જ કહેતાં એ હસી પડ્યો.
અરે વાહ! એ તો મને બહુ ગમશે. પલ્લવીએ સ્મિત સાથે કહ્યું. થોડા દિવસમાં તો બંને ફ્રેન્ડ બની ગયાં. ખૂબ વાતો કરતાં! પલ્લવીએ એકવાર પલ્લવને પૂછ્યું કે તું કેમ પરણ્યો નથી? તો એણે કહ્યું કે, કોણ જાણે પણ મને પરણવાની ઈચ્છા જ થતી નથી, પણ તું તો પરણેલી છેને? પલ્લવે ઉત્સુકતાથી પૂછ્યું.
હા, પણ ડિવોર્સી છું. એક પુત્રી છે. એના સહારે જીવું છું. પલ્લવીએ ઉદાસ ચહેરે કહ્યું.
ઓહ માય ગોડ! કેમ ડિવોર્સ થઈ ગયા? પલ્લવે પૂછ્યું.
મેં જ ડિવોર્સ લીધા. એ બીજી યુવતીઓમાં રસ લેતો હતો એટલે.
સરસ, પણ બીજાં લગ્ન કરી લેતી. પુત્રીને પણ પિતા મળી જાત. પલ્લવે કહ્યું.
એ બરાબર ન સાચવે તો? એટલે વિચારતી નથી. પલ્લવીએ આશંકા દર્શાવી.
પલ્લવી, તને વાંધો ન હોય તો હું તને તારી પુત્રી સાથે સ્વીકારવા તૈયાર છું. આપણે મેરેજ કરીએ તો કેવું? પલ્લવે કહ્યું. સારું, વિચારીને કહીશ. પલ્લવીએ કહેતાં પલ્લવને થયું કે કદાચ ના પાડે તો? પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે એણે હા પાડી અને બંનેએ આર્ય સમાજની વિધિથી મેરેજ કરવા નક્કી કર્યું. બંનેએ સ્ટાફને અને થોડા સગાંસંબંધીને આમંત્રણ આપ્યું હતું. છેલ્લે દિવસે મંડપમાં પલ્લવે પલ્લવીને કહ્યું, તારી પુત્રી કેમ દેખાતી નથી? મારી ઓળખાણ કરાવ.
એ નથી આવી. રાતે આવશે. પલ્લવીએ કહ્યું.
આનંદોલ્લાસ સાથે સાદાઈથી મેરેજ થઈ ગયા અને રાત પડતાં જ પલ્લવે પલ્લવીને પૂછ્યું, તારી પુત્રી હજી ન આવી.
એ નવ મહિના પછી આવશે, કહી પલ્લવી ખડખડાટ હસતાં બોલી, પલ્લવ, મેં તો તને ખોટું ખોટું કહ્યું હતું. તું મને કેટલો પ્રેમ કરે છે તે જોવું હતું. પલ્લવે પલ્લવીને જોરથી આલિંગનમાં લેતાં કહ્યું, યુ ચીટ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો