સાંજના આશરે સાતેક વાગ્યાનો સમય હતો. દરિયાકિનારે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. સૂરજ આથમી ચૂક્યો હતો અને આકાશમાં ધીમે ધીમે અંધારું ઘેરાઈ રહ્યું હતું.નિસર્ગ દરિયાની ભીની રેતી પર બેઠો હતો. તેનું ધ્યાન મોબાઈલની સ્ક્રીન પર હતું. તે પોતાની ગેલેરીમાં સચવાયેલા જૂના ફોટા એક પછી એક જોતો હતો. એ ફોટાઓમાં સ્તુતિ સાથે વિતાવેલી મીઠી પળો, પરિવાર સાથેના હસતા ચહેરા અને મિત્રો સાથેની મસ્તી કેદ હતી. એક ફોટો આવતાં જ નિસર્ગની આંગળીઓ અટકી ગઈ. એમાં સ્તુતિ તેની સામે જોઈને ખિલખિલાટ હસી રહી હતી.   

ફોટો જોતાં જ નિસર્ગના ચહેરા પર ક્ષણભર હળવું સ્મિત આવ્યું, પણ બીજી જ ક્ષણે એ સ્મિત ઓસરી ગયું. તેની આંખોમાં ખુશી અને ઉદાસી એકસાથે ઝલકી ઊઠ્યાં. એક તરફ ભૂતકાળની મીઠી યાદો હતી, તો બીજી તરફ એ કડવી વાસ્તવિકતા કે હવે એ બધી ક્ષણો માત્ર એક નાનકડી સ્ક્રીન પૂરતી સીમિત રહી ગઈ હતી. એ જ સમયે નિસર્ગનો ફોન વાગ્યો. સ્ક્રીન પર તેની જૂની અને ખાસ દોસ્ત પૂનમનું નામ ચમક્યું.   

 નિસર્ગે ઊંડો શ્વાસ લઈને ફોન ઉપાડ્યો.   

 ‘હા પૂનમ, બોલ ને...’ તેના અવાજમાં રહેલો ભાર અને થાક પૂનમથી છુપાયો નહીં. તેણે સીધું જ પૂછ્યું: ‘ક્યાં સુધી તું સ્તુતિની યાદોમાં આમને આમ ઘૂંટાતો રહીશ, નિસર્ગ? ક્યાં સુધી આ જૂના ફોટા જોઈ જોઈને પોતાની જાતને તકલીફ આપતો રહીશ?’   

નિસર્ગ ધીમા અવાજે કહ્યું: ‘પૂનમ, આ જૂના ફોટા છે ને... એ ભૂતકાળમાં જવાનો એક રસ્તો છે. આ એ દિવસો છે જ્યારે સંબંધોમાં કોઈ ગણતરીઓ નહોતી, હૃદય સાવ નિર્દોષ હતાં. પૂનમે ઊંડો શ્વાસ લીધો અને સમજાવતાં કહ્યું: ‘હું તારી વાત સમજું છું, નિસર્ગ. પણ એ બધી વાતો હવે ભૂતકાળ બની ગઈ છે. સમય આગળ વધી ગયો છે, તો તું કેમ ત્યાં જ અટકી ગયો છે?’   

 નિસર્ગે રેતી પર આંગળીઓ ફેરવતાં જવાબ આપ્યો: ‘સમય તો વહી જ જાય છે, પૂનમ. એ કોઈના માટે નથી રોકાતો. પરિસ્થિતિઓ બદલાય, રસ્તા ફંટાય અને જિંદગી આગળ વધી જાય. આજે કદાચ એ ફોટામાં દેખાતી વ્યક્તિ આપણા જીવનમાં નથી, પણ એ ક્ષણોમાં જે સચ્ચાઈ હતી, એ હાસ્ય અને એ લાગણીઓ... એ આજે પણ ક્યાંક અંદર જીવતી લાગે છે.’ પૂનમે કાળજીભર્યા અવાજે કહ્યું: ‘પણ તારે એ પણ સ્વીકારવું પડશે ને, નિસર્ગ, કે સ્તુતિ હવે પોતાની જિંદગીમાં આગળ વધી ગઈ છે. જ્યારે હવે એ સંબંધ જ નથી રહ્યો, તો તું શું કામ પોતાની જાતને આટલી તકલીફ આપે છે?’ તેણે શાંત અવાજે જવાબ આપ્યો: ‘સંબંધ કદાચ પૂરો થઈ ગયો હશે, પૂનમ, પણ એ સમયે જે લાગણીઓ હતી એ તો સાચી હતી ને?’ પૂનમ ફોન પર ચૂપ થઈ ગઈ. તેને સમજાઈ ગયું કે અત્યારે નિસર્ગને કોઈ ઉપદેશ આપવાનો અર્થ નહોતો. પૂનમે ધીમેથી કહ્યું: ‘સાચવજે પોતાને, નિસર્ગ... અને ફોન કપાઈ ગયો.   

કૉલ પૂરો થયા પછી પણ નિસર્ગ ત્યાં જ બેઠો રહ્યો. સ્ક્રીન પર હજી પણ એ જ જૂનો ફોટો ખુલ્લો હતો. થોડી વારમાં સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી થઈ અને ઓટો-લૉક થતાં જ ડિસ્પ્લે સાવ કાળી થઈ ગઈ.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો