રાતના ત્રણ વાગ્યા હતા. રસ્તા પર કોઈ દેખાતું નહોતું, બસ પેલા જૂના સોડાના ગલ્લા પાસે એક નાની ચાની કીટલી ચાલુ હતી, જ્યાંથી હજી કોલસાની ગરમી છૂટી રહી હતી. નિર્ભય ત્યાં જઈને બેઠો અને એક ગરમ ચાનો કપ હાથમાં લીધો. આ રાતના અંધારામાં નિર્ભય તો જાણે સાવ ભયભીત થઈ ગયો હોય એવું દેખાતું હતું.
એટલામાં બાજુના ઓટલા પર બેઠેલા એક આધેડ વયના કાકાએ, જે કદાચ ક્યારના એને જોઈ રહ્યા હતા, ધીમા અવાજે કહ્યું: `બેટા, આખી દુનિયાથી ભાગીને રાત્રે રસ્તા પર ચાલવું સહેલું છે, પણ પોતાના જ વિચારોનો સામનો કરવો સૌથી મોટો પડકાર છે. ક્યાં અટવાઈ ગયો છે?'
નિર્ભયથી રહેવાયું નહીં, તે બોલી જ પડ્યો: `કાકા, થાકી ગયો છું આ દોડધામથી. સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને બેંકનું દેવું માથે થઈ ગયું. હવે હું પરિવારને શું મોઢું બતાવીશ? આખી દુનિયા અને સગાંસંબંધીઓ શું કહેશે? બધાની નજરમાં હું ફેલ થઈ ગયો. કાકા, આ સમાજ અને લોકોના ડરે મને અંદરથી જીવતો જ મારી નાખ્યો છે.'
કાકાએ ચાની ચૂસકી લીધી. એક હળવું સ્મિત આપ્યું અને નિર્ભયના ખભા પર હાથ મૂકતાં બોલ્યા: `લોકોની ચિંતા છોડ દીકરા! લોકો તો સૂરજ સામેય આંગળી ચીંધે છે. તું દુનિયાને મોઢું બતાવવાની ચિંતા શા માટે કરે છે? આ દુનિયા તો એવી છે કે તું જીતીશ ત્યારે પણ બોલશે અને હારીશ ત્યારે પણ વાતો કરશે, પણ તું ભૂલી ગયો કે તારે બીજા કોઈને નહીં, રોજ સવારે આ અરીસામાં ઊભા રહીને ફક્ત તારી પોતાની જાતને જવાબ આપવાનો છે. લોકોના ડરથી જો તારાં સપનાંઓનો ભોગ આપીશ, તો તું દુનિયાથી નહીં પણ તારી પોતાની નજરમાંથી હંમેશાં માટે પડી જઈશ. હાર અને જીત તો રમતનો હિસ્સો છે, પણ રમત છોડીને ભાગી જવું એ કાયરતા છે. બેટા, તારું તો નામ જ નિર્ભય છે અને તું આવા તુચ્છ સમાજથી ડરે એમ થોડું ચાલતું હશે કંઇ? બસ, હવે તારે જાતે જ નક્કી કરવાનું છે કે તારે આ ડરરૂપી અંધારામાં ડૂબી જવું છે કે પછી લડીને સૂરજ બનીને ઊગવું છે.'
નિર્ભયે ઊંચી નજર કરીને પૂર્વ દિશા તરફ જોયું. આકાશમાં આછો-આછો ઊજળો પ્રકાશ દેખાવા લાગ્યો હતો. રાત પૂરી થવામાં હતી અને નવી સવાર શરૂ થવાની હતી.
નિર્ભયના મનનો બધો ભાર જાણે ગાયબ થઈ ગયો. તેના ચહેરા પર એક મક્કમ સ્મિત આવી ગયું. તેણે ઊભા થઈને પોતાનાં કપડાં સરખાં કર્યાં અને શિવરામભાઈના ચરણસ્પર્શ કર્યા.
શિવરામભાઈએ તેને ભેટીને માત્ર એક જ વાત કહી: `જા હવે, તારી જીતની રાહ જોવાય છે.' નિર્ભયે મનોમન નિશ્ચય કર્યો કે આ પરાજય તેના જીવનનું પૂર્ણવિરામ નહીં, પરંતુ તેના અસ્તિત્વનો સૌથી શક્તિશાળી પ્રારંભ બનશે અને આજ પછી તેની જિંદગીનો દરેક સૂર્યોદય દુનિયાને નહીં, પરંતુ પોતાની જાતને જીતવા માટે હશે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો