પોક્સો'નો કાયદો એટલે `ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ, ૨૦૧૨'. આ કાયદાને આપણે `જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ, ૨૦૧૨'તરીકે જાણીએ છીએ. ૨૦૧૨માં ભારતની કેન્દ્ર સરકારે જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો આ કાયદો ઘડ્યો, જે તારીખ ૧૪ નવેમ્બર, ૨૦૧૨ થી અમલમાં આવ્યો.  

આ કાયદામાં જાતીય સતામણી અને જાતીય હુમલાના બાળકો જોડે થતાં ગુનાઓને લગતી અનેક જોગવાઈઓને વિસ્તારપૂર્ણ આવરી લીધી છે. સૌ પહેલાં તો બાળકની વ્યાખ્યા આપી છે. આ કાયદા નીચે `બાળક' એટલે કોઈ પણ વ્યક્તિ જેણે ૧૮ વર્ષ પૂરાં કર્યાં ન હોય તે. `ઘરમાં સાથે રહેવું'નો અર્થ આ કાયદાએ એવો કર્યો છે કે ઘર એટલે એવું ઘર કે જેમાં આરોપી વ્યક્તિ બાળક સાથે ઘરેલુ સગપણમાં કોઈ પણ સમયે સાથે રહ્યો હોય અથવા રહેતો હોય. `જાતીય હુમલો' અને `જાતીય સતામણી' આ બંને ગુનાને આ કાયદાએ સાંકળી લીધા છે. `અશ્લીલ સાહિત્યના ઉદ્દેશ માટે બાળકોનો ઉપયોગ' જે કરવામાં આવે છે તેને પણ આ કાયદા નીચે ગુનો ગણવામાં આવ્યો છે. આ ત્રણેય ગુના કરનાર માટે સખત શિક્ષાની જોગવાઈ છે અને આ ત્રણેય ગુના આચરવામાં જે મદદકર્તા હોય તેની મદદગારી અંગે પણ શિક્ષાની જોગવાઈ છે. આ ગુનાઓ ક્યાં નોંધવા તે અંગે શું કાર્યવાહી થવી જોઈએ, ગુનામાં જે બાળક ઉપર જાતીય હુમલો કે જાતીય સતમાણી થઈ હોય તે બાળકનું મેજિસ્ટ્રેટ દ્વારા નિવેદન કેવી રીતે નોંધાવું જોઈએ, આવા બાળક કે બાળકીની તબીબી તપાસ કેવી રીતે થવી જોઈએ અને આવા કેસો કઈ વિશેષ અદાલતોમાં ચાલવા જોઈએ તે અંગે પણ આ કાયદામાં જોગવાઈ કરેલી છે.  

આ કાયદો બાળકોને જાતીય હુમલા, જાતીય સતામણી અને અશ્લીલ સાહિત્ય અંગેના ગુનાઓ સામે રક્ષણ આપવા માટે અને આવા ગુનાઓની ઈન્સાફી કાર્યવાહી ચલાવવા માટે બનાવાયો અને તેના માટે વિશિષ્ટ અદાલતો પણ પ્રસ્થાપિત કરાઈ. આ કાયદા નીચે ૧૮ વર્ષથી નીચેનાં બાળકો અને બાળકીઓને રક્ષણનો અધિકાર મળે તે માટે બંધારણે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા આપી છે. બાળકના અનુકૂળ વિકાસ માટે એ આવશ્યક બને છે કે તે અથવા તેણીના ગુપ્તતા અને અંગતતાના અધિકારને દરેક વ્યક્તિ દ્વારા દરેક ઉપાયો દ્વારા, ન્યાયિક પ્રક્રિયાના દરેક તબક્કે કે જેમાં બાળક સંલગ્ન હોય, તેને રક્ષણ અને આદર આપવાના રહેશે. બાળકની શારીરિક, ભાવનાત્મક, બૌદ્ધિક તંદુરસ્તી અને સામાજિક વિકાસની ખાતરી માટે, દરેક સ્તરે તેના સર્વોત્તમ હિત અને તેની સુખાકારી/સમૃદ્ધિ સંદર્ભે બાળકની સર્વોપરિતાને મહત્ત્વ આપતો આ કાયદો છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો