ગર્ભાધાન પરીક્ષણ પદ્ધતિના દુરુપયોગને નિયંત્રિત કરવા `ગર્ભ પરીક્ષણ કસોટી નિયમન અને તેનો દુરુપયોગ અટકાવવા માટેનો કાયદો 1994 આવ્યો. આ કાયદા પ્રમાણે બાળકના જન્મ પહેલાં લિંગ નક્કી કરવા (જાણવા) અંગે પ્રાવધાન કરવામાં આવેલ છે.

આ કાયદા નીચે `અલ્ટ્રાસાઉન્ડ ક્લિનિક', `જિનેટિક ક્લિનિક', `ઈમેજિંગ સેન્ટર'આ અધિનિયમ નીચેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહે છે. તેમને ત્યાં આવતી `સગર્ભા મહિલા'ને આ કાયદા વિશે સમજાવવાનું હોય છે અને તેની પાસે આ ગર્ભ નિરીક્ષણ કરતાં પહેલાં એ વ્યક્તિનો સંપૂર્ણ રેકોર્ડ નિયમાનુસાર રાખવાનો હોય છે અને સગર્ભા મહિલાની તપાસ શેના અંગે કરી છે તેનું પણ ડેક્લેરેશન કરવાનું હોય છે. કલમ-29 પ્રમાણે સગર્ભા મહિલા જે તપાસ માટે આવેલ હોય તેને લગતા તમામ રેકોર્ડ્સ, ફોર્મ્સ, રિપોર્ટ્સ, સંમતિપત્ર અને તમામ દસ્તાવેજો બે વર્ષ માટે જાળવવાના હોય છે. જો કોઈ ફોજદારી કે અન્ય કાર્યવાહી થઈ હોય તો આ તમામ દસ્તાવેજો તેવી કાર્યવાહીનો નિકાલ ન આવે ત્યાં સુધી જાળવવાના હોય છે.

સગર્ભા મહિલાએ જન્મ પહેલાં પરીક્ષણ કરાવતાં પહેલાં `સંમતિપત્ર' ભરવાનું હોય છે અને આ સંમતિપત્ર પણ ક્લિનિકે રેકોર્ડ તરીકે રાખવાનું હોય છે. જ્યારે આ કાયદા નીચે બનેલા નિયમોના અમલીકરણની સમિતિ કે સત્તામંડળ નિરીક્ષણ કરવા આવે ત્યારે આ બધો જ રેકોર્ડ જોઈને નક્કી કરે છે કે આ કાયદાનું ઉલ્લંઘન થયું નથીને. આ કાયદામાં એવું પણ પ્રાવધાન છે કે જો આનુવાંશિક સલાહકાર કેન્દ્ર એટલે કે જે ક્લિનિકમાં અલ્ટ્રા સાઉન્ડ દ્વારા ગર્ભ પરીક્ષણ થતું હોય તે ક્લિનિક જો કોઈ પણ નિયમનો ભંગ કરે તો તે ક્લિનિકની નોંધણી રદ થઈ શકે છે અને એ મશીન પણ કબજે કરી શકે છે. દરેક ક્લિનિકે પોતાના ક્લિનિકમાં તેને મળેલ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ત્યાં આવતી સગર્ભા મહિલા વાંચી શકે તેમ મૂકવાનું હોય છે. સગર્ભા મહિલાને પોતાને આ કાયદા થકી કોઈ પણ પરીક્ષણ કરાવવા માટે તે સંમતિ આપે તો જ થઈ શકે તેવો અધિકાર આપેલ છે. મહિલાની સંમતિ વગર અને સંમતિ પત્રમાં તેની સહી વગર ગર્ભ પરીક્ષણ તકનીકોનો ઉપયોગ કરી શકાતો નથી. એ વાત પણ એટલી જ અગત્યની છે કે તે ગર્ભમાંની જાતિ(લિંગ)ને જાણી શકતી નથી. આ કાયદાએ તેના પર પ્રતિબંધ મૂકેલ છે. આ કાયદો દરેક સગર્ભા મહિલા, સગર્ભા મહિલાના સગાંસંબંધીઓ, સ્ત્રીરોગ નિષ્ણાતો અને જિનેટિક, અલ્ટ્રાસાઉન્ડ, ઈમેજિંગ અને આનુવંશિક સેન્ટરો ચલાવતાં અને તેમાં કામ કરતા કર્મચારીઓએ ખાસ જાણવો જોઈએ અને તેનું ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી રાખવી જોઈએ.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો