પ્રશ્ન : મારી ઉંમર 19 વર્ષ છે. હું કોલેજ ગોઇંગ ગર્લ છું. મારી ત્વચા ઓઇલી છે. મારી ફ્રન્ડ્સ કહે છે કે ઓઇલી ત્વચા હોવાને કારણે મારે મોઇશ્ચરાઇઝર સ્કિપ કરી દેવું જોઇએ. તો મારે મોઇશ્ચરાઇઝર લગાવવું જોઇએ કે ન લગાવવું જોઇએ?
જવાબ : ઘણા લોકોમાં ખોટી એવી માન્યતા ઘર કરી ગઇ છે કે, ઓઇલી સ્કિન ધરાવનાર વ્યક્તિએ મોઇશ્ચરાઇઝર ન લગાવવું જોઇએ. એનાથી સ્કિન વધારે ઓઇલી થઇ જાય છે, પણ હકીકત એ છે કે જો તમે મોઇશ્ચરાઇઝર ન લગાવો તો તે ત્વચાને વધારે પ્રમાણમાં સીબમ બનાવે છે. એનું પરિણામ એ આવે છે કે ત્વચા વધારે ઓઇલી લાગે છે, તેથી મોઇશ્ચરાઇઝર સ્કિપ કરવાને બદલે કોઇ એવી પ્રોડક્ટનો ઉપયોગ કરો, જે ઓઇલી ન લાગે અને ત્વચાની નમી જળવાઇ રહે. અત્યારે બજારમાં સ્કિનને અનુરૂપ મોઇશ્ચરાઇઝર અને અન્ય બ્યૂટી પ્રોડક્ટ મળતી થઈ છે, તેથી સ્કિનને લગતી પ્રોડક્ટનો ઉપયોગ કરો. તેમ છતાં તમને એવું લાગે છે કે મોઇશ્ચરાઇઝર લગાવવાથી તમારી ત્વચા વધુ પડતી ઓઇલી લાગે છે, તો ત્વચાની નમી જળવાઇ રહે એવું સીરમ કે ટોનરનો પણ ઉપયોગ કરી શકો છો.
પ્રશ્ન : મારી ઉંમર 20 વર્ષ છે. મારા વાળ બહુ ઊતરે છે. મેં એવું સાંભળ્યું છે કે વારંવાર વાળ ઓળવાથી અથવા તો કાંસકાનો ઉપયોગ અયોગ્ય રીતે કરવાથી પણ વાળ ડેમજ થાય છે, તો વાળને ડેમેજ થતાં અટકાવવા માટે શું કરી શકાય? બીજું, તેલવાળા વાળમાં કાંસકો ન ફેરવવો જોઇએ એ વાત સાચી છે? મને યોગ્ય સલાહ આપશો.
જવાબ : ગંદો, તેલવાળો, વાળ ચોંટ્યા હોય એવા કાંસકાનો ઉપયોગ કરવાથી વાળને નુકસાન થાય છે, તેથી ગંદા કાંસકાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઇએ. કાંસકાને વીકમાં એક વખત વ્યવસ્થિત ધોઇને સાફ કરવો જોઇએ. હંમેશાં ચોખ્ખા કાંસકાથી વાળ ઓળવાનો આગ્રહ રાખો. વાળ ભીના હોય ત્યારે તૂટવાની શક્યતા વધારે હોય છે, તેથી ભીના વાળમાં તરત કાંસકો ફેરવવાને બદલે થોડા સુકાઇ જાય પછી મોટા દાંતાવાળા કાંસકાથી વાળ ઓળો. આખો દિવસ વાળ ઓળવાને બદલે દિવસમાં ફક્ત બે વખત વાળ ઓળો. વાળમાં તેલ લગાવ્યું હોય અને જરૂર લાગે તો એક વખત વાળ ઓળી લો. બાકી તેલ નાખ્યું હોય ત્યારે હેરમાં ફોલિકલ્સ બહુ નબળા હોય છે. આવી સ્થિતિમાં વાળ વધારે તૂટે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો