ફેશન યુગમાં યુવતીઓના વોર્ડરોબમાં `સિગાર પેન્ટ્સ' અત્યંત લોકપ્રિય અને સ્ટેપલ આઉટફિટ બની ગયું છે. તેને પેન્સિલ પેન્ટ્સ અથવા એંકલ-લેન્થ ટ્રાઉઝર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું નામ `સિગાર પેન્ટ્સ' તેની એકદમ સીધી, પાતળી અને સ્ટ્રેટ-ફિટ ડિઝાઇનને કારણે પડ્યું છે, જે કમરથી શરૂ થઈને નીચે પગની ઘૂંટી સુધી એકસરખું ફિટિંગ ધરાવે છે. આ પેન્ટ્સ માત્ર લુકમાં જ સોફિસ્ટિકેટેડ અને ક્લાસી નથી લાગતું, પરંતુ પહેરવામાં પણ અત્યંત આરામદાયક હોય છે. સિગાર પેન્ટની ખાસિયત એ છે કે તે લેગિંગ્સ કે ચૂડીદારની જેમ ત્વચા સાથે એકદમ ચોંટી જતી નથી એટલે કે ફિટ નથી હોતું અને પલાઝોની જેમ વધુ પડતું ઘેરદાર કે પહોળું પણ નથી હોતું. તે બોડી શેપને એકદમ સ્ટ્રેટ અને સ્લીમ લુક મેળવવામાં મદદ કરે છે.
આ પેન્ટ્સની લંબાઈ ઘૂંટી સુધીની હોય છે. આજકાલ તેની નીચેની બોર્ડર પર અવનવી ડિઝાઇન્સ જેમ કે, સાઇડ સ્લિટ, લેસ વર્ક, બટન્સ, ગોટાપટ્ટી કે એમ્બ્રોઇડરીનું ડિટેલિંગ કરવામાં આવે છે, જે આઉટફિટની સુંદરતામાં વધારો કરે છે. સિગાર પેન્ટ સોફ્ટ કોટન, સિલ્ક, રેયોન, લિનન, ચંદેરી અને સ્ટ્રેચેબલ કોટન જેવા વિવિધ ફેબ્રિક્સમાં ઉપલબ્ધ હોય છે, જેથી રોજિંદા વપરાશથી લઈને ભારે લગ્નપ્રસંગો સુધી તેની પસંદગી કરી શકાય છે. સિગાર પેન્ટ્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને એથનિક અને વેસ્ટર્ન બંને સ્ટાઇલમાં ખૂબ જ સરળતાથી પેર કરી શકાય છે. ઘેરદાર અનારકલી, આલિયા કટ કે ફ્લોર-લેન્થ કુરતી નીચે ભારે ચૂડીદારના બદલે સિગાર પેન્ટ્સ પહેરવાથી એકદમ સોબર, કમ્ફર્ટેબલ અને રોયલ લુક મળે છે. મિડ-લેન્થ કે શોર્ટ સ્ટ્રેટ કુરતી, સાઇડ-કટ કુરતી અને કફતાન સાથે સિગાર પેન્ટ્સનું કમ્બિનેશન ખૂબ જ એલિગન્ટ લાગે છે. પ્લેન કે ન્યૂડ કલરનાં સિગાર પેન્ટ્સને ફોર્મલ બટન-ડાઉન શર્ટ, ટ્યુનિક કે બ્લેઝર સાથે પેર કરીને સ્માર્ટ પ્રોફેશનલ લુક મેળવી શકાય છે. શોર્ટ ક્રોપ ટોપ, પેપલમ ટોપ કે ઓવરસાઇઝ્ડ શર્ટ સાથે તેને ડેનિમ જીન્સના એક શ્રેષ્ઠ અને સોફ્ટ વિકલ્પ તરીકે પહેરી શકાય છે.
