ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો અનોખો ઉત્સવ એટલે નવરાત્રી અને લગ્નપ્રસંગો. આ તહેવારો અને શુભ પ્રસંગોમાં જ્યારે વસ્ત્રોની વાત આવે ત્યારે ભારતીય નારીની પહેલી પસંદ હંમેશાં `ચણિયાચોળી' જ રહી છે. ચણિયાચોળી એ માત્ર એક પોશાક નથી, પરંતુ આપણી સમૃદ્ધ વારસા અને કલાત્મકતાનું પ્રતીક છે. સમય બદલાયો છે અને તેની સાથે ફેશન ક્ષેત્રે પણ મોટો બદલાવ આવ્યો છે. આજે યુવતીઓ અને મહિલાઓ માટે ફેશનનો અર્થ માત્ર સુંદર દેખાવું નથી, પરંતુ તેની સાથે કમ્ફર્ટ એટલે કે આરામદાયક અનુભવ થવો પણ એટલો જ જરૂરી બન્યો છે. આ જ કારણ છે કે આજે ચણિયાચોળીમાં પરંપરાગત કારીગરી સાથે મોડર્ન કમ્ફર્ટ અને ફ્યુઝન સ્ટાઇલનો અદ્ભુત અને સુંદર સંગમ જોવા મળી રહ્યો છે.
પરંપરાગત વારસો અને સમૃદ્ધ કારીગરી
ગુજરાત અને રાજસ્થાનની ઓળખ સમી ચણિયાચોળી તેની અજોડ કારીગરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. કચ્છી આભલાં વર્ક, અજરક પ્રિન્ટ, કલમકારી, બાંધણી અને પટોળાં વણાટ જેવી સદીઓ જૂની હાથકળા આજે પણ ચણિયાચોળીનો મુખ્ય આત્મા છે. ચોળી પર થતું ચોકસાઈભર્યું થ્રેડ એમ્બ્રોઈડરી, દોરી વર્ક, ગોટાપટ્ટી અને કિનારી પર લટકાવવામાં આવતી કોડીઓ તેની પરંપરાગત શાનમાં વધારો કરે છે. આ પરંપરાગત ડિઝાઇન્સ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને લોકકળાનું પ્રતિબિંબ પાડે છે.
મોડર્ન કમ્ફર્ટનો નવો યુગ
અગાઉના સમયમાં ચણિયાચોળી ખૂબ ભારે અને વજનદાર ફેબ્રિકમાંથી બનાવવામાં આવતી, જેને કલાકો સુધી પહેરી રાખવી કે તેમાં ગરબા રમવા થોડું અઘરું બની જતું, પરંતુ આજના આધુનિક યુગમાં કારીગરો અને ડિઝાઈનર્સે `કમ્ફર્ટ'ને પ્રાથમિકતા આપી છે.
ભારે સિલ્ક કે જ્યોર્જટના બદલે હવે પ્યોર કોટન, લિનન, ચંદેરી અને મોડલ મસલિન જેવા હળવા ફેબ્રિક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વજનમાં હળવા હોવા છતાં ચણિયામાં ૧૬થી ૩૨ કળીઓ ઉમેરીને તેને ઘેરદાર લુક આપવામાં આવે છે. આનાથી યુવતીઓ કોઈ પણ થાક વગર કલાકો સુધી ગરબા રમી શકે છે.
મોડર્ન અને ટ્રેડિશનલનું અનોખું મિશ્રણ
આજની યુવતીઓમાં `ઇન્ડો-વેસ્ટર્ન' અથવા `ફ્યુઝન' લુકનો ક્રેઝ ઘણો વધ્યો છે. પરંપરાગત કારીગરીને આધુનિક કટ અને ડિઝાઈન્સ સાથે જોડીને એક નવો જ લુક તૈયાર કરવામાં આવે છે. જેમ કે,પરંપરાગત કચ્છી કાંચળીના સ્થાને હવે ક્રોપ ટોપ સ્ટાઇલ, વન-શોલ્ડર બ્લાઉઝ, કોર્સેટ બ્લાઉઝ, કેપે કટ અને જેકેટ બ્લાઉઝનો ઉપયોગ થાય છે.
ચણિયાચોળી પર ટ્રેડિશનલ પ્રિન્ટવાળા ઓવરસાઇઝ્ડ શ્રગ કે લોન્ગ જેકેટ પહેરીને એક ટ્રેન્ડી અને રોયલ લુક ક્રિએટ કરવામાં આવે છે.
પરંપરાગત કારીગરી અને મોડર્ન કમ્ફર્ટનો આ સમન્વય એ વાતની સાબિતી છે કે આપણી સંસ્કૃતિ સમય સાથે બદલાવા માટે તૈયાર છે, પણ પોતાનાં મૂળિયાં ક્યારેય છોડતી નથી. ફ્યુઝન સ્ટાઇલની મદદથી આજની યુવતીઓ પોતાની પરંપરા સાથે જોડાયેલી રહીને પણ આધુનિક અને આરામદાયક ફેશનનો આનંદ માણી રહી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો