સોહનને એ સમજ ના પડી કે આમ અચાનક સાવ્યાએ તેને એના ઘરે કેમ બોલાવ્યો હશે? મોબાઈલ ફોન પર એણે તેને એમ કહીને આંચકો આપ્યો હતો કે ડિયર સોહન, તને મારો ફોન આવ્યો એનું આશ્ચર્ય થયું હશે, પણ તેનો રાઝ તો તું મારા ફ્લેટ પર આવીશ પછી જ કહીશ કહી એણે ફોન કટ કરી દીધો હતો.
જોકે, એણે કહ્યું કે, રાતે આવશે તો વધુ અનુકૂળ રહેશે, આપણે સાથે ડિનર લઈશું. આ સાવ્યાને શું કામ હશે? સાવ્યા એના મેરેજ થયા તે પહેલાંથી જ તેની ફ્રેન્ડ હતી. એપાર્ટમેન્ટમાં થોડાં ફેમિલીઝ હતાં અને બધા વચ્ચે સારા રિલેશન હતા. સારા-માઠા પ્રસંગે એકબીજાને સપોર્ટ કરતા અને હોળી-ધુળેટી, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ, દિવાળી અને નૂતન વર્ષ આખા એપાર્ટમેન્ટ માટે આનંદોલ્લાસનાં પર્વ બની રહેતાં. એકબીજાના ઘરે પોતે કરેલી કોઈ સારી વાનગી પહોંચાડવા બાળકો વચ્ચે પણ મિત્રતા બંધાઈ હતી. સાવ્યા એને બહુ ગમતી, પરંતુ મૈત્રી સંબંધ સમજાય તે પહેલાં જ તેના મેરેજ થઇ ગયા. સિટીમાં જ સાસરું હતું. એના મેરેજ થયા ત્યારે કોણ જાણે કેમ પણ પોતાને જરા સુનકાર લાગ્યો હતો. જોકે, તેના પ્રત્યે કોઈ યુવક-યુવતી વચ્ચે હોય એવો સંબંધ તો હતો જ નહીં. એ કોલેજમાં હતો ત્યારથી જ હિલિંગ સેન્ટરમાં જતો. ત્યાં યોગ સાથે આધ્યાત્મિક બાબતો પણ ચર્ચાતી. પ્રબુદ્ધ વ્યક્તિઓનાં વક્તવ્યો પણ ગોઠવાતાં. હિલિંગ માટે કેટલીક ધાર્મિક ટિપ્સ અપાતી. એમાંય રામાનંદ સ્વામીથી એ બહુ જ અભિભૂત થઇ ગયો હતો. તેઓ સ્પિરિચ્યુઅલ હિલિંગના માસ્ટર હતા. તેમની પાસેથી તેણે કેટલીક ટિપ્સ મેળવી હતી કે કોઈ પણ દુઃખી વ્યક્તિને તેના દુઃખમાં રાહત આપી શકાય, એટલું જ નહીં કોઈ પણ વ્યક્તિને તમે સ્પિરિચ્યુઅલ પાવર ટ્રાન્સફર કરી શકો. જેનાથી તે વ્યક્તિને આત્મીય સુખ-શાંતિનો અનુભવ થાય. પોતે એકવાર પિયરમાં વધુ રોકાયેલી સાવ્યા પર લાગણી થતાં એણે તેને ખાસ બોલાવી હતી. આમ તો અગાઉ તે બંને બહુ બધી વાર મળતાં અને અનેક બાબતો પર વાતો કરતાં રહેતાં. સાવ્યાને પણ તે બહુ ગમતો હોવાનું તેને અનુભવાયું હતું એટલે જ તેણે તેને વધુ સુખી થાય, આનંદમાં રહે તે હેતુથી તેને પોતાના હિલિંગ પાવર ટ્રાન્સફર કરવા વિચાર કર્યો હતો. આ એક શક્તિપાતની જ પ્રક્રિયા હતી. અહીં તેનો પ્રયોગ કરવા ઇચ્છતો હતો. એનાથી કંઈ થાય છે ખરું? તે જોવા માગતો હતો. એટલે તેણે બોલાવી હતી. એ સમયે ઘરે કોઈ ન હતું. તેણે આવીને ડ્રોઇંગ રૂમમાં બેઠેલી સાવ્યા સાથે વાતચીત દરમિયાન જ તેનો હાથ પકડી તેને અંદર બેડરૂમમાં લઈ જવા પ્રયાસ કરતાં જ તે હાથ ઝાટકી ભડકી ગઈ હતી. તેણે નારાજગીભર્યા અવાજમાં કહ્યું હતું કે આ તો નહીં જ. આ બહુ ખોટું છે. એણે તેને સમજાવવા પ્રયાસ કર્યો, પણ તે સાંભળ્યા વિના જ જતી રહી હતી. પોતાને ખુદને મોટો ઝટકો લાગ્યો હતો. એ ઇચ્છતો હતો કંઈ અને સાવ્યા સમજી હતી કંઈ! સાવ્યાને તો એવું હતું કે તેને સેક્સ માટે અંદર ખેંચીને લઈ જઈ રહ્યો છે! તે પોતે રીતસર ધ્રૂજી ઊઠ્યો હતો. જોકે, સદ્નસીબે એ પછી પણ સાવ્યાએ એની સાથે બોલવાનું-ચાલવાનું યથાવત્ રાખ્યું હતું. એણે પોતે કાન પકડી તેની માફી માંગતાં તે સ્મિત સાથે બોલી હતી કે મેરેજ પહેલાં હોત તો હજી વિચારત, પરંતુ હવે તો પાપ લાગે. એ સ્તબ્ધ થઇ ગયો. એણે એને કહ્યું કે, તેનો ઇરાદો એવો ન હતો. તો એણે કહ્યું માટે એની કોઈ ચર્ચા જ નથી કરવી. પોતે લાંછન લાગતા બચી ગયો હતો એનો સંતોષ થયો હતો. બસ એ પછી સાવ્યા જ્યારે પણ પિયરમાં આવતી ત્યારે તેની સાથે અગાઉ જેમ જ પ્રેમથી વાતચીત કરતી, પરંતુ આજે અચાનક એણે એને પોતાના ઘરે કેમ બોલાવ્યો હશે? એ અને તેનો પતિ આલોક આ સિટીમાં જ એક સોસાયટીમાં રહેતાં હતાં. એ સાંજ પડ્યા બાદ સાવ્યાના ઘરે ગયો. એણે તેને ખૂબ જ પ્રેમથી આવકાર્યો. એણે તેને આલોક ક્યાં છે તેમ પૂછતાં તેણે મોહક સ્મિત કરતાં કહ્યું, એ નથી એટલે તો તને બોલાવ્યો છે.
