આજના સમયમાં મહિલાઓમાં સૌથી સામાન્ય હોર્મોનલ સમસ્યાઓમાં થાઇરોઇડનું સ્થાન અગત્યનું છે. ઘણા લોકો માને છે કે થાઇરોઇડનો સંબંધ માત્ર વજન વધવા-ઘટવા સુધી જ સીમિત છે, પરંતુ હકીકતમાં થાઇરોઇડ હોર્મોન સમગ્ર શરીરના કોષોની કાર્યક્ષમતા પર અસર કરે છે. તેની સીધી અસર ત્વચા, વાળ, નખ અને ચહેરાની તાજગી પર પણ જોવા મળે છે. ઘણી વખત દર્દી સૌપ્રથમ ત્વચા સૂકી થવી, વાળ વધુ ખરવા, ચહેરા પર નિસ્તેજતા કે આંખોની આસપાસ સોજા જેવી સમસ્યાઓ લઈને ડર્મેટોલોજિસ્ટ પાસે પહોંચે છે અને તપાસ દરમિયાન થાઇરોઇડની તકલીફ હોવાનું જાણવા મળે છે. ગરદનમાં આવેલી નાની પતંગિયા આકારની થાઇરોઇડ ગ્રંથિ T3 અને T4 નામના હોર્મોન બનાવે છે, જે શરીરના મેટાબોલિઝમ, ઊર્જા ઉત્પન્ન થવી, ત્વચાના કોષોનું નવીનીકરણ અને વાળની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. જ્યારે આ હોર્મોનનું પ્રમાણ ઓછું કે વધુ થાય ત્યારે ત્વચા અને વાળમાં વિવિધ પ્રકારના ફેરફારો જોવા મળે છે.
હાઇપોથાઇરોઇડિઝમ (થાઇરોઇડ ઓછું કાર્ય કરે ત્યારે)
આ સ્થિતિમાં શરીર પૂરતા પ્રમાણમાં થાઇરોઇડ હોર્મોન બનાવતું નથી. પરિણામે શરીરની તમામ પ્રક્રિયાઓ ધીમી પડી જાય છે.
ત્વચા સૂકી, ખરબચડી અને નિસ્તેજ બનવા લાગે છે. સામાન્ય મોઇશ્ચરાઇઝર લગાવ્યા છતાં સૂકાપણું દૂર થતું નથી. ચહેરા અને ખાસ કરીને આંખોની આસપાસ સોજો દેખાય છે. હાથની હથેળી અને પગનાં તળિયાં પીળાશ પડતા દેખાઈ શકે છે.
વાળમાં પણ નોંધપાત્ર ફેરફાર થાય છે. વાળ પાતળા, બરડ અને નિર્જીવ બની જાય છે તથા સામાન્ય કરતાં વધુ ખરવા લાગે છે, જે હાઇપોથાઇરોઇડિઝમનું એક મહત્ત્વનું લક્ષણ માનવામાં આવે છે.
નખ ધીમા વધે છે, નાજુક બની જાય છે અને સરળતાથી તૂટી શકે છે.
હાઇપરથાઇરોઇડિઝમ (થાઇરોઇડ વધુ કાર્ય કરે ત્યારે)
આ સ્થિતિમાં શરીરમાં થાઇરોઇડ હોર્મોનનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે મેટાબોલિઝમ ખૂબ ઝડપથી ચાલે છે.
ત્વચા ગરમ, ભીની અને પરસેવાવાળી રહે છે. ચહેરા પર લાલાશ અને સંવેદનશીલતા વધી શકે છે. કેટલાક દર્દીઓમાં હાથની હથેળી વધુ ભીની રહે છે. વાળ ખૂબ નરમ થઈ જાય છે, પરંતુ ઝડપથી ખરવા લાગે છે. વાળનો જથ્થો ઘટી જવો સામાન્ય બાબત છે.
કેટલાક દર્દીઓમાં આંખો બહાર ઊપસી આવતી હોય તેવી દેખાય છે, ખાસ કરીને ગ્રેવ્ઝ ડિસીઝમાં.
મહિલાઓમાં વધુ કેમ જોવા મળે છે?
પુરુષોની સરખામણીએ મહિલાઓમાં થાઇરોઇડની સમસ્યા અનેકગણી વધુ જોવા મળે છે. ખાસ કરીને ગર્ભાવસ્થા પછી, મેનોપોઝ દરમિયાન અને પરિવારના ઇતિહાસમાં થાઇરોઇડ હોય તો જોખમ વધે છે. ઘણી મહિલાઓ વાળ ખરવા અથવા ચહેરા પરની નિસ્તેજતા માટે માત્ર કોસ્મેટિક પ્રોડક્ટ્સ બદલતી રહે છે, પરંતુ મૂળ કારણ હોર્મોનલ હોઈ શકે છે.
ક્યારે થાઇરોઇડની તપાસ કરાવવી?
જો નીચેનાં લક્ષણો લાંબા સમય સુધી રહેતાં હોય તો ડૉક્ટરની સલાહથી TSH, Free T3 અને Free T4 જેવી તપાસ કરાવવી યોગ્ય રહે છે.
સતત વાળ ખરવા.
ત્વચા ખૂબ સૂકી અથવા ખૂબ ભીની રહેવી.
અચાનક વજન વધવું અથવા ઘટવું.
સતત થાક લાગવો.
ઠંડી અથવા ગરમી વધુ લાગવી.
ચહેરા પર સોજો
માસિકચક્રમાં અનિયમિતતા
માત્ર કોસ્મેટિક સારવાર પૂરતી નથી
ઘણા દર્દીઓ મોંઘાં શેમ્પૂ, સીરમ અથવા ક્રીમનો ઉપયોગ કરે છે, પરંતુ જો મૂળ કારણ થાઇરોઇડ હોય તો માત્ર બહારથી કરવામાં આવતી સારવારથી સંપૂર્ણ લાભ મળતો નથી. પ્રથમ હોર્મોનનું સંતુલન જરૂરી છે. ત્યારબાદ ત્વચા અને વાળ માટે યોગ્ય મેડિકલ સારવાર વધુ અસરકારક સાબિત થાય છે.
ત્વચા અને વાળની સંભાળ માટે
કેટલીક ઉપયોગી સલાહ
ડૉક્ટરની સલાહ મુજબ થાઇરોઇડની દવા નિયમિત લો.
દવા પોતાની મરજીથી બંધ ન કરો.
ત્વચા માટે રોજ સારું મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન વાપરો.
પ્રોટીન, આયર્ન, ઝિંક, સેલેનિયમ અને વિટામિનથી ભરપૂર સંતુલિત આહાર લો. પૂરતી ઊંઘ અને નિયમિત કસરત કરો. વધુ પડતી કેમિકલવાળી હેર ટ્રીટમેન્ટથી બચો. વાળ ખરતા હોય તો ડર્મેટોલોજિસ્ટની સલાહથી યોગ્ય સારવાર લો.
એક મહત્ત્વપૂર્ણ વાત
થાઇરોઇડની તકલીફ હોય એટલે દરેક વ્યક્તિમાં ત્વચા અને વાળના ફેરફારો એકસરખા હોય જ એવું નથી. કેટલીક વ્યક્તિઓમાં લક્ષણો ખૂબ હળવાં હોય છે, જ્યારે કેટલીકમાં સ્પષ્ટ દેખાય છે, તેથી માત્ર લક્ષણોના આધારે નિર્ણય લેવાને બદલે યોગ્ય તપાસ અને નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો