રાષ્ટ્રીય મહિલા આયોગે 2009માં એન.આર.આઈ. સેલની રચના કરી, જેથી રોજબરોજ વધતાં એન.આર.આઈ. લગ્નોને લીધે ઉપસ્થિત થતા કેસો અંગે શું પગલાં લઈ શકાય અને આવાં લગ્નોથી થતી મુશ્કેલીઓ નિવારી શકાય.


આ સેલ આવાં લગ્નોથી થતી સમસ્યાઓ અથવા તો કેસોની ફરિયાદ લે છે અને પક્ષકારોને માર્ગદર્શન આપે છે. ફરિયાદ લીધા પછી આ સેલ જે તે દેશમાં એટલે કે અમેરિકા હોય, ઈંગ્લેન્ડ હોય, કેનેડા હોય કે ઓસ્ટ્રેલિયા હોય ત્યાંની સ્થાનિક સંસ્થા જોડે સંપર્ક કરી આપે છે અને એક હેલ્પલાઈન તરીકે કામ કરે છે.

એન.આર.આઈ. લગ્નોમાં ઘણીવાર લગ્ન કરી અને દહેજ લઈને પરિણીતાને તરછોડી દેવામાં આવે છે કાં તો લગ્ન પછી પરિણીતાને મૂકીને પતિ પાછો પરદેશ ચાલ્યો જાય છે અથવા પરદેશ જઈને ત્યાં પરિણીતાને તરછોડી દે છે. ઘણાં કેસોમાં બાળકોને પરદેશ રાખવા કે વતનમાં રાખવા, કોની પાસે રાખવા અને કાયદો શું કહે છે તેની આંટીઘૂંટીમાં લગ્ન તો ક્યાંય ખોવાઈ જાય છે. એન.આર.આઈ. લગ્નોને લગતા થોડા અગત્યના મુદ્દા યાદ રાખવા જેવા છે.

જ્યારે પણ કોઈ વ્યક્તિ પરદેશથી પરણવા આવે તો એની અંગત માહિતી વિશે જાણવું બહુ જરૂરી છે. જેમ કે, તે વ્યક્તિ પરિણીત છે કે અપરિણીત. જો વ્યક્તિ કહે કે તે અપરિણીત છે તો તેણે પહેલાં છૂટાછેડા લીધેલા છે કે હાલમાં તે પ્રથમ લગ્ન કરેલ હોવા છતાં પત્નીથી જુદા રહે છે તે જાણવું જરૂરી છે. નોકરી-ધંધા વિશે પણ જાણવું જરૂરી છે. જેમ કે, શું ભણેલ છે, ઓફિસનું નામ સરનામું અને રહેઠાણનું પણ સરનામું પૂછી લેવું જરૂરી છે. જો વ્યક્તિ પરદેશથી આવી હોય તો તે કયા સ્ટેટસથી પરદેશમાં રહે છે તે પણ પૂછવું બહુ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિનો પાસપોર્ટ જોવાથી ખબર પડે કે તે વ્યક્તિ કયા દેશનો નાગરિક છે કે પરદેશમાં વિદ્યાર્થી તરીકે રહે છે કે કોઈના ઉપર નિર્ભર છે અથવા કામચલાઉ વિઝા ઉપર ત્યાં નોકરી માટે ગયેલ છે. ઘણા કેસોમાં પાસપોર્ટનું નામ અને લગ્ન કરતી વખતે કહેવામાં આવેલું નામ બંને જુદાં હોય છે અને તેના લીધે પાછળથી જ્યારે પ્રશ્ન ઊભો થાય છે ત્યારે તે વ્યક્તિને આટલા મોટા પરદેશમાં શોધવી તકલીફ થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પરદેશથી લગ્ન કરવા આવે તો ક્યાંક ને ક્યાંક તો એ પહેલાં ભારતમાં રહેતી હતી, તેથી તમે એના કુટુંબ વિશે કે એમના સગાંસંબંધી વિશે માહિતી મેળવી શકો છો. ઘણા એન.આર.આઈ.ઓ એટલે કે પરદેશમાં વસતા ભારતીયો એમ કહેતા હોય છે કે તેમની પાસે પરદેશનું અને ભારતનું બંને દેશનું નાગરિકત્વ છે એટલે કે ડ્યૂઅલ સિટીઝનશિપ છે. આવું કહેનાર વ્યક્તિ પાસેથી એનો આધાર મેળવવો જરૂરી છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: