હજી થોડાં વર્ષો પહેલાં તો મહિલાઓના જીવનમાં કેટલા બધા સરસ સવાલો હતા! વળી એ સવાલોના જાતજાતના જવાબો પણ હતા, જે પાછા બીજી સ્ત્રીઓ પાસે જ હતા! એ જવાબ આપનાર સ્ત્રીઓ કાં તો પડોશણ રહેતી કાં તો ફોનના બીજા છેડે કોઈ સખી કે સગી કે વહાલી જ રહેતી! એ સવાલો ને જવાબોમાં તો જાતજાતની ચર્ચાઓ થતી. જેવી બે કે બેથી વધુ સ્ત્રીઓ એકબીજીને મળતી કે એમનો મુખ્ય અને મોખરાનો સવાલ એક જ રહેતો. એ સવાલ પાછો બપોરે ચા પીધા પછી જ કરાતો સવાલ રહેતો! છેને નવાઈની વાત?


`સાંજે શાનું શાક બનાવવાની?

`ના રે બેન, હજી કંઈ વિચાર્યું જ નથી. હજી હમણાં જ પરવારી.' (આટલું કહીને એ અટકે તો જ સામેવાળી પૂછેને કે, `કેમ હજી હમણાં પરવાર્યાં?')

હવે સામેવાળીના મગજમાં ચટપટી થાય કે રોજ વહેલા પરવારે ને કેમ આજે મોડાં પડ્યાં હશે? હવે શાનું શાક બનાવશે? એટલે આગળ બીજો સવાલ પુછાઈ જ જાય!

`કેમ આજે મોડું? બહુ મોડું થઈ ગયું આજે તો.'

`અરે! શું વાત કરું? આજે એ મોડા જમવા આવ્યા. તમને તો ખબર છે, એ મોડા આવે એટલે વાસણ, રસોડું બધાનું પછી મોડું જ થાય. આજે તો મારું જમીને ઊંઘવાનું પણ ગયું. આખું ટાઈમટેબલ મારું ખોરવાઈ ગયું.' બિચારા પતિ કોઈ વાર થોડાક જ મોડા જમવા આવે, એમાં તો પત્નીની દુનિયામાં ઊથલપાથલ મચી જાય!

હવે સામેવાળા બેનને તો પૂછવું જ હોય, કે `ભાઈ કેમ મોડા આવ્યા?' મન પર જેમ તેમ કંટ્રોલ કરે. કોઈ ચાંપલી ન કહે એટલે મનમાં વિચારી લેવું પડે. જવા દે, હશે કોઈ કામ.

સવાલ જવાબના વહેવાર પરસ્પર હોય એટલે હવે પેલા બેનનો વારો!

`તમે શાનું શાક બનાવવાના?' હવે એ બેન તો એકદમ એક્સપર્ટ! રસોડાની મગજમારી કે ટેન્શન જોઈએ જ નહીં. સવારનું રાંધે ત્યારે જ સાંજના શાકનું પણ નક્કી કરી નાંખે! (આ બેન તો ભારે ઉતાવળાં! એમનું ચાલે તો સાંજની રસોઈ પણ કરીને મૂકી દે. પછી પણ સાંજે શું કરવું? એટલે શાક વિશે વિચારવાનું ટેન્શનવાળું કામ પહેલાં જ પતાવી દે! ફક્ત નક્કી કરી મૂકે એટલે સાંજે વહેલું રંધાઈ જાય! શું સાંજનું શાક બનાવવાનું એટલું બધું મુશ્કેલ કામ છે કે સવારથી વિચારી મૂકવું પડે? છેલ્લી ઘડીએ શાનું શાક બનાવવાનું એ વિચારમાં ને વિચારમાં ગભરાટ થઈ જાય અને ગમે તે અથવા એકનું એક શાક પાછું બની જાય તો ઘરમાં ધમાલ થઈ જાય? અરર! આનો તો કોઈ રસ્તો કાઢવો જ જોઈએ.

ઘરમાં જો સાસુ કે મમ્મી હોય, તો એ લોકોની ફક્ત સાંજના શાક માટેની ચટપટી હજી વધારે પડતી હોય! બોલે નહિ પણ એ લોકોની નજર વહુ કે દીકરીની ફરતે ફર્યા કરે. આ સાંજે શું શાક બનાવવાની હશે? બાજુવાળી સાથે ગપ્પાં મારવા બેઠી, તો એને એમ નહીં કે શાકની તૈયારી કરી મૂકે. આટલું એક વાક્ય તો અડધા કલાકમાં કદાચ સો વાર મનમાં બોલાઈ જતું હશે! પછી અકળાઈ જાય કે ન જ રહેવાય ત્યારે આખરે બૂમ પાડી જ દે.

`ચાલ બેન, મને તો કહી દે. સાંજે શાનું શાક બનાવવાની છે? હું તૈયારી કરતી થાઉં.'

`આ માજીને (ડોહીમાને) બહુ ઉતાવળ બાપા! બનાવવાનું મારે છે, પણ એમને ટેન્શન કેટલું બધું છે?' મનોમન સાંજના શાકની બધી ગણતરી ને ગોઠવણ કરતી કરતી આખરે એક શાક ઉપર મહોર લાગે. હવે એ શાક જો પેલા માજીને યોગ્ય ન લાગે તો પાછું બીજા શાકનું પણ નક્કી થઈ જાય! એટલે એકને બદલે બે શાક બનાવવાં પડે. આખરે જમતી વખતે જો કોઈએ વરણાગી ન કરી, તો આખા દિવસની શાકની મગજમારીનું ટેન્શન વસૂલ! હે ભગવાન, તમે જ કોઈ રસ્તો કાઢો કે રોજ સાંજે શાનું શાક બનાવવાનું?

ભગવાનને વર્ષોથી આવી અરજીઓ સતત મળતી જ રહી. મળતી જ રહી. પરિણામે કંટાળીને એમણે જમાનો જ બદલી કાઢ્યો! હવે નવો જમાનો આવ્યો! એની સાથે મોબાઈલ આવ્યો ને એના પગલે સોશિયલ મીડિયા આવ્યું કે ધીમે ધીમે સ્ત્રીઓનાં મગજ બદલાવા માંડ્યાં! પહેલાંની સ્ત્રીઓ આવી નહોતી ને એમના સ્વભાવ પણ આવા નહોતા.

જમાનો બદલાવા માટે જ હોય છે અને એકસરખા દિવસ કોઈના હોતા પણ નથી ને જતા પણ નથી એય ખબર છે. તો પછી પરિણામ શું આવ્યું? ભગવાને એવો તે કેવો રસ્તો કાઢ્યો કે સાંજના શાકની પંચાત જ ગઈ? પહેલાં તો ભગવાને ગલીએ ગલીએ ખાવા-પીવાની નાની-મોટી હાટડીઓ ખોલી દીધી. પછી સ્વિગી, ઝોમેટો જેવા મિત્રોને સહારે સ્ત્રીઓની નાવને પાર લગાવી દીધી!

ઘરમાં બધાંને પૂછી લેવાનું, `શું ખાવાના છો?' એ પ્રમાણે ઑર્ડર કરીને મંગાવી લેવાનું. ભલેને દરેકની પસંદનું જુદું જુદું મંગાવવું પડે! એમાં તો (શાકની મગજમારીના કેન્દ્રબિંદુ એવાં) ડોશીમા પણ હાજર થઈ જાય. 'મારા મસાલા ઢોંસા.' સ્ત્રીઓ પણ ખુશ. પતિને તો કોઈ વરણાગી નથી. એ તો બધું ખાઈ લેશે. ચાલો, હવે મોબાઈલમાં વધારે રીલ જોવાશે, પ્રોગ્રામ પણ જોવાશે ને શાંતિ જ શાંતિ.

પહેલાં તો કોઈ કોઈ વાર પતિને કોઈ ખાસ શાક ખાવાનું મન થતું અને એ ફોન કરીને ખાસ પૂછતો કે `સાંજે શાનું શાક બનાવવાની?'

ત્યારે પત્ની એને ચગાવવા પૂછતી કે, `તમારે શાનું શાક ખાવું છે તે બનાવું.' (અંદરખાને એ જાણતી કે પતિ પાસે આનો કોઈ જવાબ નહીં જ હોય.) ભગવાને તો પતિ પાસેથી આ હક પણ છીનવી લીધો! હશે હવે. જે થયું તે સારા માટે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: