આયુર્વેદીય ચિકિત્સાર્થે આવતા ઘણા દર્દીઓની મુખ્ય ફરિયાદ હોય છે `અરુચિ'ની. જમવાની સહેજ પણ ઈચ્છા ન થવી. બંને ટાઇમ જમવા તો બેસે, પણ ગમે તેવા સ્વાદિષ્ટ આહારને મુખમાં મૂકતાં જ અરુચિ થવી. એટલે એકાદ બે કોળિયા કે થોડું જમીને ઊભા થઇ જવું. આવા અરુચિના દર્દીઓમાં અરુચિ સિવાય મોટા ભાગે કબજિયાત પણ જોવા મળે છે.

આયુર્વેદમાં અરુચિને એક સ્વતંત્ર વ્યાધિ ગણવામાં આવ્યો છે. તેમજ તેના વાતજ, પિત્તજ, કફજ, ત્રિદોષજ અને માનસિક એમ પાંચ પ્રકાર ગણવામાં આવ્યા છે.

જીભ, હૃદય, અન્નનળી અને જઠરમાં રહેલ વાયુ વગેરે દોષોને લીધે અને ભય, શોક, લોભ, મોહ, ક્રોધ વગેરે મનોભાવને લીધે તથા ભોજન પદાર્થના અપ્રિય રૂપ, રસ, ગંધને લીધે ભોજન પર રુચિ થતી નથી, ત્યારે અરુચિ ઉત્પન્ન થઈ કહેવાય.

ઘણા દર્દીઓમાં અરુચિ ત્રિદોષજ અને સાથે કબજિયાત પણ હોય છે. એટલે એમનો ઉપચાર આ પ્રમાણે ગોઠવી શકાય.

સૌપ્રથમ બે દિવસ માત્ર મગના પાણી પર જ રહેવું જોઈએ. તેમાં સૂંઠ કે આદુંના ટુકડા નાખી શકાય. જ્યારે તરસ લાગે ત્યારે આ પાણી જ પીવાનું. આમ કરવાથી રોગની `સામ' અવસ્થા દૂર થઈ તે `નિરામ' બને છે. પછી મળશુદ્ધિ માટે મોટી સીરિઝમાં 40 મિલી. એરંડ તેલ લઈ માત્રા બસ્તી(એનિમા લેવો). દર ત્રીજા કે ચોથા દિવસે એક બસ્તી લેવી, જેથી વાયુ શાંત થશે અને કબજિયાત મટશે.

બસ્તી પ્રયોગથી સંપ્રાપ્તિ ભંગ થાય છે. સંપ્રાપ્તિ એટલે રોગ ઉત્પન્ન થવાની પ્રક્રિયા. સંપ્રાપ્તિ ભંગ થવાથી એટલે કે રોગ ઉત્પન્ન થવાની પ્રક્રિયાને જ તોડવાથી રોગ સ્વયં શાંત થઈ જાય છે. મહર્ષિ વાગ્ભટ્ટે તો સ્પષ્ટ જ કહ્યું છે કે, વાયુને જીતવા માટે માત્રા બસ્તીથી મોટું કોઈ ઔષધ નથી. એટલે માત્રા બસ્તીથી વાયુ જીતાશે, કબજિયાત તૂટશે અને તેથી અરુચિ પણ મટશે.

બીજું, અરુચિમાં આ પ્રમાણે ઔષધો પણ લઈ શકાય.

અડધી ચમચી સૂંઠ, પા ચમચી અજમો, બે ચમચી ગાયનું ઘી દિવસમાં બે વખત લેવું.

એલાદિવટી : એક-એક ગોળી દિવસમાં ત્રણ વખત.

દાડીમાદિ ચૂર્ણ : એકથી બે ચમચી દિવસમાં બે વખત સવારે અને સાંજે.

શંખવટી : એક-એક ગોળી દિવસમાં ત્રણ.

આર્દ્રકાવલેહ : એક-એક ચમચી સવારે અને સાંજે.

ભય, શોક, અતિલોભ, કામ, ચિંતા વગેરે માનસિક વિકારોને લીધે તથા મનને અપ્રિય એવા ભોજનનાં દર્શનથી અને ગંધથી તથા અપવિત્ર પદાર્થોનાં દર્શનથી અરુચિ ઉત્પન્ન થાય છે. આ અરુચિનાં માનસિક કારણો છે. જો આવાં કારણો હોય તો તે દૂર કરવાં જોઈએ.

આહારમાં ઘઉં, મગ, ભાત, તરબૂચ, લીંબુ, રીંગણ, સરગવો, પરવળ, દૂધી, દાડમ, કેરી, સિંધાલુણ, ઘી, દૂધ, માખણ, દહીં, છાશ, શિખંડ, સૂરણ, મધ, ખજૂર, કાકડી, મૂળા, ગાજર, સફરજન વગેરેનો ઉપયોગ કરી શકાય.