પતિ-પત્ની પ્રાયઃ 24x7 days સાથે રહે છે, તેથી બંનેના મનમાં એકબીજાને ઓળખવાનો વ્હેમ હોય છે અને મોટાભાગનાં કેસમાં અતિ પરિચય અવજ્ઞામાં પણ પરિણમે છે.

લગ્નજીવન એ પ્રેમ અને રોમાન્સ કરતાં જવાબદારી, સહકાર, બાંધછોડ અને બીજા માટે વિચારવાની કેડી છે. અહીં ગમતું ન ગમતું લાંબા ગાળે એક થઇ જાય, જીવનરસ સુકાઈ જાય, પ્રેમની ખુશબૂ ખતમ થઇ જાય અને પરિણામ રૂપે એકદમ નજીક હોવા છતાં એકદમ દૂર થઇ જવાય. એનું કારણ એ છે કે સાથે રહેતી વ્યક્તિને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવી, દરેક બાબતને ફરજ સાથે જોડી કદર ન કરવી અથવા તો આટલાં વર્ષે કહેવાનું શું? એવી બેપરવાહી દાખવવી.

જીવવા માટે બેંકનું એકાઉન્ટ જ ભરેલું ન જોઇએ. લાગણીના ખાતામાં પણ બેલેન્સ પુરાવવું પડે, સમય જતાં ઝરણું સુકાઇ ગયું હોય છે. જરૂર પૂરતી વાત, પોતાનામાં જ મસ્ત રહેવાની વૃત્તિ કે કામ અને મહત્ત્વાકાંક્ષાને જ મહત્ત્વ આપવાનું વલણ આજે વધ્યું છે, તેથી ઇમોશનલી કનેક્ટ થવાતું નથી. જ્યારે આશય વગર વ્યક્તિ નજીક આવે છે, ત્યારે એનું ઇમોશનલ એકાઉન્ટ છલકાય છે. જ્યારે વાતોમાંથી સ્વાર્થ બાકાત હોય ત્યારે પણ બોન્ડિંગ મજબૂત બને છે. આજના સમયમાં લોકો ઇન્ટેલિજન્સીને મહત્ત્વ આપી ઇમોશન્સને અવગણે છે તેથી દુઃખી થાય છે.

બે વ્યક્તિ પ્રેમ-લાગણી કે સ્નેહથી જોડાયેલી હોય તો એમને જીવન છલોછલ લાગે છે. બહારના પૈસા, માંદગી, બાળકો કે અન્ય સમસ્યાઓને પહોંચી વળવાની તાકાત આ ઇમોશન્સ આપે છે. આપણે એમ માનીએ છે કે કપલ્સ પૈસા, પરિવાર, સેક્સ કે કામ જેવા મુદ્દે ઝઘડે છે, પરંતુ અમેરિકામાં ડૉક્ટર ગેટમેને લવ લેબ પ્રોજેક્ટ હેઠળ 40 વર્ષ સુધી લગભગ ૩000થી વધુ કપલ્સ પર સંશોધન કર્યું. એમના તારણ મુજબ પતિ-પત્ની વચ્ચે વધારે ઝઘડાઓ ઇમોશનલી કનેક્ટ ન થવાને કારણે થાય છે. વાસ્તવમાં દરેક કપલ્સનું ઇમોશનલ એકાઉન્ટ હોય છે. એમાં પ્રસંગે પ્રસંગે ઇમોશન જમા કરાવવા પડે છે અને જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ બેંકના પૈસાની જેમ જ કરી શકાય.

એક સામાન્ય ઉદાહરણ લઇએ. પત્નીના પિયર પક્ષમાં માંદગીને કારણે આર્થિક પ્રોબ્લેમ છે. એણે પતિને સઘળી વાત વિસ્તારથી કરી, પરંતુ પતિએ કોઇ જ રિસ્પોન્સ ન આપ્યો. પત્નીને ખરાબ લાગ્યું. આ સમયે પતિએ માત્ર એટલું જ કહ્યું હોત. કંઇ વાંધો નહીં, આપણે છીએને? તું ચિંતા ન કરતી. આટલા શબ્દોથી એમનું ઇમોશનલ એકાઉન્ટ છલકાઇ જાત.

પતિ-પત્ની વચ્ચેનાં નાના-નાનાં વાક્યો, દિલાસો, કદમ કે વ્યવહારથી સંબંધો લાગણીની રીતે સમૃદ્ધ બને છે આ માટે નીચેની બાબતો ધ્યાન રાખવી જોઇએ.

રોજબરોજનાં કામોમાં પતિ-પત્ની એકબીજાને હેલ્પ કરતાં જ હોય છે, પરંતુ એને મહત્ત્વ નથી અપાતું. એક્ચ્યુઅલી આ હેલ્પથી જ જીવનની ગાડી રુકાવટ વગર ચાલે છે. આ હેલ્પ બંનેની ફરજ છે, પરંતુ ફરજના કારણે એની કદર જ ન થાય તો કેમ ચાલે? જ્યારે પાર્ટનર એકબીજાની પ્રશંસા કે કદર કરે છે ત્યારે વ્યક્તિને પોતાની સાર્થકતા અને સ્વીકારની અનુભૂતિ થાય છે આ અનુભૂતિ સામી વ્યક્તિ માટેની લાગણીમાં રૂપાંતર પામે છે અને એમના પ્રેમના એકાઉન્ટમાં એ જમા થાય છે. આ બનતી લાગણીને સંભાળી લે છે.

મોટાભાગે પતિ-પત્ની પોતાનો સ્ટ્રેસ પાર્ટનરને જણાવી એને સ્ટ્રેસ પહોંચે એવું ઇચ્છતાં નથી અને પાર્ટનર વગર કહ્યે સમજી જાય એવી અપેક્ષા રાખે છે. એમાંથી જ અથડામણ સર્જાઈ શકે. ફેમિલી થેરાપીના નિષ્ણાત કહે છે કે એકબીજાનો સ્ટ્રેસ પાર્ટનર ડિસ્કસ કરે છે ત્યારે પણ સમજદારી અને વિશ્વાસ વ્યક્ત થાય છે, જે લાગણીનાં એકાઉન્ટ માટે બહુ અગત્યની બાત છે. સ્ટ્રેસ ડિસ્કસ કરવાથી ખોટી અપેક્ષાઓ અને આક્ષેપો બંનેથી બચી

શકાય છે.

પતિ-પત્નીને એકબીજાનું આકર્ષણ છે. એમની વચ્ચે લગ્નના અમુક વર્ષ પછી પણ ખેંચાણ છે એ વાત સમયાંતરે અભિવ્યક્ત થવી જોઇએ. નોર્મલ રિલેશનશિપ અંગેના 24 દેશોના 70,000 લોકો પર થયેલો સરવે બતાવે છે કે જે દંપતી વચ્ચે સેક્સ સિવાય પણ હગ, કિસ, હાથમાં હાથ લઇને ફરવાનો કે પીઠ થાબડવાનો વ્યવહાર છે, તેઓ સમસ્યાઓ વચ્ચે પણ લાગણીને અકબંધ રાખી શકે છે.

નાની-નાની પરંતુ સારી ઘટનાઓને સેલિબ્રેટ કરવી જરૂરી છે. એનાથી સંબંધોમાં પોઝિટિવ ઊર્જાનો સંચાર થાય છે. દાખલા તરીકે પત્નીને પગારમાં વધારો મળે ત્યારે પતિ ચોકલેટનું બોક્સ લાવી મોં મીઠું કરાવે તો એની અલગ જ ઇફ્કેટ પડે છે. સંશોધકો કહે છે કે લાગણીસભર સહજીવન માટે એક નેગેટિવ વ્યવહારની સામે પાંચ પોઝિટિવ વ્યવહાર જરૂરી છે.

પતિ-પત્નીમાં બીજા સંબંધો પણ અગત્યના છે જ્યારે પાર્ટનરનાં મિત્રો, માતા-પિતા અને ભાઇ-બહેનને સન્માન અપાય છે ત્યારે તે ખુશ રહે છે. આપણે ત્યાં ઘણી પત્નીઓ પતિનાં માતા-પિતા સાથે યોગ્ય વ્યવહાર કરતી નથી, તેથી પતિના દિલમાંથી ઊતરી જાય છે અથવા તો એ બાબતે સતત ઝઘડા થતાં બંનેનો પ્રેમ નફરતમાં બદલાય છે અને પત્નીનાં સગાંને તો બહુ ઓછાં ઘરોમાં સ્થાન મળે છે. એના મિત્રો સાથે પણ એ પરિવારની ઇચ્છા હોય તો જ સંબંધ રાખી શકે છે. પોતાના લોકો છૂટી જવાનો રંજ તેના વર્તનમાં ગરબડ કરાવે છે અને લાગણીના ખાતામાં બેલેન્સ ઉમેરાતું નથી. એકબીજાને ગમતા લોકોને સ્વીકારવાથી પ્રેમનું પલ્લું અવશ્ય ભારે બનશે.