આજની મોબાઈલ જનરેશન પત્ર લખવાનું ભૂલી ગઈ છે, એટલે પોતાના ઘરના સરનામામાં આવતો પિનકોડ એમને યાદ ન હોય એમ બને. પોસ્ટઓફિસ પોતેય હવે તો વીતેલા જમાનાની વાત જેવી જ લાગે!
તેમ છતાં MH-1718 પિનકોડ વિશે આપણે બધાએ જાણવું જોઈએ, કેમ કે દેશ માટે એ મોટા ગૌરવની બાબત છે. હકીકતે આ પિનકોડ સંપૂર્ણપણે ભારતીય હોવા છતાં ભારતની બહાર આવેલો છે.
ભારતીય વાયુસેનાના ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમ-4 (Axiom-4) મિશન હેઠળ 18 દિવસ આંતરરાષ્ટ્રીય અવકાશમથક (ISS) પર રહ્યા બાદ ગત સપ્તાહે 15 જુલાઈના રોજ પૃથ્વીલોક પર પાછા ફર્યા. આ મિશનમાં તેમની સાથે અમેરિકા, પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રીઓ પણ હતા. શુભાંશુ શુક્લા 1984માં રાકેશ શર્મા બાદ અવકાશમાં ગયેલા બીજા ભારતીય અવકાશયાત્રી છે. મળતી માહિતી મુજબ આ મિશન દરમિયાન શુભાંશુએ 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા, જેમાં અવકાશમાં મગ અને મેથીનાં બીજ ઉગાડવાનો રસપ્રદ અભ્યાસ પણ સામેલ છે. ભવિષ્યના ચંદ્ર અથવા મંગળ મિશન માટે ટકાઉ ખેતીની દિશામાં મહત્ત્વનું પગલું છે.
અવકાશયાત્રીઓ માટે ખોરાક મેળવવો, એ એક મોટી સમસ્યા છે, કેમ કે હજી સુધી પૃથ્વીની બહાર ક્યાંય ખેતી થતી નથી, પણ એમ તો પૃથ્વી ઉપરેય એવાં ઘણાં સ્થળો છે, જ્યાં ખેતી નથી થતી. ત્યાં પણ વૈજ્ઞાનિકો વિવિધ રિસર્ચ વર્ક માટે જાય જ છે. એટલું જ નહિ પણ ખોરાકના સીમિત પુરવઠા સાથે દિવસો સુધી રોકાય પણ છે. કમનસીબે આપણને એ વિશે બહુ જાણ નથી. આવી જ એક રસપ્રદ જગ્યા એટલે ઠેર ઠેર બરફથી છવાયેલો દેખાતો એન્ટાર્કટિકા ખંડ. ગર્વ કરવા જેવી બાબત એ છે કે આવા દુર્ગમ સ્થળે પણ આપણો ભારત દેશ પોતાની રિસર્ચ લેબોરેટરી ધરાવે છે. એથીય વધુ ગર્વની બાબત એ છે કે માનવીય વસવાટ માટે અત્યંત પ્રતિકૂળ એવા આ ખંડમાં ભારત ત્રણ-ત્રણ રિસર્ચ લેબોરેટરી બનાવી ચૂક્યું છે.
`Indian Antarctic Programme' એ ભારતનો એન્ટાર્કટિકામાં વૈજ્ઞાનિક સંશોધન અને અભ્યાસ માટેનો એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે, જે 1981માં શરૂ થયો હતો. આ કાર્યક્રમ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (Ministry of Earth Sciences) હેઠળ નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચ (NCPOR), ગોવા દ્વારા સંચાલિત થાય છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એન્ટાર્કટિકાના પર્યાવરણ, ભૂસ્તરશાસ્ત્ર, હવામાન અને જૈવવિવિધતા પર સંશોધન કરવાનો છે. 1981થી લઈને 2025 સુધીમાં ભારતે 40થી વધુ અભિયાનો હાથ ધર્યાં છે. જેમાં હવામાન, ભૂસ્તરશાસ્ત્ર, ગ્લેશિયોલોજી અને જૈવિક સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
1983-84 ભારતીય સંશોધકોએ સૌ પ્રથમવાર એન્ટાર્કટિકા ખંડ પર પગ મૂક્યો. 81 સભ્યોના આ દળમાં સુદીપ્તા સેનગુપ્તા નામના એક મહિલા પણ સામેલ હતાં. (વાહ! ગૌરવ લઇ શકાય એવી એક ઔર વાત) આ દળે દુર્ગમ ગણાતા એન્ટાર્કટિકા ખંડ પર ભારતનું પહેલું રિસર્ચ સ્ટેશન બનાવ્યું. નામ અપાયું `દક્ષિણ ગંગોત્રી'. આજે તો હવે ભારતે બીજા પણ રિસર્ચ સ્ટેશન્સ વિકસાવી લીધાં છે. એટલે દક્ષિણ ગંગોત્રીનો ઉપયોગ સંશોધન કાર્ય માટે નથી થતો. તેમ છતાં લોજિસ્ટિક સપ્લાય બેઝ તરીકે આ સ્ટેશન આજેય કાર્યરત છે. એ પછી 1989મા ભારતે `મૈત્રી' નામે બીજું રિસર્ચ સ્ટેશન સ્થાપ્યું. આ સ્ટેશન ભૂસ્તરશાસ્ત્ર, ગ્લેશિયોલોજી અને હવામાન અભ્યાસ માટે જાણીતું છે. તે 25 વૈજ્ઞાનિકો અને સ્ટાફને સમાવી શકે છે. 2012માં તો આપણું ત્રીજું એન્ટાર્કટિકા રિસર્ચ સેન્ટર `ભારતી' પણ તૈયાર થઇ ગયું. આ સ્ટેશન સમુદ્ર વિજ્ઞાન, ખંડીય વિભાજન અને રિમોટ સેન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે 72 વ્યક્તિઓને સમાવી શકે છે. ભારતી સ્ટેશન `એન્ટાર્કટિક ગ્રાઉન્ડ સ્ટેશન ફોર અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ્સ - AGEOS' તરીકે ISRO દ્વારા પણ ઉપયોગમાં લેવાય છે, જે CARTOSAT-2 અને SCATSAT-1 જેવા ઉપગ્રહોનો ડેટા એકત્રિત કરે છે.
2030 સુધીમાં તો `મૈત્રી-2' નામથી આપણા ચોથા રિસર્ચ સેન્ટરનું નિર્માણકાર્ય પણ શરૂ થઇ જશે.
ઓકે ફાઈન, પણ આ બધાનો ફાયદો શું? અનેક વૈજ્ઞાનિક અભ્યાસ માટેનો ડેટા આ રિસર્ચ સેન્ટર્સ થકી મળી શકે છે. એ સિવાય બીજાં પણ અત્યંત મહત્ત્વનાં સંશોધનો આ રિસર્ચ સેન્ટર્સને કારણે શક્ય બને છે. જેમ કે, આપણા સંશોધકો ભારતીય ઉપખંડના 120 મિલિયન વર્ષ જૂના ભૌગોલિક ઇતિહાસ અને ખંડીય વિભાજનનો અભ્યાસ આ જ રિસર્ચ સેન્ટર્સ દ્વારા કરી રહ્યા છે. આ ઉપરાંત દરિયાઈ પર્યાવરણ, દરિયાઈ જૈવવિવિધતા અને વૈશ્વિક વેપાર-વાણિજ્ય જેના પર મોટા પાયે નિર્ભર છે એવા દરિયાઈ પ્રવાહોનો (Ocean currents) અભ્યાસ પણ અહીંથી જ થાય છે. ભારતીય સંશોધકોએ આ સેન્ટર્સ થકી જ ત્રીસથી વધુ સૂક્ષ્મજીવો શોધી કાઢ્યા છે.
એક વાત નોંધી લેજો કે આજની તારીખે એન્ટાર્કટિકા ખંડ જગતના ઢગલાબંધ જેટલા દેશોના રિસર્ચ સેન્ટર્સથી ઊભરાય છે, પરંતુ યુએસએ, રશિયા, ચાઈના અને યુકેના રિસર્ચ સેન્ટર્સ સૌથી સુસજ્જ મનાય છે. બીજી હરોળમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને જાપાનનો નંબર આવે. ભારત અન્ય દેશો (જેમ કે રશિયા, ઓસ્ટ્રેલિયા) સાથે લોજિસ્ટિક્સ અને સંશોધનમાં સહયોગ કરે છે. જ્ઞાન વહેંચવાથી વધે, યુ નો!
અને છેલ્લે વાત પેલા પિનકોડની. 2024માં એન્ટાર્કટિકા ખંડના `ભારતી' સ્ટેશન ખાતે આપણા પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નવી પોસ્ટઓફિસ ખોલવામાં આવી, જેનો પિનકોડ MH-1718 છે. આ પોસ્ટઓફિસ ગોવા પોસ્ટલ ડિવિઝન હેઠળ આવે છે. YouTube ઉપર bharti research centre Antarctica લખીને સર્ચ કરશો તો જોવાની મોજ પડી જશે.
