અંધારી રાત હતી. આકાશમાં ચાંદનીનો પ્રકાશ ઝાંખો પડી રહ્યો હતો અને પ્રયાગરાજના શંકરગઢનાં નિર્જન જંગલોમાં એક ભયાનક શાંતિ છવાયેલી હતી. ઝાડની ડાળીઓ વચ્ચે હવાનો હળવો સૂસવાટો સંભળાતો હતો, પરંતુ એક એવી હાજરી હતી, જે આ શાંતિને ચીરી નાખતી હતી.
તે હાજરી હતી રામ નિરંજન કોલ નામની વ્યક્તિની કે જેને લોકો રાજા કોલંદર તરીકે ઓળખતા થયા. એક સમયે સરકારી કર્મચારીની સામાન્ય જિંદગી જીવનાર આ માણસના હૃદયમાં એવો અંધકાર વ્યાપેલો હતો, જેની કલ્પના કોઈ સ્વપ્ને પણ ન કરી શકે. તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી, જે ડર અને રહસ્યનું મિશ્રણ રજૂ કરતી હતી. આ કહાની છે એક એવા માણસની, જેના નામે લોકોનાં રુવાડાં ઊભાં થઈ જાય છે. એક સીરિયલ કિલર, નરભક્ષી અને ખોપરીઓનો શોખીન.
1998ની એક ઠંડી શિયાળાની રાત. પ્રયાગરાજનો ધૂમનગંજ વિસ્તાર ઊંઘમાં ડૂબેલો હતો. શેરીઓ ખાલી હતી, ફક્ત રખડતાં કૂતરાંના ભસવાનો અવાજ આવતો હતો. કાલીચરણ શ્રીવાસ્તવ નામનો એક યુવક કે જે ટીવી-વીસીઆર ભાડે આપવાનું કામ કરતો હતો, તે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તેની પાસે થોડી આશાઓ અને થોડાં સપનાંઓથી ભરેલું એક સામાન્ય જીવન હતું, પરંતુ તે રાતે તેની નજર એક એવી આકૃતિ પર પડી, જે અંધારામાં ઊભી હતી. એ આકૃતિ હતી રાજા કોલંદરની. તેના હાથમાં એક ધારદાર હથિયાર ઝબકી રહ્યું હતું અને તેના ચહેરા પર એક ઠંડું, નિર્દય હાસ્ય હતું. રાજા કોલંદરને જોઈને કાલીચરણનું હૃદય ક્ષણભર ધડકવું બંધ થઈ ગયું અને ત્યારબાદ રાજા કોલંદરે તેનું હૃદય કાયમ માટે બંધ કરી દીધું. કાલીચરણ તે રાત્રીએ પોતાના ઘરે પહોંચ્યો નહીં. આ રાજા કોલંદરની પ્રથમ નોંધાયેલી હત્યા હતી, પરંતુ આ હત્યા એ એના ખૂની ખેલની શરૂઆત હતી.
રાજા કોલંદરનો જન્મ 1962માં પ્રયાગરાજના શંકરગઢમાં થયો હતો. કોલ જાતિનો આ માણસ એક સમયે છીવકીમાં આવેલા CDO એટલે કે કેન્દ્રીય આયુધ ભંડારમાં ડ્રાઇવર અને સરકારી કર્મચારી તરીકે કામ કરતો હતો. રામ નિરંજન કોલ આદિવાસી સમુદાયનો હતો અને શંકરગઢમાં રહેતો હતો. 90ના દાયકામાં તેણે વ્યાજ પર પૈસા ઉધાર આપવાનો વ્યવસાય શરૂ કર્યો અને રાજકારણમાં પણ સક્રિય થયો.
બહારથી જોતાં રામ નિરંજન કોલ એક સામાન્ય પરિવારનો માણસ દેખાઈ રહ્યો હતો. પત્ની, બે પુત્રો અને એક નાનું ઘર, પરંતુ તેના મનમાં એક એવું તોફાન ચાલી રહ્યું હતું, જે ધીમે ધીમે તેના જીવનને ગ્રસી ગયું. વર્ષ 1998ની તે રાતે જ્યારે તેણે કાલીચરણની હત્યા કરી, તેનું જીવન બદલાઈ ગયું. તે ફરાર થઈ ગયો, પરંતુ તેની અંદરનો રાક્ષસ હવે જાગી ચૂક્યો હતો.
જેમ જેમ રામ નિરંજનનું ગુનાહિત જીવન આગળ વધતું ગયું તેમ તેમ તેનું નામ પણ બદલાયું. કોલ સમાજમાં તેના આતંક અને પ્રભુત્વને કારણે લોકો તેને `રાજા કોલંદર' કહેવા લાગ્યા. તેની ક્રૂરતા અને ગુનાઓને કારણે આ નામ પોલીસ ફાઇલોથી લઈને સામાન્ય લોકો અને ગુનાની દુનિયા સુધી પ્રખ્યાત થયું. આ નામ તેની ભયાનક છબીનું પ્રતીક બની ગયું. તેને લાગ્યું કે તે લોકોને તેમનાં કાર્યો માટે સજા આપી શકે છે, તેથી તેણે પોતાને રાજા કોલંદર કહેવાનું શરૂ કર્યું.
વર્ષ 2000માં રાજા કોલંદરની ભયંકરતા સમગ્ર દેશ સામે આવી. લખનૌના ચારબાગ રેલવે સ્ટેશન પાસે એક 22 વર્ષનો યુવક મનોજ કુમારસિંહ પોતાની ટેક્સીમાં પોતાના ડ્રાઇવર રવિ શ્રીવાસ્તવ સાથે ઊભો હતો. બંને રાતના સમયે એક મુસાફરની રાહ જોતા હતા. અચાનક જ રાજા કોલંદર તેમની સામે આવ્યો. તેની આંખોમાં એક ભૂખ હતી, ન ફક્ત હત્યાની, પરંતુ કંઈક વધુ ભયાનકની. રાજા કોલંદરને પોતાની બહેન સાથેની મનોજની મિત્રતા અને તેની વધતી ખ્યાતિ ખટકતી હતી. બીજે દિવસે શંકરગઢનાં જંગલોમાં રવિ અને મનોજ બંનેનાં શરીર વિકૃત હાલતમાં મળી આવ્યાં. તેમની ખોપરીઓ ગાયબ હતી અને શરીર પર એવાં નિશાન હતાં, જે દર્શાવતાં હતાં કે હત્યારો માત્ર લોહીનો ભૂખ્યો નહોતો, પરંતુ કંઈક વધુ ઘૃણાસ્પદનો શોખીન હતો.
રાજા કોલંદરની સૌથી ચોંકાવનારી હત્યા હતી પત્રકાર ધીરેન્દ્રસિંહની. વર્ષ 2000માં ધીરેન્દ્ર કે જે પોતાની નીડર પત્રકારિતા માટે જાણીતો હતો, તેણે રાજાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને હત્યાઓ વિશે સંશોધન કરવાનું ચાલુ કર્યું. રાજાની વિરુદ્ધ તેણે કેટલાક લેખ પણ લખ્યા. આથી રાજા કોલંદરને પત્રકાર ધીરેન્દ્ર પગના કાંટાની જેમ ખૂંચી રહ્યો હતો. રાજા કોલંદરને બીક હતી કે ધીરેન્દ્રનું રિસર્ચ અને તેણે લખેલા લેખોમાંથી પોલીસને કદાચ પોતાની વિરુદ્ધ કોઈ પુરાવો મળી શકે છે. આથી તેણે ધીરેન્દ્રને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યું.
એક રાત્રે જ્યારે ધીરેન્દ્ર પોતાના ઘરની નજીક લટાર મારી રહ્યો હતો ત્યારે રાજા કોલંદરે તેને પોતાની જાળમાં ફસાવ્યો. ત્યારબાદ ધીરેન્દ્રનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી. તેની હત્યા એટલી નિર્દય હતી કે પોલીસ પણ ચોંકી ગઈ. ધીરેન્દ્રનું શરીર પ્રયાગરાજના એક નિર્જન વિસ્તારમાં મળ્યું અને તેની ખોપરી પણ ગાયબ હતી. આ હત્યાએ રાજા કોલંદરના રાક્ષસી ચહેરાને દેશ સામે લાવ્યો.
રાજા કોલંદરના અપરાધો ફક્ત હત્યાઓ સુધી મર્યાદિત ન હતા. તેને એક ભયાનક અને વિકૃત શોખ પણ હતો, માનવ ખોપરીઓ એકઠી કરવાનો. પોલીસે જ્યારે તેના શંકરગઢના ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો, ત્યારે તેમને એક એવું દૃશ્ય જોવા મળ્યું, કે જેને સમાચારપત્રોએ પોતાના પ્રથમ પાના પર સ્થાન આપ્યું. રાજાના ફાર્મહાઉસની દીવાલ પર ઝાડની ડાળીઓ પર ડઝનબંધ ખોપરીઓ લટકી રહી હતી. દરેક ખોપરી પર મૃતકનાં નામ અને જાતિ લખેલી હતી અને દરેક ખોપરીને ખાસ રીતે રંગવામાં આવી હતી. રાજા આ ખોપરીઓને પોતાની `ટ્રોફી' માનતો હતો. આટલું જ નહીં પોલીસને એવા પુરાવા મળ્યા કે તે પોતાના શિકારના મગજનો સૂપ બનાવીને પીતો હતો અને તેનો ઉપયોગ તંત્ર-મંત્રની પ્રવૃત્તિઓમાં પણ કરતો હતો.
પોલીસને રાજા કોલંદરની ધરપકડ વખતે એક ડાયરી પણ મળી આવી કે જેણે સમગ્ર રહસ્યનો પર્દાફાશ કર્યો. આ ડાયરીમાં તેણે પોતાની દરેક હત્યાનું વિગતવાર વર્ણન કર્યું હતું. કેવી રીતે તેણે શિકારને ફસાવ્યો? કેવી રીતે હત્યા કરી? અને કેવી રીતે ખોપરીઓ એકઠી કરી? આ ડાયરીએ સાબિત કર્યું કે રાજા કોલંદર એક ઠંડા દિમાગનો હત્યારો હતો, જે પોતાના અપરાધોની યોજના બનાવતો અને તેને અમલમાં મૂકતો.
રાજા કોલંદરની ધરપકડ એક લાંબી અને જોખમી પ્રક્રિયા હતી. પોલીસે તેનો પીછો શરૂ કર્યો અને ઘણાં વર્ષોની તપાસ બાદ તેને વર્ષ 2001માં ઝડપી લેવામાં આવ્યો. તેની સાથે તેનો સાળો બચ્છરાજ કોલ પણ પકડાયો, જે તેના ઘણા અપરાધોમાં સાથી હતો. પોલીસે તેના ફાર્મહાઉસમાંથી 14 ખોપરીઓ અને અન્ય માનવ અવશેષો જપ્ત કર્યા,
જે રાજાના નરભક્ષી વ્યક્તિત્વના પુરાવા હતા.
કોર્ટમાં તેનો મુકદમો લાંબો ચાલ્યો. વર્ષ 2012માં તેને અને બચ્છરાજને પત્રકાર ધીરેન્દ્ર સિંહની હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યા. સૌથી મહત્ત્વનો ચુકાદો આવ્યો 23 મે, 2025ના રોજ, જ્યારે લખનૌની ADJ કોર્ટના ન્યાયાધીશ રોહિતસિંહે રાજા કોલંદર અને બચ્છરાજ કોલને વર્ષ 2000ના ડબલ મર્ડર કેસમાં આજીવન કેદની સજા ફટકારી. આ કેસમાં તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 364 (અપહરણ), 394 (હત્યા સાથે ડકૈતી), 201 (પુરાવા નાશ કરવા) અને 412 (ડકૈતી દરમિયાન ચોરાયેલી મિલકત સ્વીકારવી) હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા. દરેક પર 2.5 લાખ રૂપિયાનો દંડ પણ લાદવામાં આવ્યો, જેમાંથી એક ભાગ પીડિત પરિવારોને વળતર તરીકે આપવામાં આવશે.
આ ચુકાદો એક લાંબી લડાઈનો અંત હતો. પીડિતોના પરિવારો, જેમણે વર્ષોની પીડા સહન કરી, આખરે ન્યાયની એક આશા મળી, પરંતુ રાજા કોલંદરનો હસતો ચહેરો, જે જેલમાં લઈ જવાતી વખતે પણ નિર્દય દેખાતો હતો, લોકોના મનમાં એક પ્રશ્ન છોડી ગયો, કોઈ માણસ આટલો નિર્દય કેવી રીતે બની શકે?
રાજા કોલંદરનું મન એક રહસ્યમય ગુફા હતું, જેમાં ફક્ત અંધકાર જ હતો. તે પોતાને `રાજા' માનતો અને તેના ફાર્મહાઉસમાં એક `અદાલત' બેસાડતો, જ્યાં તે પોતાના શિકારની ખોપરીઓને સજા સંભળાવતો. તેના ચહેરા પર ક્યારેય પસ્તાવો નહોતો. જ્યારે પોલીસે તેને પકડ્યો, ત્યારે તે હસતો હતો, જાણે તેના અપરાધો એક રમત હોય.
તેના ફાર્મહાઉસની દીવાલો પર ખોપરીઓની હારમાળા, તેની ડાયરીનાં પાનાંઓમાં લખેલી હત્યાઓની વિગતો અને તેની નિર્દય હાસ્ય, આ બધું એક એવા માણસની વાત કરે છે, જે માનવતાથી દૂર થઈ ગયો હતો. તેની નરભક્ષી વૃત્તિ કે જેમાં તે મનુષ્યના મગજનો સૂપ બનાવીને પીતો, એક એવું રહસ્ય છે જે આજે પણ લોકોને ચોંકાવે છે.
રાજા કોલંદર આજે જેલની ચાર દીવાલોમાં બંધ છે, પરંતુ તેના નામનો ડર હજુ પણ શંકરગઢનાં જંગલોમાં ગુંજે છે. તેની કહાણી એક ચેતવણી છે કે સૌથી સામાન્ય દેખાતો માણસ પણ પોતાની અંદર એક રાક્ષસ છુપાવી શકે છે.
