દ્રાક્ષનું નામ પડે એટલે પેલી શિયાળવાળી બાળવાર્તા યાદ આવી જાય. જોકે, શિયાળથી દ્રાક્ષ ન પડી એટલે દ્રાક્ષ ખાટી છે, એમ કહીને ચાલવા માંડે છે, પણ દુનિયામાં એવી પણ દ્રાક્ષ થાય છે, જેનો ભાવ સાંભળીને આપણને પણ શિયાળની જેમ દ્રાક્ષ ખાટી લાગવા માંડે. દુનિયામાં સૌથી મોંઘી દ્રાક્ષ છે-રુબી રોમન.
નાસિક તરફ જાવ એટલે રસ્તામાં દ્રાક્ષની વાડી દેખાવા માંડે. જમીનથી ઊંચે વેલા ફેલાયેલા હોય અને સીઝન હોય તો દ્રાક્ષના લૂમખા લટકતા જોવા પણ મળી જાય. દ્રાક્ષનું નામ લો એટલે નજર સામે લીલી ગોળમટોળ કે લાંબી દ્રાક્ષ જ નજર સામે આવી જાય. જોકે, લીલી ઉપરાંત લાલ રંગની દ્રાક્ષ પણ આપણે ત્યાં થાય છે. એમ છતાં દુનિયામાં તો દ્રાક્ષની અનેક જાત જોવા મળે છે. આપણે ત્યાં મળતી દ્રાક્ષનો ભાવ આપણા ખિસ્સાને પરવડે એવો હોય છે. એટલે તે સીઝનમાં અમીર ગરીબ બધા જ તેનો લુત્ફ ઉઠાવતા હોય છે, પરંતુ દુનિયામાં દ્રાક્ષની એક જાત એવી છે કે તે ખાવાનું આપણા જેવા સામાન્ય લોકોનું કામ નથી. એ દ્રાક્ષની જાતિનું નામ રુબી રોમન છે.
જાપાનમાં થતી આ દ્રાક્ષ લાલ રંગની હોય છે. 1995માં દ્રાક્ષની આ જાત શોધાઈ હતી. જાપાનના ઈશિકાવા વિસ્તારમાં દ્રાક્ષ ઊગી શકે એવી જાત વિકસાવવા માટે ખેડૂતોએ વિજ્ઞાનીઓને અપીલ કરી હતી. પ્રિફેક્ચુરલ એગ્રિકલ્ચર રિસર્ચ સેન્ટરના વિજ્ઞાનીઓએ દ્રાક્ષના 400 છોડવા પર લગભગ 14 વર્ષ સુધી સંશોધન કરીને એક નવી જ જાતની દ્રાક્ષ શોધી હતી. વાસ્તવમાં વિજ્ઞાનીઓએ વિકસાવેલા 400 છોડમાંથી ફક્ત ચાર જ છોડ ઉપર લાલ દ્રાક્ષ બેઠી હતી. એ ચાર જાતના છોડમાંથી એક જાતની દ્રાક્ષે ખેડૂતોને આકર્ષિત કર્યા હતા. જોકે, એ પછી પણ તેના પર સંશોધન થતાં રહ્યાં હતાં. શરૂઆતમાં તો તેની ખેતી છૂટીછવાઈ થતી રહી હતી, પરંતુ 2008માં પહેલી વખત મોટા પાયે તેની ખેતી શરૂ થઈ અને એ જ વર્ષે બજારમાં પહેલી વખત વેચાણમાં આવી હતી. 17 વર્ષમાં પહેલી વખત આ દ્રાક્ષનો 700 ગ્રામનો લૂમખો 73,000 રૂપિયામાં વેચાયો હતો.
જાપાનના ઈશિકાવા વિસ્તારમાં થતી રુબી રોમન નામની દ્રાક્ષની ખેતી પણ ખાસ કાળજીથી કરવામાં આવે છે. ખાસ તો તેનો આકાર, સ્વાદ અને રંગ ઉપર ખેડૂતો પૂરતું ધ્યાન આપે છે. એક જ રુબી રોમન દ્રાક્ષ 20 ગ્રામની હોય છે! રુબી રોમન દ્રાક્ષના એક લૂમખામાં ફક્ત 24 દ્રાક્ષ જ હોય છે. તેના પરથી જ દ્રાક્ષ કેટલી મોટી હોય એનો ખ્યાલ આવી જાય. આ દ્રાક્ષ ખૂબ જ મીઠી હોય છે. તેનો રંગ પણ લોકોને ગમી જાય એવો હોય છે. જાપાનમાં લોકો આ દ્રાક્ષ એકબીજાને ભેટમાં આપતા હોય છે. રુબી રોમન દ્રાક્ષ બીજી જાતિની દ્રાક્ષ કરતાં ચાર ગણી મોટી હોય છે. તે મીઠી હોવા ઉપરાંત રસીલી હોય છે. રુબી રોમન દ્રાક્ષને જાપાનમાં લક્ઝરી ફ્રૂટની યાદીમાં સામેલ કરવામાં આવી છે. ના, આ દ્રાક્ષ તેના આકાર કે સ્વાદને કારણે લક્ઝરી ફળ બન્યું નથી, પણ તેના ભાવને કારણે એ દ્રાક્ષ સામાન્ય લોકોને પરવડે એમ જ નથી. શ્રીમંત લોકો જ એ ખરીદી શકે એમ છે. જોકે, ફળ જ્યારે લક્ઝરી હોય, ત્યારે તે વેચાય થોડું. શ્રીમંતો તેની નિલામી કરીને ઊંચા ભાવે ખરીદે છે અને તેથી જ તેનો ભાવ 9 લાખ રૂપિયા જેટલો ઊંચો છે. એક લૂમખામાં 24 દ્રાક્ષ ગણીએ તો એક દ્રાક્ષ 25 હજારમાં પડે.
સવાલ તો એ થાય કે એવું તે શું છે કે આ દ્રાક્ષના આટલા ઊંચા દામ ઊપજે?
એક તો રુબી રોમનના રંગરૂપ બીજી જાતોની દ્રાક્ષ કરતાં વધુ મનમોહક છે. એ ઉપરાંત તેમાં સુગરનું પ્રમાણ ફક્ત 20 ગ્રામ સુધી જ હોય એ જરૂરી છે. એ માટે ખેડૂતોએ ખાસ ધ્યાન આપવું પડે છે. રસદાર અને ઓછી ખાંડને કારણે જ શ્રીમંતો તેના ઊંચા દામ ચૂકવે છે, પણ આપણા માટે તો એ દ્રાક્ષ ગમે એટલે મીઠી હોય તો પણ સાવ ખાટી જ લાગે કે નહીં?