સોક્રેટિસે વડીલો અને યુવાનો વિશે કહ્યું હતું કે, છોડોને. શું ફેર પડે? કોને રસ છે સોક્રેટિસ શું બફાટ કરી ગયો એના વિશે? ફિલ્મ એપ્રિશિએશન ભણાવવા માટે ભાવિ પત્રકારોના એક ક્લાસમાં સાથી શિક્ષકે કહેલું કે આ છોકરાઓને ગુરુદત્ત કોણ છે

એ ખબર નથી એ હજુ ક્ષમ્ય છે, પણ સુનીલ દત્ત કોણ છે એ પણ ખબર નથી એ કારમો આઘાત કેમ સહન કરી લેવો? વળી, આ કિસ્સો આજકાલનો નહીં પણ દસ વર્ષ પહેલાંનો છે. હવે વિચારો વાચકબાબુ, આજની પેઢી ક્યાં પહોંચી હશે? જ્યાં પણ પહોંચી હશે ત્યાં, પણ આ પૂર્તિનું પાનું એના હાથમાં નથી એ ખાતરી છે. છેલ્લે કઈ જનરેશન-ઝીના બાળકને હાથમાં છાપા સાથે જોયેલું? ઇટ ઇઝ અનપોસિબલ. જોડણી કે શબ્દ ભલે ખોટો હોય, સૈયારા ફિલમ જોઈને ભાંગી પડતા અને હિબકે ચડતા આ ઢાંઢાં બાળકોની પેઢીને શું ફરક પડે છે? બસ મજા આવવી જોઈએ અને બધું ઇન્સ્ટા સ્ટોરીમાં ચડવું જોઈએ બસ.

યુગોથી એ પરંપરા રહી છે કે જૂની પેઢી નવી પેઢીનો વાંક કાઢે. વડીલોનો ચોક્કસ વાક્યપ્રયોગ ફેવરિટ હોય છે, "આજકાલની પેઢી તો જુઓ." પોતાના જમાનાની વાત કરવી એ જૂની પેઢીની પ્રિય પ્રવૃત્તિ હોય છે. પહેલાં સમય વાવણીની સીઝન મુજબ માપવામાં આવતો, ચંદ્રની કળા ઉપરથી માપવામાં આવતો. હવે આજની પેઢી વાઇફાઇ થકી ડાઉનલોડ થતા કન્ટેન્ટની સ્પીડથી અને બેટરીની લાઈફ થકી સ્પીડ માપે છે. પ્રશ્ન: તારા ઘરથી કેફે કેટલું દૂર? જવાબ: બસ ચાર ગીત સંભળાઈ જાય એટલું! બરાબર છે. વડીલોને છાપામાં સોનાના ભાવ જોવા ગમતા. હવે પોતાની રીલના વ્યૂઝ અને ઇનસાઇટ એનાલિસિસ કરવામાં મજા આવે છે. એક જમાનો હતો કે ત્યારના લોકોની મુખ્ય ચિંતા સર્વાઇવલની હતી, માણસ મરી ન જાય એ મુખ્ય ફોકસ રહેતું. એના પછી હવા, પાણી અને મકાનવાળી પેઢીઓ આવી, જેને આપણાં દાદા-દાદી કે મમ્મી-પપ્પા રિપ્રેઝન્ટ કરે છે. આજની પેઢી ડિજિટલ ફૂટપ્રિન્ટ, લાઇક્સ, વિઝિબિલિટીને લઈને પણ સ્ટ્રેસમાં આવી જાય છે કે આપઘાત કરી લે છે. જનરેશન ગેપ રહેવાનો પણ જનરેશનલ બ્રિજ કેટલો મજબૂત બનાવી શકીએ છીએ એ આપણે જોવાનું રહ્યું.

આવી બધી ચીકની ચમેલી ડાહી ડાહી વાતો સાઈડમાં રાખવી પડે એવો માહોલ છેલ્લા અઠવાડિયામાં જોયો. આ બધું સમજીએ પણ નવી પેઢી સાવ આવા ગાંડા કાઢે એ પણ કોઈ ફાલતુ વસ્તુમાં, તે અકલ્પનીય, અવર્ણનીય, અપાચ્ય અને અક્ષ્મય અપરાધ છે. ભાગ્યે જ સિનેમાહોલમાં જઈને પિક્ચર જોતી આ પેઢી અચાનક કીડી મંકોડાની જેમ ઊભરાઈ આવી. આ લોકો માટે મોબાઈલના પાંચ ઇંચની સ્ક્રીન જ અડધી દુનિયા છે. જેન-ઝીની આંખ સામે તેની આખી જિંદગી દરમિયાન કુલ મળીને જેટલી વખત નાની સ્ક્રીન રહી હશે એનાથી વધુ સમય નાઇન્ટીઝ કિડ્સ અને એનાથી સિનિયર પેઢીની આંખ સામે મોટી સ્ક્રીન રહી હશે (ટીવી + સેવન્ટી એમએમ પડદો). તમે જે માણસ (કે જે વસ્તુ) સાથે વધુ સમય વિતાવો એવા તમે થતા જાઓ એવું મનોવિજ્ઞાન કહે છે. એવો આપણો અનુભવ પણ છે. આ જેન-ઝીડાઓનું વિઝન જ સાડા ચાર ઇંચમાં સમાઈ જતું હશેને. ઇન્હોંને કુછ ખાસ બડા વિઝ્યુઅલ તો દેખા નહીં હૈ, પણ સમસ્ત જનરેશન ઝેડને એક લાકડીએ હાંકવી ખોટી છે. કોઈ ટીનેજર આ વાંચતું હશે તો વળી પાછો સવાલ થશે કે આ `એક લાકડીએ હાંકવું' એટલે શું? એનો અર્થ એ કે જનરલાઇઝેશન ન કરવું જોઈએ એમ. બધા ટીનેજર કંઈ એવા ખાલી ખોપરીવાળા નથી હોતા. સોમાંથી અઠ્ઠાણુ નિબ્બા-નિબ્બીના વેવલાવેડા કરતા હોય તો બાકીના બે બિચારાને આમાં હાંકી ન લેવાય ને કંઈ.

એ જમાનો આપણે ઘણાએ જોયો છે જ્યારે એવું કહેવાતું કે ભારતે ઇઝરાયેલ પાસેથી શીખવું જોઈએ અને ઇઝરાયેલની જેમ જ ભારતમાં બધાને લશ્કરી તાલીમ ફરજિયાત મળવી જોઈએ. લશ્કરમાં કપાયેલા પગે કલાકો સુધી લડ્યાના દાખલા છે. ભારતના લશ્કરી ઇતિહાસમાં પોતાની બટાલિયનના જખમી સાથીદારને ખભે ઉપાડીને પંદર-વીસ કિલોમીટર સુધી દોડ્યાના દાખલાઓ છે. જે મિત્રના ઘરે એના લગ્નપ્રસંગમાં ગયા હોય એ જ મિત્રના ઘરે એના ઘરના સભ્યોને એના જ મિત્રના મૃત્યુના ખબર દેવા જવું પડે એવા કિસ્સાઓ બનતા આવ્યા છે. હવે માની લો કે આજની તારીખથી આ જેન-ઝીડાઓની લશ્કરી તાલીમ ફરજિયાત કરી દઈએ તો એ લોકો આટલો સ્ટ્રેસ, આટલું દુઃખ, અચાનક તૂટી પડતું આભ અને આવા કારમા આઘાત કેમ સહન કરે? એ બિચારાઓને તો સામાન્ય પિક્ચર જોતાં જોતાં સીપીઆર આપવું પડે છે. પોતાના ઇમોશન્સ કંટ્રોલ નથી થતાં જેનાથી એ દેશનું રખોપું કઈ રીતે કરવાના?

સૈયારામાં તો પચાસ ભાડુતી છોકરાઓને બોલાવીને પબ્લિસિટી સ્ટંટ કરેલો. એમની રીલ વાઇરલ થઈ ને એના પછી સ્વયંભૂ ચિનગારી આગ મેં પલટ ગઇ. વિશ્વસનીય સૂત્રો પરથી તો આ જ માહિતી મળી છે કે આ બધું ફિલ્મના માર્કેટિંગ ગિમિકનો ભાગ હતો જે અણધાર્યો સફળ થયો. તો તો આ નિબ્બા/નિબ્બીની પેઢી વધુ મૂરખ કહેવાય. આટલા કાચા કાનની પેઢી તો ઇતિહાસમાં ક્યારેય આવી જ નથી. પ્રજાને ઝુકાવી શકાય છે આવું સાંભળેલું છે, પણ આ છપરી ગેંગ તો આળોટી રહી છે. આ લોકોના ભરોસે સરહદ તો શું ફ્રીઝનું બારણું પણ ન મુકાય.

આખો દિવસ રીલ જોતા કે કન્ટેન્ટ બનાવતા મગજ સંકોચાઈ ગયું છે, પણ પોતાને માને ઓપન માઇન્ડેડ. પણ અટેન્શન સ્પાન-ઝીરો. સૈયારા પછી તો માઇનસમાં થઈ ગયો લાગે છે.

કારણ કે મગજ ત્રીસ સેકન્ડની રીલ જોવા ટેવાયેલું છે. ત્રીસ સેકન્ડ સરખો એક વીડિયો જોયો કે ન જોયો, એવું તરત સ્ક્રોલિંગ. બીજા ચહેરાઓ, બીજું મ્યુઝિક, બીજા કલર્સ, બીજી વાત. એની પંદર વીસ સેકન્ડ પછી એ જ પુનરાવર્તન. આવું કલાક સુધી થાય એટલે ફક્ત મગજ જ નહીં, આંખ-કાન પણ નુકસાન પામે. માનસિક-શારીરિક આદતો બદલાઈ જાય. આ રીલ જોવાની આદત જનીનો બદલી નાખે એમ છે. દસ વર્ષ પછી એકાદ રિસર્ચ કે સ્ટડી આવશે જ કે માણસના જિન્સમાં સોશિયલ મીડિયા અને રીલને કારણે મ્યુટેશન આવ્યું, એ સ્ટડીમાં ઘટતા એટેન્શન સ્પાનની ભૂમિકા મુખ્ય હશે.

ડિઅર, સ્નેપચેટ જનરેશન. તમારી પાસે સૌથી વધુ ક્ષમતા છે. ઉત્ક્રાંતિના ચાકડે જનરેશન ઝેડ, જનરેશન આલ્ફા અને બીટા લેટેસ્ટ સોફ્ટવેર સાથે જન્મી છે. તમારી શારીરિક કે માનસિક શક્યતાઓ અપાર છે. તમને કદાચ મહાન વાલીઓ ભલે ન મળ્યા હોય, પણ તમે દુનિયા હલાવી શકો એમ છો. બસ પોતાની જાત સાથે સમય કાઢીને મૌલિક રીતે સ્વતંત્ર નજરે આ દુનિયા અને પોતાનો વર્તમાન જોવાની ટેવ પડી જાય તો બખેબખા. બીજી કોઈ ફરિયાદ છે જેન-ઝી તમને?