આજે પણ આપણે ત્યાં રખડતાં ઢોરોનો મોટો પ્રશ્ન છે, ત્યારે ઘણી વખત સાંઢ લોકો પાછળ દોડે ત્યારે જીવ તાળવે ચોંટી જતો હોય છે.

પરંતુ ટોળું જાણીજોઈને દોડે અને તેની પાછળ સાંઢો દોડતા હોય ને એ જોવા હજારો લોકોની મેદની ઊમટી પડતી હોય ત્યારે એ કોઈ ઉત્સવ હોય એવું માની શકાય ખરું? પરંતુ એવો એક ઉત્સવ સ્પેનમાં દર વર્ષે યોજાય છે. સ્પેન જ નહીં આખી દુનિયામાં એ તહેવાર પાછળ લોકો દીવાના છે. એ તહેવાર એટલે સાન ફર્મિન.

છેક 1926માં વિખ્યાત અંગ્રેજી લેખક અર્નેસ્ટ હેમિંગ્વેએ તેમની ધ સન ઓલ્સો રાઈઝેસ નામની નવલકથામાં સાન ફર્મિનનો ઉલ્લેખ કર્યો, ત્યારથી આ તહેવાર વૈશ્વિક સ્તરે વિખ્યાત થઈ ગયો છે. એ કારણે જ દુનિયાભરના સહેલાણીઓ સાન ફર્મિનના સમયે સ્પેન પહોંચતા હોય છે. આ ઉત્સવ દર વર્ષે 6થી 14 જુલાઈ સુધી યોજાતો હોય છે. વાસ્તવમાં એક મોજમજાનો તહેવાર તો કહેવાય નહીં. આ ફેસ્ટિવલમાં ભાગ લેનારાઓ જીવ સટોસટની બાજી લગાવી દેતા હોય છે. ફિએસ્ટ્સ ડી. સૈન ફર્મિન કે સૈનફરમાઈન્સ તરીકે પણ જાણીતા આ નવ દિવસના આ તહેવારમાં સૌથી મોટું આકર્ષણ સાંઢની દોડનું હોય છે. સાન ફર્મેનની શરૂઆત આતશબાજી સાથે થતી હોય છે.

સ્પેનના નાનકડા શહેર પામપ્લોનામાં આ નવ દિવસના ફેસ્ટિવલમાં ફક્ત બે જ રંગ ચારેકોર જોવા મળે છે. એ બે રંગ એટલે સફેદ અને લાલ રંગ. લાલ રૂમાલ અને સફેદ શર્ટ-પેન્ટ એ આ ઉત્સવની ઓળખ છે. એ ખરું કે એ પરંપરાગત પોશાક હોય છે, જેને પૈનુએલો અને ફજા સફેદ કપડાં પર પહેરવામાં આવે છે. સાંઢની દોડ તરીકે ઓળખાતો આ ઉત્સવ વાસ્તવમાં સાંઢની દોડ તો કહી શકાય નહીં. ખરેખર તો એ દોડ સવારે 8 વાગ્યે શરૂ થાય ત્યારે લોકોનું ટોળું આગળ દોડતું હોય અને પાછળ 6 સાંઢ દોડતા હોય છે. સાંઢથી જીવ બચાવતા રહીને લોકોએ દોડવાનું હોય છે. વળી, આખું ટોળું દોડતું હોય ત્યારે એકબીજા સાથે અથડાઈને પડી ન જવાય તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે. સાંઢની આગળ દોડતા સેંકડો લોકોને જોવા માટે હજારો લોકો એ દોડને જોવા ઊભા રહેતા હોય છે. એ દોડ એવી લોકપ્રિય છે કે તેનું જીવંત પ્રસારણ પણ થતું હોય છે. આ દોડ કંઈ નાની હોતી નથી. 875 મીટર સુધી લોકો દોડતા રહે છે. એમાં વળી વળાંકવાળા માર્ગમાં ક્યાંક સાંકડો માર્ગ હોય, તો ક્યાંક પહોળો હોય, ત્યારે હજારો લોકો માટે દોડવું પણ એક પડકાર હોય છે. આ દોડ ખૂબ જ જોખમી હોવાને કારણે 18 વર્ષથી વધુ વયના લોકો જ બુલ રેસમાં ભાગ લઈ શકે છે. એમ તો દોડમાં ભાગ લેનારાએ શરાબ પણ પીવાનો હોતો નથી, પરંતુ રેડ વાઈન અને સંગરિયા જેવા શરાબનું સેવન સામાન્ય છે.

બુલ રેસ યોજાઈ જાય એ પછી સાંજે બુલ ફાઈટ પણ યોજાય છે. એમ તો સાંઢ સાથેની એ લડાઈ પણ યુરોપના ઘણા દેશોમાં સામાન્ય છે. એટલે બુલ રેસ જેટલું તેનું આકર્ષણ રહેતું નથી, પરંતુ આ ઉત્સવમાં સ્થાનિક પ્રશાસનની જવાબદારી વધી જતી હોય છે. આ દોડ દરમિયાન કેટલાય લોકો પડી જઈને ઈજા પામતા હોય છે. આ ઉત્સવનું લોકોને એટલું ઘેલું લાગ્યું છે કે યુરોપિયન દેશોની ફિલ્મો તથા સીરિયલોમાં પણ સાન ફર્મિનને દર્શાવવામાં આવ્યો છે.

સાંઢની આ દોડ ખતમ થાય એ સાથે જ આ ફેસ્ટિવલનું સમાપન થાય છે. જોકે, એ પછી પણ લોકો ઉજવણી તો કરતા જ રહે છે. ખાસ કરીને પરંપરાગત સંગીત અને ભોજનનો આનંદ લેવા માંડે છે.

જોકે, હજારો લોકો આ ઉત્સવને માણે છે, પણ પ્રાણી ઉપરના અત્યાચારનો વિરોધ કરતા પ્રાણીપ્રેમીઓ આ ઉત્સવ સામે વિરોધ કરે છે. બુલ રેસ છેક 1592થી ચાલે છે, પરંતુ પશુ અધિકાર માટે લડતા કાર્યકર્તાઓ આ રેસની ટીકા કરતા હોય છે. પ્રાણીઓના અધિકાર માટે કામ કરતી પેટા નામની સંસ્થા તો એવો દાવો કરે છે કે બુલ રેસ બાદ સાંઢને દોડાવી દોડાવીને આખરે મારી નાંખવામાં આવે છે. એ કારણે જ સાન ફર્મેન ઉત્સવ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે એવી પણ માંગ થતી રહે છે, પરંતુ એક પરંપરા જાળવવા માટે આ રેસ હજુ પણ ચાલુ છે અને હજારો સહેલાણીઓ એ જોવા માટે ઊમટી પડે છે. લોકો ઊમટી પડે તેનું એક કારણ એ પણ છે કે આ ઉત્સવ શહેરના સંરક્ષક સંત સેન્ટ ફર્મિનના સન્માનમાં ઊજવવામાં આવે છે. એ કારણે જ સાન ફર્મેનનું સમાપન મીણબત્તી સળગાવી પોબરે દે મી ગીત ગાઈને કરવામાં આવે છે.