લોલ! (LOL). આજે આ ત્રણ અક્ષરો હસવાની આખી પ્રક્રિયાને ગળી ગયા છે. કોઈ જોક સંભળાવે તો ખડખડાટ હસવાને બદલે અથવા `બહુ મજા આવી' એવું કહેવાને બદલે આપણી આંગળીઓ સ્ક્રીન પર `LOL' ટાઈપ કરી દે છે. આ વાઇરલ રોગ માત્ર અંગ્રેજી પૂરતો મર્યાદિત નથી રહ્યો, આપણી માતૃભાષા ગુજરાતી પણ હવે આ શોર્ટ ફોર્મ્સની કાતર નીચે કતરાઈ રહી છે. જ્યાં વોટ્સએપ કે સોશિયલ મીડિયાના ચેટબોક્સ ખોલો એટલે તમને જોવા મળશે: `JSK' (જય શ્રી કૃષ્ણ), `SKC?' (શું કરે છે?), `GN' (ગુડ નાઈટ). પણ આ શું છે ભાઈ? પેઢીઓથી ચાલી આવતી સુંદર, ગૌરવવંતી અને લાગણીસભર ભાષાને આપણે ત્રણ-ચાર અંગ્રેજી અક્ષરોના માળખામાં કેદ કરી દીધી છે. ખૈર, શરૂઆતમાં આ બધું ખૂબ ટ્રેન્ડી, કૂલ અને મોડર્ન લાગે છે. સ્માર્ટફોનની સ્ક્રીન પર આંગળીઓ ફટાફટ ચાલે એટલે આપણને એમ થાય કે આપણે બહુ એડવાન્સ થઈ ગયા છીએ, પરંતુ સત્ય એ છે કે આ ટૂંકા રસ્તા આપણી વિચારવાની અને અભિવ્યક્ત કરવાની ક્ષમતાને કુંઠિત કરી રહ્યા છે અને ધીરેધીરે આપણે વિચારશૂન્યતા તરફ ધકેલાઈ રહ્યાં છીએ.


વળી, આ આખી ફેશન પાછળનું સૌથી મોટું બહાનું છે : `સમય બચાવવો', પરંતુ ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે આ શોર્ટફોર્મ્સ વાપરીને, લાંબાં વાક્યો ન લખીને કે ન બોલીને આપણે જે સેકન્ડો કે મિનિટો બચાવીએ છીએ, એ સમયનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? એ સમય બચાવીને આપણે કરીશું શું? જવાબ બહુ કડવો છે. એ બચેલો સમય આપણે સોશિયલ મીડિયા પર રીલ્સ સ્ક્રોલ કરવામાં, ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર લોકોને ટ્રોલ કરવામાં, નકામી પોસ્ટ્સ લાઈક કરવામાં કે ડિજિટલ દુનિયાના અંધારા કૂવામાં ભટકવામાં જ વેડફી નાખીએ છીએ. સમય બચાવવાના નામે આપણે સંવાદની ગુણવત્તાનો ભોગ લઈ રહ્યા છીએ. આખરે પૂરું વાક્ય ન લખવાની કે ન બોલવાની આ આદત ધીમે-ધીમે આપણા મગજને આળસુ બનાવી દે છે. આ તો ઠીક જ્યારે તમે કોઈને પૂરા વાક્યમાં વહાલથી `જય શ્રી કૃષ્ણ' કહો છો કે `તમે શું કરી રહ્યા છો?' એમ પૂછો છો, ત્યારે એ શબ્દોની પાછળ એક આત્મીયતાનો રણકો હોય છે. `JSK' કે `SKC'માં એ ભાવના તેના શ્વાસ છોડી દે છે. એ માત્ર પિક્સલ બનીને સ્ક્રીન પર દેખાય છે, હૃદય સુધી પહોંચતા નથી.

આ શોર્ટ ફોર્મ્સની ફેશન આપણા માનસિક સ્વાસ્થ્ય અને પર્સનાલિટી પર પણ બહુ ઘેરી અસરો છોડી રહી છે. સૌથી મોટો ફટકો આપણી વોકેબ્યુલરી એટલે કે શબ્દભંડોળને પડ્યો છે. જેમ લોખંડ પડ્યું રહે તો તેને કાટ લાગે, તેમ જો ભાષાના સમૃદ્ધ શબ્દોનો ઉપયોગ ન થાય તો એ મગજમાંથી વિસ્મૃત થઈ જાય છે. આપણી પાસે લાગણીઓ વ્યક્ત કરવા માટે હજારો ઉત્તમ ગુજરાતી શબ્દો છે, પણ આજની પેઢી પાસે બધી જ પરિસ્થિતિઓ માટે માત્ર ગણ્યાગાંઠ્યા શોર્ટ ફોર્મ્સ કે ઈમોજી જ બચ્યા છે. જ્યારે તમારું શબ્દભંડોળ ઘટે છે, ત્યારે તમારી વિચારવાની ક્ષમતા પણ મર્યાદિત થઈ જાય છે. તમે જે વિચારી નથી શકતા, તે તમે વ્યક્ત નથી કરી શકતા. આના કારણે આજની પેઢીની કોમ્યુનિકેશન સ્કિલ્સ સાવ તળિયે બેસી ગઈ છે. કોઈ ઈન્ટરવ્યૂમાં, સ્ટેજ પર કે ચાર સંસ્કારી માણસો વચ્ચે જ્યારે લાંબો અને અર્થસભર સંવાદ કરવાનો આવે, ત્યારે યુવાનો મૂંઝાઈ જાય છે, કારણ કે મગજને ટૂંકું જ વિચારવાની અને ટૂંકું જ બોલવાની આદત પડી ગઈ છે. આ નબળાઈ આખરે માણસના આત્મવિશ્વાસને તોડી નાખે છે અને તેની આખી પર્સનાલિટીને ઝાંખી પાડી દે છે.

બહુ ઊંડાણપૂર્વક જોઈએ તો ભાષા એ માત્ર અક્ષરોનો સમૂહ નથી, તે માનવ સર્વાઈવલનું સૌથી મહત્ત્વનું અંગ છે. ઉત્ક્રાંતિના કરોડો વર્ષો પછી માણસ આજે પૃથ્વી પર સર્વોપરી બન્યો, તેની પાછળનું એકમાત્ર કારણ ભાષા છે. આખી સૃષ્ટિમાં, દુનિયાના તમામ સજીવોમાં માત્ર આપણે જ એવા નસીબદાર છીએ જેને કુદરતે ભાષા દ્વારા સંવાદ કરવાનું, લાગણીઓ વહેંચવાનું અને વિચારોનું આદાન-પ્રદાન કરવાનું અદ્ભુત અને અનન્ય વરદાન આપ્યું છે. પશુ-પંખીઓ અવાજના માધ્યમથી સંવાદ કરી શકે છે, પણ ભાષાના માધ્યમથી સ્પષ્ટ સંવાદ નથી કરી શકતા. તો પછી જે પ્રકૃતિદત્ત વરદાન આપણને શ્રેષ્ઠ બનાવે છે, તેનું આવું અપમાન આપણે શું કામ કરવું જોઈએ? ભાષાને અપંગ બનાવીને આપણે આપણી જાતને જ પાછળ ધકેલી રહ્યા છીએ.

આ ઉપરાંત જ્યારે આપણે ભાષા દ્વારા સભર સંવાદો ઘટાડી દઈએ છીએ, ત્યારે તેની સીધી અસર આપણા સામાજિક માળખા પર પડે છે. માણસ મૂળભૂત રીતે સામાજિક પ્રાણી છે, તેને જીવવા માટે બીજા માણસ સાથે હૃદયપૂર્વકના જોડાણની જરૂર હોય છે. આ જોડાણ સુંદર વાતોથી, લાંબા ગહન સંવાદોથી અને સુખ-દુઃખની વહેંચણીથી બને છે. હવે જ્યારે આ વાતો શોર્ટ ફોર્મ્સમાં થઈ ગઈ છે, ત્યારે માણસો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. સોશિયલ મીડિયા પર હજારો મિત્રો હોવા છતાં આજે માણસ કેમ આટલો એકલો છે? કારણ કે સંવાદ આભાસી અને અધૂરો થઈ ગયો છે. જો આપણે ભાષા દ્વારા ઊંડા આત્મીય સંવાદો બંધ કરી દઈશું, તો આપણું એકાકીપણું એક ભયાનક રોગચાળાની જેમ આપણને ઘેરી વળશે. અધૂરો સંવાદ હંમેશાં સંબંધોમાં ગેરસમજ અને એકલતા જન્માવે છે. આ એકલતા માણસને ડિપ્રેશન તરફ ધકેલે છે. ડિજિટલ સ્ક્રીન પર હજારો મેસેજ કર્યા પછી પણ સાંજ પડ્યે જે ખાલીપો અનુભવાય છે, તે આ ટૂંકી થઈ ગયેલી ભાષાનું જ પરિણામ છે.

એટલે જ હવે આપણે ભાષાકીય સ્તર પર જાગૃત થવું પડશે. ટેક્નોલોજીનો ઉપયોગ જરૂર કરીએ, પણ ભાષાના ભોગે નહીં. કોઈ સાથે વાત કરતી વખતે, મેસેજ ટાઈપ કરતી વખતે કે પત્ર લખતી વખતે આળસ છોડીને પૂરા શબ્દો અને પૂરાં વાક્યો લખવાનો આગ્રહ રાખીએ. સ્માર્ટ ફોનને થોડીવાર બાજુ પર મૂકીને સામે બેઠેલી વ્યક્તિની આંખોમાં આંખ પરોવીને લાંબી વાતો કરીએ. હસવું આવે ત્યારે `લોલ' ટાઈપ કરવાને બદલે દિલ ખોલીને ખડખડાટ હસીએ. આપણી સુંદર ગુજરાતી ભાષાને કે ફોર ધેટ મેટર કોઈ પણ ભાષાને આ શોર્ટ ફોર્મ્સના પ્રદૂષણથી બચાવીએ. આખરે ભાષા એ માત્ર આપણી ઓળખ નહીં, પરંતુ આપણા અસ્તિત્વનું પણ માધ્યમ છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: