`સાહેબ, હું લૂંટાઈ ગયો. મારા શો-રૂમમાંથી 50 કરોડ રૂપિયાના હીરાની ચોરી થઈ છે. ઇન્સ્યોરન્સ પણ નથી.' આટલું બોલતાં જેઠમલ મારવાડી રડવા માંડ્યો.
`શાંત થાવ. તાત્કાલિક મારી ઓફિસમાં મળવા આવો.' ડિટેક્ટિવ સામંથા ડીકોસ્ટાએ કહ્યું.
`કાલે જ બેલ્જિયમથી 50 કરોડના હીરાનું પાર્સલ આવ્યું હતું. તેમની ડિઝાઇન પ્રમાણે દાગીના બનાવીને આપવાના હતા. સાંજે મેં જાતે સ્ટ્રોંગ રૂમની તિજોરીમાં મૂક્યા હતા. આજે બપોરે તિજોરી ખોલી તો હીરા ગાયબ હતા. લોકરનો પાસવર્ડ મારા અને મારા દીકરા સિવાય કોઈને ખબર નથી અને સ્ટ્રોંગ રૂમની ચાવીઓ મારાથી એકેય પળ અળગી થઈ નથી. મને સમજ નથી પડતી કે ચોરી કેવી રીતે થાય?' સામંથાની ઓફિસે પહોંચી જેઠમલે ખુલાસાભેર વાત કરી.
પેનડ્રાઈવમાં લાવેલ ફૂટેજ સામંથાએ ધ્યાનપૂર્વક નિહાળ્યા. તેને કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પરિસ્થિતિ લાગી નહીં. જેઠમલ હીરા મૂકતા ફૂટેજ પણ જોયા તો ચોરી કેવી રીતે થઈ તે યક્ષ પ્રશ્ન સામંથાના મગજમાં ચકરાવા માંડ્યો. વિચારવા લાગ્યો કે શક્ય છે કે જેઠમલ જૂઠું બોલતો હોય કે પછી તેનું અને તેના દીકરાનું જ કોઈક કાવતરું હોય, પણ ઇન્સ્યોરન્સ તો ઊતરાવ્યો જ નહોતો અને સીસીટીવીમાં પાછા કાઢી લીધા હોય તેવું જણાતું નહોતું. તરત જ સામંથાએ આસિસ્ટન્ટ બિટ્ટુને બોલાવી જેઠમલ અને તેના દીકરાની કુંડળી કઢાવવાનું કહ્યું.
બીજા દિવસે સવારમાં શો-રૂમની મુલાકાત લીધી. શો-રૂમ ત્રણ માળનો હતો. સ્ટાફમાં 30 લોકો હતા. દરેકની ઊલટતપાસ શરૂ કરી, પણ ચોરી બાબતે કંઈ ખાસ જાણવાનું ન મળ્યું. ઉપરાંતમાં બિટ્ટુના અહેવાલ મુજબ જેઠમલની બજારમાં શાખ મોટી હતી. તે જબાનનો ધણી હતો. ઓછામાં ઓછી 400 કરોડની પાર્ટી હતી. તેના દીકરાએ એમબીએ કર્યું હતું. તે ત્રણ વર્ષથી ધંધામાં સાથે હતો. એકદમ ઉદ્ધત અને અય્યાસ હતો. બ્રાન્ડેડ વસ્તુઓનો શોખીન હતો. એકનો એક દીકરો હોવાથી રૂપિયા પાણીની જેમ ઉડાવતો હતો. શેરબજારના સટ્ટાની આદત હતી. તેના બ્રોકર પાસેથી જાણવા મળ્યું હતું કે છેલ્લા વર્ષમાં તેને નેટ બે કરોડનું રૂપિયાનું નુકસાન કર્યું હતું, પણ આટલી રકમ તેઓના માટે મોટી નહોતી. તેની અય્યાસીવાળી જિંદગી, તેનું હાઈપ્રોફાઈલ મિત્રમંડળ તથા એવી પણ શંકા હતી કે તે ડ્રગ્સ લેતો હતો. જોકે, આજકાલ હાઇસર્કિટમાં આ એક ફેશન બની ગઈ હતી. આથી 50 કરોડ રૂપિયા માટે બંનેય ખોટું કરે તેવી શક્યતા લાગતી નહોતી. સ્થળ તપાસમાં પણ કોઈ સુરાગ મળ્યા નહીં.
સામંથા માટે ક્યાંથી શરૂ કરવું તે યક્ષ પ્રશ્ન ઊભો થયો. સૌપ્રથમ સામંથાએ બેલ્જિયમની પાર્ટી સાથે ક્રોસ વેરિફિકેશન કરાવ્યું, તો જેઠમલની વાત સાચી નીકળી.
ઉપરાંત બેલ્જિયમની પાર્ટીએ કહ્યું કે ભૂતકાળમાં પાંચ કરોડના હીરા વધારે મોકલી આપ્યા હતા, તો સામેથી જેઠમલે જણાવ્યું હતું. જો તેમણે કહ્યું જ ન હોત તો અમે કશું કરી શક્યા ન હોત. આમ. જેઠમલનો વ્યવહાર એકદમ ચોખ્ખો છે તેમ ભારપૂર્વક કહ્યું.
સામંથાના કહેવા મુજબ જેઠમલે લોકલ પોલીસ સ્ટેશન પર હીરાચોરીની ફરિયાદ નોંધાવી. ત્યાંના સિનિયર પીઆઇ જાની સાથે સામંથાને ઘરોબો હતો. બંનેએ કેસ સંબંધી ચર્ચા કરી સાથે કામ કરવાનું નક્કી કર્યું.
જેઠમલના મેનેજર કેતનને વિશ્વાસમાં લઈ શેઠજીના ધંધા-વ્યવહારની ચર્ચા કરી તો કેતને કહ્યું કે શેઠજી તો ભગવાનનો અવતાર છે. તે દરેક સ્ટાફની કોઈ પણ મુશ્કેલીમાં આજ દિન સુધી પડખે રહ્યા છે, પણ તેમના દીકરાની લાઈફ સ્ટાઈલથી કંટાળેલા છે. શેઠજીએ પૈસો પૈસો ભેગો કરી આ મિલકત અને શાખ ઊભી કરી છે. તો સામે દીકરો સુશીલ રૂપિયાને પાણીની માફક વહેડાવે છે. ખોટા સટ્ટા અને ધંધા કરે છે. આ બાબતે અઠવાડિયા પહેલા જ શેઠજી અને સુશીલને મોટો ઝઘડો થઈ ગયો હતો. હું તેને સમજાવવા માંડ્યો તો મને કહ્યું કે તું મારો બાપ કે માલિક નથી. તારી ઓકાતમાં રહે. આમ જેમ ફાવે તેમ બોલી મારું અપમાન કર્યું હતું. ઉપરાંત સ્ટાફને પણ સુશીલ પ્રત્યે ફરિયાદો અને અણગમો હતો. જ્યારે સ્ટાફને શેઠજી અને વફાદાર મેનેજર પ્રત્યે અનહદ માન હતું.
બીજા દિવસે ઇન્સ્પેક્ટર જાનીનો સામંથા પર મોબાઈલ આવ્યો. `રાજરત્ન જ્વેલર્સના માલિકે 25 કરોડ રૂપિયાના હીરા ચોરી થયા છે તેવી ફરિયાદ નોંધાવી છે. મોકલનાર પાર્ટી બેલ્જિયમની છે. તેને પણ સ્ટ્રોંગ રૂમની તિજોરીમાં માલ મૂક્યો હતો. સીસીટીવી ફૂટેજમાં કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાતી નથી.'
સામંથા વિચારમાં પડી ગયો. બંને જગ્યાએ બેલ્જિયમથી મોકલાવેલ હીરાની તફડંચી થઈ છે ઉપરાંતમાં મોડસ ઓપરેન્ડી પણ સરખી છે. જોકે, બંને જ્વેલર્સને એકબીજા સાથે સ્નાનસુતકનો પણ સંબંધ નહોતો. તો શું આ એક કોઈન્સિડ્ન્સ છે કે પછી કોઈ મોટી ચાલ કે કાવતરું છે? સામંથા અને જાનીએ રાજરત્ન જ્વેલર્સની મુલાકાત લીધી. તેના માલિક અરવિંદભાઈની પણ બજારમાં શાખ મોટી હતી. તે પણ 200 કરોડની પાર્ટી હતી. તેને પણ દાગીના બનાવવા માટે બેલ્જિયમની અલગ પાર્ટીએ હીરા મોકલાવ્યા હતા. તેની ઊલટતપાસમાં તેને શાંતિથી અને સંતુલિત જવાબો આપ્યા. હવે આ કોકડાનો કોઈ ઉકેલ કે દિશા મળતી નહોતી. બંને જગ્યાના ફરી-ફરીવાર ફૂટેજ જોતાં સામંથાએ એક મહત્ત્વની વસ્તુની નોંધ લીધી. જોકે, તેનાથી કશુંય પુરવાર થાય તેમ નહોતું. આથી તેને મગજમાં સ્ટોર કરી.
હવે એક જ રસ્તો હતો કે જો કોઈ અહીંની જ વ્યક્તિએ ચોરી કરી હોય તો ચોરાયેલા હીરા ક્યાંક તો બજારમાં વેચાવવા આવશે. સામંથા જાણતો હતો કે હીરાચોર તાત્કાલિક બજારમાં વેચશે નહીં અને ટુકડે-ટુકડે ઓછી કિંમતમાં વેચશે. આથી ઝવેરી એસોસિએશનના પ્રમુખને ઇન્સ્પેક્ટર જાનીએ વિશ્વાસમાં લઈ લીધા. બજારમાં કોઈ અજાણી વ્યક્તિ કે વેપારી હીરા ઓછા ભાવે વેચવા આવે તો તરત જ મને જાણ કરવી. આટલું કહી જાનીએ હીરાચોરીની વાત ટૂંકમાં સમજાવી. અઠવાડિયું થઈ ગયું, પણ ન કોઈ હીરા વેચવા આવ્યું કે ન હીરાચોરની કોઈ જાણકારી મળી. જ્યારે જ્યારે સામંથા કેસમાં ગૂંચવાય કે કોઈ દિશા ન મળે તો તે કેસની નવેસરથી શરૂઆત કરે.
ફરીવાર કેસની ઝીણામાં ઝીણી વિગતો ચકાસવા માંડી. તેના તર્ક મુજબ (1) જો તિજોરીમાં હીરા મુકાયા છે તો ગમે ત્યારે કાઢવામાં આવ્યા હોય એમ જ જાદુથી તો ગાયબ ન થાય. (2) સીસીટીવી ફૂટેજમાં ક્યાંય હીરા પાછા લીધા હોય તેવું દેખાતું નથી, તો શું તિજોરીમાં કોઈ ચોરખાનું (ગુપ્તખાનું) છે? (3) કે પછી મૂકતી વખતે જ કોઈ હાથચાલાકી થઈ છે? બંને જ્વેલર્સના ત્યાં એકસરખી રીતે જ હીરા ગાયબ થયા છે. આનો અર્થ કે ક્યાંક ને ક્યાંક મોટી ચાલાકી થઈ છે.
ત્યાં જ ઇન્સ્પેક્ટર જાનીનો મોબાઇલ આવ્યો. `સામંથાજી, આજે મારા મિત્ર સિનિયર ઇન્સ્પેક્ટર ઝાલા સાથે કેસની ચર્ચા કરતાં તેણે કહ્યું કે આજ રીતનો કેસ 10 વર્ષ પહેલાં બન્યો હતો. જેમાં ચોરાયેલ હીરાની કોઈ બાતમી ન મળતાં કેસને ક્લોઝ કર્યો હતો.' સામંથાની આંખમાં ચમકારો આવ્યો. તાત્કાલિક જાની સાથે ઝાલાને મળવા પહોંચ્યા.
`10 વર્ષ પહેલાં ઝવેરી બજારની મોટી પાર્ટી રાજેશ-રમેશ જ્વેલર્સને ત્યાં 20 કરોડના હીરાની આ જ રીતે ચોરી થઈ હતી. આ હીરાનું પેમેન્ટ ન થતાં બંને ભાઈઓ ઊઠી ગયા હતા. પછી શો-રૂમ બંધ કરી ક્યાંક વિદેશ સેટલ થયા હતા.' ઇન્સ્પેક્ટર ઝાલાએ ટૂંકમાં માહિતી આપી. તે કેસ ઝાલાના અંડરમાં હતો. આથી કેસ સંબંધી ડિટેઇલ્સમાં ચર્ચા કરી. ઝાલાના મત મુજબ રાજેશ અને રમેશની બજારમાં શાખ સારી નહોતી. ધંધામાં ધ્યાન આપવા કરતાં સોના-ચાંદીના સટ્ટામાં રચ્યાપચ્યા રહેતા હતા. એક અફવા એવી પણ હતી કે સટ્ટામાં મોટું નુકસાન થવાથી ફોરેનની પાર્ટીના હીરા ચોર્યા હતા, પણ કોઈ પુરાવા ન મળતાં કેસને ક્લોઝ કર્યો હતો.
સામંથાએ તેની આજની પરિસ્થિતિ, લોકેશન જાણવા માટે જાનીને કહ્યું, પણ તેમનો કોઈ બીજો ક્રિમિનલ રેકોર્ડ ન હોવાથી પોલીસને ચોપડે તેમના વિશે કોઈ વિશેષ જાણકારી નહોતી. જાનીના માનવા પ્રમાણે 10 વર્ષના કેસ અને આજના કેસને કોઈ લેવાદેવા નથી. પેલા ભાઈઓ કરુબાજ હતા ને આ કેસમાં બંને સ્ટ્રોંગ પાર્ટી છે અને તેમની બજારમાં શાખ પણ મોટી છે. છતાંય સામંથાની છઠ્ઠી સેન્સ કહેતી હતી કે ક્યાંક ને ક્યાંક કોઈ રીતે આ બંને ઘટનાનું કોઈક જોડાણ છે. આથી શહેરમાં રહેતા રાજેશ અને રમેશના પરિવાર કે કનેક્ટેડ માણસોની તપાસ કરવા બિટ્ટુ અને જાનીને લગાડી દીધા. પરિવાર સંબંધિત કોઈ પણ ખાસ જાણકારી તો ન મળી, પણ ઝવેરી બજારમાંથી તેમના જૂના મિત્રએ કહ્યું કે ડિફોલ્ટ થયા પછી તે શહેર છોડીને કચ્છમાં પોતાના વતનમાં રહેવા જતા રહ્યા હતા.
લગભગ છ મહિના બાદ તેઓએ મને ફોન કર્યો હતો કે તેઓ પરદેશમાં તેમના કાકા પાસે જઈ રહ્યા છે. મેં પૂછ્યું કે ક્યાં જવાના છો તો તેના જવાબમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું નહોતું ત્યારે મને એમ થયું કે શહેરમાં લોકોના રૂપિયા ચૂકવવાના બાકી છે એટલે ખુલાસો નહીં કર્યો હોય. સામંથાએ લગભગ કયા ગાળામાં ગયા હતા તેની જાણકારી લઈ એરપોર્ટ ઓથોરિટી પાસે બંનેની તપાસ કરવાનું જાનીને સોંપી દીધું.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
