મેં એક વાર એક વૃદ્ધ વ્યક્તિને પૂછ્યું કે તેમનું જીવન આટલું શાંત અને સુખી કેવી રીતે છે? એમણે સ્મિત કર્યું અને કહ્યું, મારી જિંદગી ત્યારે બદલાવા લાગી જ્યારે મેં દરેક વસ્તુને નિયંત્રિત કરવાની કોશિશ છોડી દીધી. મેં લોકોને બદલવાની કોશિશ છોડી દીધી. મેં દરેકને ખુશ રાખવાની કોશિશ છોડી દીધી. મેં દરેક ભૂલ માટે જાતને દોષ દેવાનું છોડી દીધું. મેં દરેક પરિણામની ચિંતા કરવાનું છોડી દીધું. મેં ભવિષ્યના ડરમાં વર્તમાનને ગુમાવવાનું છોડી દીધું. મેં એ વાતો પર શક્તિ ખર્ચવાનું છોડી દીધું જે મારા હાથમાં જ ન હતી અને પછી મેં ધ્યાન આપવાનું શરૂ કર્યું મારા ચારિત્ર્ય પર, મારી આદતો પર, મારા સ્વાસ્થ્ય પર, મારા જ્ઞાન પર અને મારા મનની શાંતિ પર. ધીરે-ધીરે મને સમજાયું કે, જિંદગી ત્યારે સરળ નથી થતી જ્યારે બધું તમારા મન મુજબ થવા લાગે, જિંદગી ત્યારે સરળ થાય છે જ્યારે તમે દરેક પરિસ્થિતિમાં જાતને સંભાળતા શીખી જાઓ. જે દિવસે મેં નિયંત્રણની જીદ છોડી,એ જ દિવસે મેં સુકૂન મેળવવાનું શરૂ કર્યું. આજે હું જાણું છું કે,પવનની દિશા બદલવી મારા હાથમાં નથી,પણ મારી હોડીના સઢ કેવી રીતે ખોલવા, એ સંપૂર્ણપણે મારા હાથમાં છે.
યાદ રાખજો, દરેક વસ્તુને નિયંત્રિત કરવાની કોશિશ તમને થકવી નાખે છે, પણ સાચી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું તમને આગળ વધારી દે છે. એટલે તમારો સમય અને શક્તિ ત્યાં લગાડો, જ્યાં તમારો પ્રભાવ હોય, ન કે ત્યાં, જ્યાં ફ્ક્ત ચિંતા જ મળે. ઘણી વાર સફળતા મહેનતથી નહીં, બિનજરૂરી બોજ છોડી દેવાથી શરૂ થાય છે.
વિખ્યાત ગ્રીક તત્ત્વચિંતક એપિક્ટિટસે કહ્યું હતું કે, આપણને દુઃખ ઘટનાઓ નથી આપતી, પરંતુ તે ઘટનાઓ વિશેના આપણા વિચારો આપે છે. આ વિચાર આજે પણ એટલો જ પ્રાસંગિક છે. ઘણી વખત કોઈ ઘટના કરતાં તેની ચિંતા આપણને વધુ થકવી નાખે છે. આપણે સંભવિત મુશ્કેલીઓ વિશે એટલું વિચારીએ છીએ કે હકીકતમાં જે ક્ષણ જીવી રહ્યા છીએ, તેનો આનંદ જ ભૂલી જઈએ છીએ.
લોકોને બદલવાની કોશિશ છોડી દેવામાં જ શાણપણ છે. જીવનનો મોટો હિસ્સો આપણે બીજાઓને આપણા મુજબ બનાવવા પાછળ ખર્ચી નાખીએ છીએ. સંબંધોમાં મતભેદ, કુટુંબમાં તણાવ અને કાર્યસ્થળે અસંતોષનું મૂળ કારણ ઘણીવાર આ જ હોય છે. દરેક વ્યક્તિના વિચારો, અનુભવો અને જીવન જીવવાની રીત અલગ હોય છે. જ્યારે આપણે આ ભિન્નતાને સ્વીકારવાનું શીખીએ છીએ, ત્યારે સંબંધો વધુ સહજ અને મજબૂત બને છે.
તે જ રીતે દરેકને ખુશ રાખવાની કોશિશ પણ એક અદૃશ્ય બોજ છે. દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી, જે સૌને ખુશ રાખી શકે. લોકોની અપેક્ષાઓ અનંત હોય છે. જો આપણે સતત બીજાની મંજૂરી મેળવવા માટે જીવીએ, તો અંતે પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસીએ. આત્મસન્માન અને આંતરિક સંતોષ ત્યારે જ મળે છે જ્યારે આપણે પોતાનાં મૂલ્યો અનુસાર જીવવાનું પસંદ કરીએ.
જીવનની સૌથી સુંદર સમજણ કદાચ આ છે કે સુખ પરિસ્થિતિઓમાં નથી, પરંતુ પ્રતિસાદમાં છે. બે લોકો એક જ મુશ્કેલીમાંથી પસાર થાય, છતાં એક વ્યક્તિ તૂટી પડે અને બીજી વધુ મજબૂત બનીને બહાર આવે. ફરક પરિસ્થિતિમાં નથી, પરંતુ મનની તૈયારીમાં છે. જે વ્યક્તિ પોતાના મનને સંભાળવાનું શીખી જાય છે, તેના માટે જીવનની ઘણી મુશ્કેલીઓ નાની બની જાય છે.
પવનની દિશા આપણા હાથમાં નથી. જીવનમાં પણ સંજોગો ઘણી વખત અચાનક બદલાઈ જાય છે. ક્યારેક સફળતા મળે છે, તો ક્યારેક નિષ્ફ્ળતા. ક્યારેક પ્રશંસા મળે છે, તો ક્યારેક ટીકા, પરંતુ હોડીના સઢ કેવી રીતે ખોલવા તે આપણા હાથમાં છે. એટલે કે પરિસ્થિતિ સામે કેવો અભિગમ રાખવો,
કેવો નિર્ણય લેવો અને કેટલા ધીરજપૂર્વક આગળ વધવું તે આપણા નિયંત્રણમાં છે.
આજના સમયમાં માનસિક સ્વાસ્થ્ય અંગે વધી રહેલી ચર્ચાઓ પણ આ જ વાત તરફ ઈશારો કરે છે. સતત ચિંતા, સરખામણી અને નિયંત્રણની ઇચ્છા માણસને અંદરથી થકવી નાખે છે. જ્યારે આપણે સ્વીકાર, સજાગતા અને આત્મવિકાસ તરફ ધ્યાન આપીએ છીએ, ત્યારે મન વધુ સ્થિર બને છે. જીવનનો સાચો વિકાસ બહારની સિદ્ધિઓથી નહીં, પરંતુ અંદરની પરિપક્વતાથી થાય છે.
સફળતા ઘણી વખત વધુ મેળવવાથી નથી આવતી; તે બિનજરૂરી બોજ ઉતારવાથી શરૂ થાય છે. જે દિવસે આપણે દરેક વસ્તુને નિયંત્રિત કરવાની જીદ છોડીએ છીએ, તે દિવસે મનમાં શાંતિનું બીજ અંકુરિત થાય છે અને કદાચ એ જ ક્ષણે આપણે સમજીએ છીએ કે પવનને નહીં, પરંતુ પોતાની હોડીને સંભાળવી એ જ જીવનની સૌથી મોટી કળા છે.
કારણ કે જીવનની દિશા હંમેશાં આપણા હાથમાં નથી હોતી, પરંતુ જીવનને કેવી રીતે જીવવું તે ચોક્કસપણે આપણા હાથમાં હોય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો