દેવું કરીને ઘી પીઓ. ખાઓ, પીઓ, મોજ કરો. કાલ કોણે જોઈ છે?


આવી જલસાવાદી ફિલોસોફીના પાયામાં એ વાત છે કે મોત સાથે વાત પૂરી થઈ જાય છે એટલે જ મનુષ્ય તરીકે તમને જે થોડો-ઘણો સમય મળ્યો છે એને બરાબર જીવી લો, ભોગવી, માણી લો.

તમે પણ આવું માનતા હો તો તમારી માન્યતાનો કોઈ વિરોધ નથી. તમારે જે માનવું હોય તે માનવા તમે મુક્ત છો, પરંતુ આ માન્યતા સામે સવાલો ઊભા કરતી ત્રણ મહત્ત્વની વિચારધારા શું કહે છે એ જાણી લેવામાં કશું નુકસાન નથી.

પહેલી વિચારધારા છે હિન્દુ વેદાંતની, જે કહે છે કે જીવાત્માએ આ જન્મે નહીં તો પછીના જન્મમાં પણ કર્મનું ફળ ભોગવવું પડે છે. માટે કર્મ કરતી વખતે સાવધ-સજાગ રહેવું સારું.

બીજી છે બુદ્ધની વિચારધારા, જે પુનર્જન્મની આખી વાતમાં આત્માનું સાતત્ય પણ નથી સ્વીકારતી અને મૃત્યુ પછીની શૂન્યતાને પણ નથી સ્વીકારતી. બુદ્ધ વાત કરે છે ઓળખ વિનાના સાતત્યની. જોકે, ઓળખ ન હોય, છતાં સાતત્ય હોય એ વાત ઝટ સમજાય એવી નથી, પણ વાંધો નહીં, એ વિશે એક આખા અલગ લેખમાં શાંતિથી, સરળ રીતે વાત કરીશું. અત્યારે ત્રણ વિચારધારા વિશેની વાત પૂરી કરી લઈએ.

તો, પહેલી વેદાંતી વિચારધારા કહે છે કે જીવાત્મા આ ભવના કર્મનાં ફળ પછીના ભવમાં પણ ભોગવે છે. માટે કર્મ કરતી વખતે સાવધ-જાગૃત રહેવું.

બુદ્ધ પણ લગભગ એવી જ વાત જરા જુદા સૂરમાં એ રીતે કહે છે કે કર્મ તથા એનાં પરિણામોની શૃંખલા મૃત્યુ પછી પણ આગળ વધે છે. માટે કર્મ કરતી વખતે સાવધ-સજાગ રહેવું.

ત્રીજી વિચારધારા છે ડેરેક પારફિટ (1942-2017)ની. ગયા લેખના અંતમાં પારફિટનો ઉલ્લેખ કરેલો. આધુનિક યુગના સૌથી મહત્ત્વના નીતિવાદી વિચારકોમાંના એક એવા પારફિટ પણ બુદ્ધની જેમ સળંગ જીવાત્મામાં નથી માનતા, પરંતુ પુનર્જન્મ અને ધર્મને બાજુ પર મૂકીને પારફિટ કેવળ એ વાત પર ભાર મૂકે છે કે આપણે જે કંઈ કરીએ છીએ તેનો આસપાસના લોકો પર તથા આગામી પેઢીઓ પર પ્રભાવ પડે છે, માટે માણસે સાવધ-સજાગ રહેવું જોઈએ.

વેદાંત કહે છે કે માનવીની અંદર રહેલો આત્મા ફરી ફરી જન્મે છે. ચક્ર ચાલ્યા કરે છે. મોક્ષ સાથે ચક્ર પૂરું થાય. મોક્ષ મળી જાય એટલે વાત પૂરી થાય.

બુદ્ધ સળંગ આત્માની વાત નકારીને પણ એટલું કહે છે કે સંસાર એ એક દુઃખયુક્ત પ્રક્રિયા-ચક્ર છે અને આ ચક્રમાંથી મુક્ત થવાનો એક જ રસ્તો છે. એ છે નિર્વાણ છે. નિર્વાણની પ્રાપ્તિ સાથે વાત પૂરી થાય.

પારફિટનું કહેવું છે કે જે તે મનુષ્યનું જીવન તો એના મૃત્યુ સાથે પૂરું થાય છે; મોત થાય એટલે વાત પૂરી, પરંતુ મુદ્દો એ છે કે મરતાં પહેલાં માણસે એવી રીતે જીવવું જોઈએ, જેથી એનું જીવન પૂરું થયા પછી પણ એનાં કર્મો પછીની પેઢીઓ માટે લાભરૂપ બની રહે, હાનિકારક નહીં.

ત્રણેય વિચારધારામાં કેટલીક બાબતો સમાન છે. જેમ કે, ત્રણેય વિચારધારાનો સૂર એવો છે કે મૃત્યુ પછી પણ આત્મા કે પ્રક્રિયાઓ કે આપણાં કર્મનાં પ્રભાવોનો ખેલ આગળ વધે છે. બીજી સમાનતા એ કે ત્રણેય વિચારધારા વ્યક્તિના હુંપણાનો, ઇગોનો વિરોધ કરે છે. ત્રણેયના મતે, આપણી જે વ્યક્તિગત ઓળખ છે એ ભ્રમ છે, આપણા મનનો ખેલ છે, એક માનસિક છબિ છે.

ત્રણેય વિચારધારાઓ કરુણા, નીતિ, પ્રેમ, સંયમ વગેરે સદ્ગુણોને વધાવે છે, પણ એની પાછળના ત્રણેયના તર્ક અલગ છે.

વેદાંત કહે છે કે હે મનુષ્ય, આ સઘળું જ બ્રહ્મ છે, જગતના પ્રત્યેક જીવની અંદર તારા જેવો જ આત્મા છે. માટે ભલો બન, દયા રાખ.

બૌદ્ધ ધર્મ વેદનાથી બચવાના ઉપાય તરીકે, નિર્વાણ તરફની યાત્રાના એક અનિવાર્ય કદમ તરીકે શીલ અને કરુણા પર ભાર મૂકે છે.

પારકિટ ધર્મ, આત્મા, ઇશ્વર, પુનર્જન્મ વગેરે કશાને વચ્ચે લાવ્યા વિના કેવળ શુદ્ધ તર્કના આધારે એવું કહે છે કે આપણા બેજવાબદાર વર્તનનાં માઠાં ફળ આપણી આસપાસના લોકોએ તેમજ પછીની પેઢીએ ભોગવવાં પડે એ ખોટું. આજના વિકરાળ ઉપભોક્તાવાદને લીધે પછીની પેઢીઓ ખરાબ પર્યાવરણ અને તંગીઓ વેઠવાં પડી શકે તેમ છે એ વાતે પારકિટ લોકોને ચેતવે છે અને જવાબદાર બનવા પ્રેરે છે. પારફિટ `હું' અને `અન્ય' વચ્ચેની ભેદરેખાને ઝાંખી પાડે છે. એ કહે છે કે વ્યક્તિગત ઓળખ વિશેના ભ્રમોમાંથી છૂટવાને કારણે `મારી ભાવિ જાત (ફ્યૂચર સેલ્ફ) વિશેની ખેવના નબળી પડે છે અને અન્યો પ્રત્યેની મારી ખેવના પ્રબળ બને છે.'

આ ત્રણ ફિલોસોફીઓને ફિલ્મ-નાટક-પ્રેક્ષકના ઉદાહરણથી સમજીએ.

વેદાંત જાણે એવું કહે છે કે આત્મારૂપી પડદા પર ફિલ્મનાં દૃશ્યો બદલાતાં રહે છે, પરંતુ આત્મા સળંગ ટકી રહે છે.

બુદ્ધ જાણે એવું કહે છે કે તખ્તા પર સતત પરિવર્તન થતું રહે છે, એક પછી એક દૃશ્ય ભજવાતું રહે છે અને આગલું દૃશ્ય એ પાછલા દૃશ્યના સાતત્યરૂપે, પરિણામ રૂપે હોય છે, પણ આખી વાતમાં દૃશ્ય ઝીલનારા સ્થિર પડદા જેવું કશું નથી હોતું, સળંગ આત્મા નથી હોતો.

પારફિટ કહે છે કે દૃશ્યોની શૃંખલાને જોઈ રહેલો જે પ્રેક્ષક છે એ કોઈ સાતત્યપૂર્ણ `હું' છું એવું ધારી લેવાની જરૂર નથી.

વેદાંત માનવીને કહે છે : તારી અંદર રહેલા સનાતન તત્ત્વને શોધ.

બુદ્ધ માનવીને કહે છે કે તારી અંદર કશું જ સ્થિર નથી તેનો અનુભવ કર.

પારકિટ કહે છે : `આપણી અંદર કોઈ ઊંડો `હું' નથી હોતો અને એમાં કશો વાંધો નથી.'

વાત આપણે બુદ્ધની જ કરવાની છે, પરંતુ સાથોસાથ વેદાંત અને પારફિટની, આગળ-પાછળની અને આજુબાજુની વાતોની ચર્ચા કરવાથી બુદ્ધને વધુ ઊંડી અને સારી રીતે સમજવામાં કદાચ મદદ મળી શકે એવા હેતુથી થોડી આસપાસની વાત કર્યા પછી હવે ફૉકસ કરીએ કેવળ બુદ્ધના માર્ગ પર આવતા અંકે.

અને એક સ્પષ્ટતા : વિવિધ વિચારધારાઓને અત્યંત સરળ રીતે સમજાવવાના પ્રયાસમાં ક્યારેક મૂળ વિચારની અને મૂળ લખાણોની સૂક્ષ્મતા પૂરેપૂરી ન ઝિલાય, ક્યાંક ઉન્નીસ-બીસનો ફરક રહી જાય એવું બની જ શકે. માટે અહીં જે કંઈ લખાય છે એમાં મૂળ વિચાર-વિચારક સો ટકા શુદ્ધિ સાથે રજૂ ન થઈ શક્યા હોય એ બિલકુલ શક્ય છે એવી સભાનતા-જાગૃતિ સાથે વાંચવું.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: