શું ચાલે છે? કોઇ આવો સવાલ પૂછે ત્યારે આપણે મોટાભાગે એમ કહેતા હોઇએ છીએ કે, મોજ છે. માત્ર આપણને ખબર હોય છે કે, ખરેખર કેવું ચાલે છે. મોટાભાગના માણસો ઉપાધિનાં પોટલાં લઇને ફરતા હોય છે. ટેન્શનનાં કારણો જુદાં જુદાં હોય છે, પણ કોઇ ને કોઇ ટેન્શન તો હોય જ છે. માંડ એક ટેન્શન પૂરું થાય ત્યાં બીજું આવી જાય છે. ટેન્શન પણ કંઇ એક એક કરીને જ આવે એવું જરૂરી નથી. ક્યારેક તો ઉપાધિઓ બટાલિયન મોઢે આવે છે. આપણી મતિ મૂંઝાઇ જાય એવી સ્થિતિ પેદા થઇ જાય છે. જિંદગીનું સૌથી મોટું સત્ય એ છે કે, જિંદગી ક્યારેય એકસરખી ચાલવાની નથી. જિંદગી રોજેરોજ રંગ બદલતી રહેવાની છે. ક્યારેક ગુલાબી તો ક્યારેક કાળો રંગ જિંદગી ધારણ કરી લેવાની છે. જિંદગી ક્યારે રંગ બદલશે એ કોઇ કહી શકતું નથી. જિંદગીના બદલતા રંગને જાણવા અને માણવાની તૈયારી રાખવી જોઇએ. બહુ સારું હોય ત્યારે છકી નહીં જવાનું અને માઠી દશા ચાલતી હોય ત્યારે ડરી કે ડગી નહીં જવાનું. જિંદગીના કેટલાક સિદ્ધાંતો છે, એમાં સૌથી મજાનો સિદ્ધાંત હોય તો એ છે કે, કશું જ કાયમી નથી. ન સુખ ન દુ:ખ, ન ખુશી ન ગમ, ન હાસ્ય ન રુદન. બધું જ બદલતું રહેવાનું છે. જે સ્થિતિ છે એને સ્વીકારીને જીવવાની કળા કેળવવી પડે છે. માણસની સમજણ, બુદ્ધિ અને આવડત છેલ્લે તો એનાથી જ વર્તાય છે કે, એ પોતાની જિંદગી કેવી રીતે જીવે છે. જિંદગી બધાને વહાલી હોય છે, પણ જિંદગીને ખરા અર્થમાં જીવતા બહુ ઓછા લોકોને આવડતું હોય છે.
દરેક માણસ સફળ કે સુખી થઇ ગયા પછી પણ પોતાના સમયને એન્જોય કરતા જ હોય એવું જરૂરી નથી. કેટલાક લોકો પછી પણ રોદણાં રડતા હોય છે. એક ભાઇની આ સાવ સાચી વાત છે. એણે ખૂબ મહેનત કરી હતી. બિઝનેસ સારો ચાલવા લાગ્યો. બે પાંદડે થયા. કોઇ એમને કહે કે, હવે તમારું બધું સરસ ગોઠવાઇ ગયું છે. આવી વાત સાંભળે એટલે તરત જ એ ભાઇ કહેવા લાગે કે, તમને ખબર નથી કે મેં કેવા ખરાબ દિવસો જોયા છે. મારી પાસે બે ટંક પેટ ભરીને ખાઇ શકાય એટલું પણ નહોતું. ભાડાના નાનકડા ઘરમાં રહેતો હતો. સાઇકલ પર દોડધામ કરતો હતો. બધી જ મુશ્કેલીઓનો મેં એકલા હાથે સામનો કર્યો છે. મારી જગ્યાએ બીજો કોઇ હોય તો ભાંગી જ પડ્યો હોય. એના મોઢે કોઇ સારી વાત નીકળે જ નહીં. એ પોતાના ખરાબ દિવસો જ યાદ કર્યે રાખે. એના જેવો જ એક બીજો કિસ્સો છે. એ પણ ખૂબ મહેનત કરીને આગળ આવ્યા હતા. તેને એક વખત તેના મિત્રએ પૂછ્યું, તારું બધું હવે સરસ ગોઠવાઇ ગયું છે. એ યુવાને કહ્યું, ખરેખર બધું સરસ ચાલે છે. ભગવાનની દયા છે. સાચું કહું, હું અત્યારે મારી જિંદગીના બેસ્ટ ટાઇમમાંથી પસાર થાઉં છું. હું મારો આ સમય પૂરેપૂરો એન્જોય કરું છું. તેના મિત્રએ કહ્યું, પણ તેં બહુ ખરાબ સમય જોયો છે. એ યુવાને કહ્યું, બધાએ ખરાબ સમય જોયો જ હોય છે. કોઇ એમ ને એમ સફળ થતું નથી. હું તો ખરાબ સમય યાદ જ નથી કરતો. ગયું એ ગયું. અત્યારે સારું છેને, એ મહત્ત્વનું છે.
બહુ ઓછા લોકો ભૂતકાળમાંથી બહાર નીકળી શકતા હોય છે. જે જૂનું ભૂલી જાણે છે એ જ નવું માણી જાણે છે. એક છોકરીની આ સાવ સાચી વાત છે. તેણે લવમેરેજ કર્યા હતા. બંનેના ઘરની મંજૂરી હતી. લગ્ન બાદ થોડા જ સમયમાં એના પતિનું પોત પ્રકાશવા લાગ્યું. એ પત્નીને હેરાન કરવામાં કંઇ બાકી રાખતો નહોતો. એક તબક્કે પત્નીને સમજાઇ ગયું કે, આની સાથે રહી શકાય એમ નથી. માતા-પિતાને વાત કરીને તેણે ડિવોર્સ લઇ લીધા. થોડો સમય વીત્યો પછી માતા-પિતાએ તેને ફરીથી મેરેજ કરવા માટે સમજાવી. એણે હા પાડી. માતા-પિતાએ એક સારો છોકરો શોધી કાઢ્યો. એના પણ એક મેરેજ તૂટી ગયા હતા. બંનેના મેરેજ થયા. બંને સારી રીતે રહેતાં હતાં. બંનેમાંથી કોઇને કલ્પના નહોતી કે, જિંદગી ફરીથી આટલી સારી રીતે સેટ થઇ જશે અને અમને સારો લાઇફ પાર્ટનર મળી જશે. એક વખત બંને વાત કરતાં હતાં. વાતવાતમાં બંને જૂના દિવસો યાદ કરવા લાગ્યાં. અચાનક બંનેએ કહ્યું કે, છોડને યાર, શું મતલબ છે એ બધું યાદ કરવાનો? આજે આપણે ખુશ છીએ એ સૌથી વધુ મહત્ત્વનું છે. જિંદગીની આજને તમે કેવી રીતે લો છો અને કેવી રીતે જીવો છે એ જ સૌથી મહત્ત્વનું હોય છે.
દરેકનો ભૂતકાળ હોય છે. દરેકની વેદના હોય છે. ખરાબ અનુભવો હોય છે. માણસ જિંદગીનો ભાર પણ એક હદથી વધારે ઊંચકી શકતો નથી. જે વજન આપણે લઇને ફરીએ છીએ એ જો ભારે ને ભારે થતું જશે તો એક દિવસ આપણે જ એની નીચે દબાઇ જઈશું. એક સંત હતા. એ માનસિક રીતે અસ્થિર લોકોની સારવાર કરતા હતા. એક વખત એક સજ્જન એ સંતને મળવા ગયા. સંતને સવાલ કર્યો, માણસ કેમ માનસિક રીતે આટલો બધો અસ્વસ્થ થઇ જતો હશે? સંતે કહ્યું, એનું એક જ કારણ છે. માણસ ભૂલતો નથી. મારી સાથે આમ થયું, મારી સાથે તેમ થયું, મને બધાએ દુ:ખી કર્યો, મારી સાથ દગો થયો, મારી વ્યક્તિ જ મને છોડીને ચાલી ગઇ, મને નોકરીમાંથી કાઢી મૂક્યો, મારો ધંધો ભાંગી ગયો, હું બરબાદ થઇ ગયો, આવું એ સતત વિચારતો અને વાગોળતો રહે છે. જે માણસ ભૂલી નથી શકતો એ માણસ એક તબક્કે બધું જ ભૂલી જાય છે અને પાગલ થઇ જાય છે. સારી રીતે જીવવાનો એક સિદ્ધાંત એ છે કે, જે ગયું એ ભૂલી જાવ. સારું પણ એક હદથી યાદ રાખવાની જરૂર નથી. કેટલાક લોકો એના કારણે પણ પરેશાન હોય છે. એક કપલની આ વાત છે. એનો બિઝનેસ ધમધોકાર ચાલતો હતો. ગાડી, બંગલો, નોકરચાકર બધું જ હતું. કોઇ વાતની કમી નહોતી. અચાનક સમયે કરવટ લીધી.
ધંધો પડી ભાંગ્યો. મોટી ખોટ ગઇ. જે હતું એ વેચાઇ ગયું. સ્થિતિ એ થઇ કે, નાનકડા ઘરમાં રહેવા જવું પડ્યું. કંઇ વાત નીકળે એટલે એ ફરીથી જૂની વાતો વાગાળવા બેસી જાય. અમે તો કેવા સુખી હતાં! બધું જ હતું. કોણ જાણે કોની નજર લાગી ગઇ. અમે તો ક્યારેય કોઇનું બૂરું નથી કર્યું. ભગવાન પણ કોણ જાણે શેની સજા આપી રહ્યો છે. એ સમયે પણ એ કપલ ખાધે પીધે દુ:ખી નહોતું જ, એની પાસે એટલું તો હતું જ કે આરામથી જીવી શકે. એને જે ગયું એની પીડા હતી. ચાલ્યું ગયેલું સુખ ઘણી વખત મોટા દુ:ખનું કારણ બની જતું હોય છે. એક વખત તેના એક સ્વજને કહ્યું કે, આરામથી જીવી શકો એટલું તો છે પછી શા માટે જૂના દિવસો યાદ કરીને રડો છો? અત્યારે જે છે એને માણોને.
માણસનો સૌથી મોટો પ્રોબ્લેમ ક્યારેય વર્તમાન હોતો જ નથી. માણસનો ખરો પ્રોબ્લેમ કાં તો ભૂતકાળ હોય છે અને કાં તો ભવિષ્ય કાળ હોય છે. કેટલાક લોકો આવતી કાલની ચિંતામાં આજને એન્જોય કરતા નથી. એક બીજો સાવ સાચો કિસ્સો છે. એક પતિ-પત્ની હતાં. તેમને એક દીકરી હતી. બહુ જ ડાહી અને હોશિયાર દીકરી. પતિ-પત્ની બંને દીકરીના ભવિષ્યની જ ચિંતા કર્યે રાખે. દીકરીનાં લગ્ન માટે રૂપિયા ભેગા કરવા માટે બચત કર્યે રાખે. પોતાના માટે જરૂરી હોય એની પાછળ પણ ખર્ચ ન કરે. એક વખતે દીકરીએ જ કહ્યું, તમે બંને આ શું કરો છો? સરખી રીતે જીવતાં કેમ નથી? ખોટી ચિંતા ન કરો. લગ્ન સમયે જેટલું થઇ શકશે એટલું કરીશું. ન થાય તો પણ ચિંતા ન કરો. મને સાદાઇથી મેરેજ કરવામાં પણ કોઇ પ્રોબ્લેમ નથી. તમે બંને આવી રીતે ન જીવો. જિંદગી જીવવા માટે છે. બચત જરૂરી છે એમાં ના નહીં, પણ તમે જે કરો છો એ બચત નથી, ખોટી ચિંતાઓ છે. ભવિષ્યમાં મને શું યાદ રહેશે? મારાં માતા-પિતાએ મારા માટે પોતાની ખુશીઓનું બલિદાન આપ્યું છે એ? એના કરતાં મારા માટે એ સ્મરણ વધુ સારું હશે કે, મારાં માતા-પિતા સરસ રીતે જીવ્યાં હતાં. તમે મારા માટે કેવું ભાથું બાંધો છો એનો તો વિચાર કરો. જિંદગીને એવી રીતે જીવો કે, કોઇ અફસોસ ન થાય. આજને માણો. જે ગયું છે એને ભૂલી જાવ. જે આવ્યું નથી એની ચિંતા ન કરો. અત્યારની ક્ષણને માણી શકતા હોવ તો તમે સમજુ, ડાહ્યા અને સુખી છો. સમય ગમે એવો હોય, કેવી રીતે જીવવું એનો આધાર આપણા પર હોય છે. નક્કી કરો કે, મારે સારી રીતે જીવવું છે. જે છે એને હું હન્ડ્રેડ પર્સન્ટ એન્જોય કરીશ. સારી રીતે જીવવા માટે જેટલું જોઇએ એટલું બધા પાસે હોય જ છે. આપણને બસ એનું ભાન અને એનો અહેસાસ હોવો જોઇએ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો