તમારી સાથે ક્યારેય આવું બન્યું છે? કોઈ માંદગીમાં પહેલાં તમે થોડી રાહ જુઓ, પછી ડોક્ટરને મળો, એ દવા લખી આપે, તમે દવા લઈ આવો. બસ, પછી તમને લાગે કે મારે જે કરવાનું હતું એ કરી લીધું. પછી યા તો સાવ સીધીસાદી આળસને લીધે દવા લેવાનું રહી જાય અથવા તમે જાતને એવું કહો કે આમ તો હવે સારું લાગી રહ્યું છે એટલે હજુ બે-ચાર દિવસ રાહ જોઈ લઉં કે પછી એવું બને કે દવા એક-બે વાર લીધા પછી સહેજ સારું લાગતાં દવાનો કોર્સ પૂરો કર્યા વિના જ તમે અટકી જાવ. ટૂંકમાં, લાવેલી દવા યા તો આખેઆખી કે પછી અડધીપડધી ફ્રીઝના ખાનામાં પડી રહે.  


આવું બધું ઘણા કિસ્સામાં જોવા મળતું હોય છે.

નિયમ સાદો છેઃ દવા ઘરે લઈ આવવાથી નહીં, એને ગળવાથી સાજા થવાય.

જ્ઞાનનું ખાતું પણ એવું છે. એને વાંચવા-સાંભળવાથી નહીં, એને પચાવવાથી લાભ થાય. જ્યાં સુધી તમે ગુરુજ્ઞાન સામે સવાલો ઉઠાવીને એના વિશે મંથન નથી કરતા, એ જ્ઞાનને વિચાર વલોણાથી હલાવીને બરાબર પચાવતા નથી ત્યાં સુધી એ અસરકારક બની શકે નહીં.

બુદ્ધે પહેલું આર્ય સત્ય એ કહ્યું કે સંસાર દુઃખમય છે. માત્ર બુદ્ધે જ નહીં, મહાન હિન્દુ આચાર્ય શંકરાચાર્યએ પણ એમના ભજન ગજગોવિંદમમાં કહ્યું છે કે પુનરપિ જનનં પુનરપિ મરણં પુનરપિ જનની જઠરે શયનમ્, ઇહ સંસારે બહુદુસ્તારે કૃપયાપારે પાહિ મુરારે. અર્થાત્, ફરી ફરી જન્મવું, મરવું, ગર્ભાશયમાં ગોંધાવું. (કેટલો મોટો ત્રાસ!) માટે હે મુરારી (કૃષ્ણ), કૃપા કરો, આ ભવસાગરમાંથી પાર ઉતારો, બચાવો.   

બુદ્ધ પણ સંસારચક્રમાંથી ઊગરવાની વાત કરે છે. એટલું જ કે તેઓ ઈશ્વરની કૃપાની યાચના કરવાને બદલે જાતે ધ્યાન-શ્રમ કરીને નિર્વાણ પામવાનો શ્રમણમાર્ગ ચીંધે છે.

સંસાર દુઃખમય છે એ વાત બુદ્ધના ઉપદેશનો પાયો છે. આ એ મૂળ ધક્કો છે, જે તમને સંસારચક્રમાંથી છૂટવાની પ્રેરણા આપે છે, પણ આ પ્રેરણા ક્યારે મળે? જ્યારે આ વિધાન સંસાર દુઃખમય છે સાથે તમારી આંતરક્રિયા-ઇન્ટરેક્શન થાય. તમે એ વિશે વિચારો, તમે એ વિધાન સામે સવાલ ઉઠાવો તો એ દવાની માફક `ગુણ' કરે. બાકી ઉપર ઉપરથી હાએ હા કરવાથી બુદ્ધનું વિધાન તમારી કેવળ એક ઉપરછલ્લી માન્યતા બની રહેશે, એ તમારું પોતાનું જ્ઞાન, તમારી અનુભૂતિ નહીં બને.

માટે સંસારની ખરાબી વિશે થોડું મંથન કરી જોઈએ, જેથી ખરાબી પૂરેપૂરી ગળે ઊતરે, લોહીમાં ભળે અને પછી એ આપણને ધક્કો મારે, આપણામાં સેન્સ ઓફ અરજન્સી જગાવે, મામલો કેટલો ગંભીર અને તાત્કાલિક સક્રિયતા માગનારો છે એ આપણને સમજાય.  

તો ચાલો, પહેલાં તો સંસારના દુઃખમય હોવા બાબતે શક્ય તેટલી શંકાઓ કરીએ.

***

શું આપણા જીવનમાં માત્ર દુઃખ જ હોય છે? આપણને અનેક દુઃખો ઉપરાંત અનેક પ્રકારના આનંદની અનુભૂતિ થતી હોય છે તેનું શું?   

નવી નવી માતા બનેલી એક યુવતીનો એના નવજાત શિશુ સાથેનો અત્યંત ધીમા સાદે થતો સંવાદ. જીવનના પ્રથમ ચુંબનનો આનંદ. સમુદ્રતટે સુંદર સંધ્યા જોવાનો લહાવો. કોઈ દુ:ખિયારાને સહાય કરવાનો સંતોષ. ઇવન વેર-અપમાનનો બદલો લેતી વખતે અનુભવાતું તામસિક સુખ. આ બધું હોય અને આમાંનું કશું જ ન હોય. આ બેમાંથી તમે શું પસંદ કરો?  

એક તરફ છે સુખ-દુઃખનો સંસાર અને સામે છેડે છે કશું નહીં. ન સુખ, ન દુ:ખ. ન મોહ, ન માયા. ન મન, ન કાયા. બસ, કેવળ શૂન્યતા કે બ્રહ્મ કે જે કહો તે.

સંસાર હોય જ નહીં એના કરતાં સંસાર છે એમાં ખોટું-ખરાબ શું છે? આ સંસારમાં અનેક પ્રકારના જીવો તરીકે જ ફરી ફરી જન્મીને અનેક પ્રકારના અનુભવો લેવા એ માત્ર ખોટનો જ સોદો છે? આકાશમાં મસ્ત રીતે ઊડી રહેલા પક્ષીને સંસારચક્રમાં ભેરવાયેલા લાચાર કેદી કરતાં સૃષ્ટિને માણી રહેલા મસ્ત અને મુક્ત જીવ તરીકે ન જોઈ શકાય શું? માણસોની વાત કરીએ તો, આપણે ફરી ફરી મરવું પડે અને ફરી ફરી જનનીના જઠરમાં સૂવું પડે એ શું બહુ મોટી સમસ્યા છે?

આવા બધા સવાલો કોઈ દૃઢ અને જડ ધર્મગુરુને પૂછીએ તો શક્ય છે કે એ ભડકીને એવું કહી શકે કે ભલે તો પછી સબડો સંસારમાં, ફંગોળાઓ મોહમાયાના ઝંઝાવાતોમાં, પડો ખાડામાં.

આવા ધર્મપુરુષોને ભલે જે કહેવું હોય તે કહે, આપણે તો આપણી રીતે વિચારવું રહ્યું. આમ પણ બુદ્ધથી માંડીને જે. કૃષ્ણમૂર્તિ જેવા અનેક વિચારકોએ શંકાને અને જાતઅનુભવને પ્રાધાન્ય આપ્યું છે. તો પછી શંકા શા માટે ન ઉઠાવવી?

તો પૂછો જાતને આ પાયારૂપ સવાલોઃ સંસાર હોય અને સંસાર ન હોય, આ બેમાંથી કઈ સ્થિતિ મને પસંદ છે? શું મારે મોક્ષ-નિર્વાણ જોઈએ છે? શા માટે જોઈએ છે? એ ન મળે તો શું ખાટુંમોળું થઈ જવાનું હતું? અત્યારે મારું જીવન જે રીતે ચાલી રહ્યું છે એ શું અસહ્ય છે? શું આભ ફાટી પડ્યું છે? અસલી સુખ માટે મોક્ષ-નિર્વાણ અનિવાર્ય છે?

તમે શું કહો છો? એકદમ પ્રામાણિક બનીને વિચારજો કે શું તમને ખરેખર મોક્ષ-નિર્વાણની તીવ્ર તરસ છે ખરી? જો નહીં હોય તો શક્ય છે કે, ઉપર નોંધ્યું તેમ દવા લાવ્યા પછી પણ તમે દવા લેશો નહીં.

માટે પહેલું કામ આ છેઃ લગની લાગવી. એ વાત સમજાવી કે સંસારચક્રમાં મહાલવા જેવું નથી, એમાંથી છૂટવા જેવું છે.

આ મામલે જેનામાં પૂરતી તરસ નથી, જેનામાં નિર્વાણના માહાત્મ્યની સમજ નથી, જેનામાં નિર્વાણ માટેની સેન્સ ઓફ અરજન્સી નથી એમને બુદ્ધ કઈ રીતે જગાડે છે એની વાત આવતા અંકે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: