ફિલ્મો અને ક્રિકેટના સિતારા ભારતમાં ખૂબ લોકપ્રિય છે અને એટલે જ ચૂંટણીઓમાં ઘણી વખત તે જનનાયક તરીકે જીતી જાય છે, પરંતુ પડદા પર ખુદને હીરો તરીકે સાબિત કરવા આસાન છે, રિઅલ પોલિટિક્સમાં જૂજ લોકો આવું કરી શક્યા છે. ભારત જેવા વૈવિધ્યતા ધરાવતા દેશમાં લોકોની અપેક્ષાઓ સતત રહે છે, કારણ કે રાજકારણમાં તેમની સાથે મોટાભાગે ધોખાબાજી થતી રહી છે ત્યારે તે ફિલ્મી સ્ટાર્સ ઉપર વિશ્વાસ તો મૂકે છે, પરંતુ તેમાં પણ મોહભંગ થતા રહે છે.
તમિલનાડુના રાજકારણમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય લખાયો છે. મે 2026માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સુપરસ્ટાર વિજયની પાર્ટી 'તમિલગ વેટ્રિ કઝગમ' (TVK)એ જે પ્રદર્શન કર્યું છે, તેણે દાયકાઓથી ચાલી આવતા દ્રવિડિયન રાજકારણના દબદબાને મોટો આંચકો આપ્યો છે. ફિલ્મસ્ટાર વિજય, જેમને તેમના ચાહકો પ્રેમથી 'થલપતિ' તરીકે ઓળખે છે, તેમણે રાજકારણમાં પ્રવેશ કરીને સીધો મોટો વિજય મેળવ્યો છે. તેમની પાર્ટી 'તમિલગ વેટ્રિ કઝગમ' (TVK)નો અર્થ થાય છે 'તમિલનાડુ વિજય પક્ષ'. આ પાર્ટીએ 2026ની વિધાનસભા ચૂંટણીમાં પોતાના ડેબ્યૂમાં જ 108 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી છે. જોકે, આ આંકડો બહુમતી માટે જરૂરી 118થી થોડો ઓછો છે, પરંતુ આ પરિણામોએ તમિલનાડુનાં રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખ્યાં છે.
વિજયને ખાસ કરીને યુવા મતદારો, મહિલાઓ અને એવા વિસ્તારોમાંથી અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે, જેઓ પરંપરાગત રાજકીય પક્ષોથી નારાજ હતા. તેમણે પ્રચારમાં ભ્રષ્ટાચારમુક્ત શાસન અને રાજ્યના વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખ્યા હતા. પેરામ્બુર અને ત્રિચી ઈસ્ટ જેવી બેઠકો પરથી વિજયની ભવ્ય જીત એ સાબિત કરે છે કે લોકોમાં તેમની લોકપ્રિયતા માત્ર ફિલ્મો પૂરતી મર્યાદિત નથી, પરંતુ એક રાજકીય નેતા તરીકે પણ સ્વીકાર્ય છે. તેમને મળેલું સમર્થન રાજ્યભરમાં વ્યાપક છે, જેમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોનો સમાવેશ થાય છે, જે તેમની વ્યાપક અપીલ દર્શાવે છે.
તમિલનાડુ અને સિનેમાનો સંબંધ અતૂટ રહ્યો છે. અહીં રાજકારણ અને ફિલ્મો વચ્ચેની સીમારેખા હંમેશાં ધૂંધળી રહી છે. આ પરંપરાની શરૂઆત સી.એન. અન્નાદુરાઈ અને એમ. કરુણાનિધિ જેવા નેતાઓથી થઈ હતી, જેઓ પોતે લેખક અને પટકથા લેખક હતા. ફિલ્મોનો ઉપયોગ રાજકીય વિચારધારા ફેલાવવા માટે કરવામાં આવતો હતો.
એમ.જી. રામચંદ્રન (MGR) તમિલનાડુના સૌથી સફળ સ્ટાર-રાજકારણી હતા. તેમણે પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ કરીને AIADMKની સ્થાપના કરી અને રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તેમનો દબદબો એવો હતો કે તેઓ એકવાર હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે પણ ચૂંટણી જીતી ગયા હતા. એક સફળ અભિનેત્રી તરીકે રાજકારણમાં આવેલા જયલલિતાએ મજબૂત વહીવટકર્તા તરીકે છાપ છોડી અને અનેકવાર મુખ્યમંત્રી પદ સંભાળ્યું.'મક્કલ નિધિ મય્યમ' બનાવીને રાજકારણમાં પ્રવેશ કરનાર કમલ હાસન તેમની વિચારધારા અને ફિલ્મોમાં ગંભીરતા છતાં ચૂંટણીમાં તેવો જાદુ ચલાવી શક્યા નહીં, જેવો તેમની ફિલ્મોમાં હોય છે. રાજકારણના જમીની સ્તરના ગણિત અને ફિલ્મી લોકપ્રિયતા વચ્ચેનો તફાવત અહીં જોવા મળ્યો હતો. વર્ષો સુધી રાજકારણમાં પ્રવેશવાની અટકળો વચ્ચે રજનીકાંતે તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો, જે તેમના ચાહકો માટે નિરાશાજનક હતો.રાજકારણમાં સફળતા માટે માત્ર ચહેરો પૂરતો નથી; ત્યાં સંગઠનાત્મક માળખું, જમીની કાર્યકરો અને વૈચારિક સ્પષ્ટતાની જરૂર હોય છે. MGR કે જયલલિતા સફળ થયાં કારણ કે તેમણે ફિલ્મની છબીને રાજકીય વિચારધારા સાથે સફળતાપૂર્વક જોડી હતી. ફિલ્મ સ્ટાર્સનો રાજકીય દબદબો માત્ર તમિલનાડુ પૂરતો સીમિત નથી. આખા દક્ષિણ ભારતમાં સિનેમા અને રાજકારણનો ઊંડો સંબંધ છે. આંધ્રપ્રદેશમાં તેલુગુ સિનેમાના સુપરસ્ટાર એન. ટી. રામારાવે (NTR) 'તેલુગુ દેશમ પાર્ટી' (TDP)ની સ્થાપના કરી અને ખૂબ જ ઓછા સમયમાં સત્તા મેળવી હતી. તેમણે તેલુગુ અસ્મિતાના નામે જનતાને એક કર્યા હતા. કેરળમાં ફિલ્મી સિતારાઓ રાજકારણમાં સીધા પ્રવેશવાને બદલે રાજકીય પક્ષોના સમર્થન અથવા પ્રચારમાં વધુ સક્રિય હોય છે. જોકે, ત્યાં પણ ગણેશ કુમાર જેવા અભિનેતાઓ મંત્રી પદ સુધી પહોંચ્યા છે. કર્ણાટક, અહીં પણ અમરીશ અને રમ્મા જેવી ઘણી હસ્તીઓએ રાજકારણમાં મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે. દક્ષિણ ભારતમાં લોકો પોતાના પ્રિય કલાકારોને માત્ર મનોરંજનના સાધન તરીકે નહીં, પરંતુ પોતાના આદર્શ અને અવાજ તરીકે જુએ છે.
ઝૂમ ઇન
હો ગઈ હૈ પીર પર્વત સી,
પિઘલની ચાહિયે,
ઇસ હિમાલય સે કોઈ
ગંગા નિકલની ચાહિયે
ઝૂમ આઉટ
સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિયે
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો